કેદીઓને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં ગુજરાત અગ્રેસર, ફાયદો પણ… | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

કેદીઓને કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં ગુજરાત અગ્રેસર, ફાયદો પણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ (VC)ના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.

રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે.

રાજ્યની જેલોમાં કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ ૨૦૨૨માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટો ખાતે કુલ ૧૧૦૦ યુનિટ વીસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. જેમાં રાજ્યની જેલો ખાતે ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સિસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન વકીલે એવું કૃત્ય કર્યું કે પછી કોર્ટ થઈ લાલધૂમ, જાણો શું છે મામલો…

ગુજરાત જેલ વિભાગના આંકડા મુજબ આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૪) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા ૪૦,૬૩૩ કેદીને એટલે કે સરેરાશ ૨૯ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ આંકડો વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૫) દરમિયાન વધીને સરેરાશ ૪૧% થયો છે, એટલે કે કુલ ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પોલીસથી બચવા સોનમનો નવો ઢોંગ! મુખ્ય આરોપી સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે…

આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે.

આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે. કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button