ગુજરાતમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીનો પ્લાન શું હતો? એટીએસે કર્યો ખુલાસો…

અમદાવાદઃ ગુજરાત ATS એ ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સફળ ઑપરેશન પાર પાડ્યું હતું. ATS દ્વારા અમદાવાદમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ સંદીગ્ધ આતંકવાદીને અટકાયત કરવામાં આવી છે. રાજ્યમાં આતંકવાદ ફેલાવવાના એક મોટા ષડયંત્રનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. ઝડપાયેલા આ ત્રણેય જણ ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરિયા) મૉડ્યુલ સાથે જોડાયેલા છે. આખરે આ આંતકવાદીઓનો પ્લાન શું હતો? આ મામલે પોલીસે મહત્વની વિગતો આપી છે.
આંતકવાદી અહેમદે ચીનથી MBBS કરેલું છે
આ આતંકવાદીઓમાં 35 વર્ષીય ડૉક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદનું નામ પણ સામેલ છે. આ આંતકીએ ચીનથી MBBS કર્યું છે અને તે ISKP સાથે જોડાયેલા વિદેશમાં ઉગ્રવાદીઓના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. અહેમદની સાથે તેના બે સાથી મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકવાદીઓ અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને લાંબા સમયથી દેખરેખ હેઠળ હતા તેવું એટીએસે જણાવ્યું હતું,.

અહેમદને અડાલજ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લેવાયો
ગુજરાત ATS દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અહેમદ મોહિઉદ્દીન સૈયદ પર ઘણાં સમયથી નજર રાખવામાં આવી રહી હતી. આ વ્યક્તિ કોઈ મોટા ષડયંત્ર માટે કામ કરી રહ્યો હોવાના અહેવાલો મળતા તેની પર નજર રાખવામાં આવી રહી હતી. ગુજરાત ATSએ અહેમદ મોહિઉદ્દીન સૈયદને અડાલજ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો. જ્યારે પોલીસ દ્વારા તેની સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, તે વિદેશમાં રહેતા ISKP સભ્યોના સંપર્કમાં હતો. ગુજરાત એટીએસે તેની સાથે અન્ય બે આતંકીની પણ ધરપકડ કરી લીધી છે.

આતંકવાદીઓ હૈદરાબાદથી રોડ માર્ગે અમદાવાદ આવેલા
એટીએસે જણાવ્યું કે, આ લોકો છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ લખનઉ અને દિલ્હીમાં રેકી કરી રહ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ આ બંને આતંકવાદીઓ હૈદરાબાદથી રોડ માર્ગે અમદાવાદ આવ્યા હતા. આ લોકો કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યાં હોવાની આશંકા હતી. વધારે વિગતે આપતા એટીએસે જણાવ્યું કે, ત્રણેય આતંકવાદીઓ રાયજીન નામના અત્યંત ઝેરી પ્રવાહી તૈયાર કરી રહ્યા હતા. અધિકારીઓના મતે, આ પદાર્થ સાયનાઇડ કરતાં પણ વધુ ઘાતક ગણાય છે. રાયજીનની થોડી માત્રા પણ મોટી જાનહાનિ સર્જી શકે છે. આ પર્દાર્થનો શા માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો તે અંગે એટીએસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. આ ત્રણેય આતંકીઓ પર એટીએસ એક વર્ષથી નજર રાખી રહી હતી, આજે ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.

અહેમદ મોહિઉદ્દીન સૈયદના 17મી તારીખ સુધી રિમાન્ડ મંજૂર
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, અહેમદ મોહિઉદ્દીન સૈયદના 17મી તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બાકીના બે આરોપીઓને હવે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મંજૂર કરાવમાં આવશે. આતંકવાદીઓનો ઈરાદો સાઈનાઈડ કરતાં વધુ ઝેરી પદાર્થ બનાવવાનો અને જાનહાનિ પહોંચાડવાનો હતો. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ચીનમાં અભ્યાસ કરી ચૂકેલા આતંકવાદી ડૉક્ટરનો ઈરાદો રાસાયણિક હુમલો કરવાનો હતો. એટલા માટે જ તે તે છેલ્લા એક વર્ષથી વિવિધ સ્થળોએ જાસૂસી કરી રહ્યો હતો.



