આપણું ગુજરાત

ડીસા-પાટણ હાઈવે પર ગૌરક્ષકોએ પોલીસ પર કર્યો હુમલો, 3 હુમલાખોરની અટકાયત

પાટણ: ગાયોને કતલખાને જતી રોકવા માટે ગૌરક્ષકો દ્વારા શંકાસ્પદ વાહનો પર હુમલાની ઘટનાઓ રાજ્યમાં વધી છે. ગૌરક્ષકો ક્યારેક ગેરસમજનો ભોગ બની નિર્દોશ લોકોને પણ નિશાન બનાવતા હોય છે. જેમ કે ડીસા-પાટણ હાઈવે પર જુના ડીસા ગામ પાસે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતી SRP જવાનોની ટીમ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે.

ગુજરાત હાઈકોર્ટના હુકમના પગલે અમદાવાદ શહેરમાં રખડતા પશુઓને પકડીને SRP જવાનોની ટીમ દ્વારા તે ઢોરને જુના ડીસા ખાતેની ગૌશાળાએ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રકને રોકી હતી અને પોલીસકર્મીઓને માર મારીને તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા. આ અંગે ડીસા પોલીસ સ્ટેશનમાં 3 હુમલાખોર યુવકો સામે ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, અમદાવાદ શહેરમાંથી પકડાયેલા રખડતા 31 ઢોરને 4 ટ્રકમાં SRP જવાનોની સુરક્ષામાં જૂના ડીસા પાસેની રાધેક્રિષ્ણા ગૌશાળામાં પહોંચાડવામાં આવી રહ્યા હતા. ટ્રક જૂના ડીસા ફાટક પાસેથી પસાર થતા જ ત્રણ શખ્સોએ ટ્રકોને રોકાવી હતી અને SRP જવાનો સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી. યુવકોએ પોતે જીવદયાપ્રેમીઓ હોવાનું કહીને SRP જવાનો પશુઓને કતલખાને લઈ જઈ રહ્યા છે હોબાળો મચાવ્યો હતો.

પોલીસકર્મીઓ દ્વારા યુવકોને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તેમની સાથે મારામારી કરીને તેમના કપડા ફાડી નાખ્યા હતા. ઘટનાને લઈને ડીસા પોલીસ તરત સ્થળ પર પહોંચી હતી અને હુમલો કરનારા ત્રણેય શખ્સો સની દશરથભાઈ પ્રજાપતિ, અનિલસિંહ નારણજી રાજપુત અને અશોક ઈશ્વરભાઈ ભાટીની અટકાયત કરી હતી. ડીસા પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button