ગુજરાતના આ શહેરમાં બનાવાયા માસ્ટિક આસ્ફાલ્ટ રોડ, ચોમાસામાં ધોવાઈ જવાનો ખતરો નહીં

વાપી: ઔદ્યોગિક વસાહતો ધરાવતા વિસ્તારોમાં સામાન્ય રીતે ડામર અને આરસીસી રોડમાં જલ્દી નુકસાન પહોંચતું હોય છે. આ સિવાય દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જવાની અને ખાડા પડવાની સમસ્યા તો યથાવત જ રહે છે. અગાઉ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીમાં પણ આ સમસ્યા રહેતી હતી. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવ્યો છે. કારણ કે અહીં ‘માસ્ટિક ડામર’ (Mastic Asphalt) ટેકનોલોજીનો પ્રયોગ કરીને રસ્તા બનાવવામાં આવ્યા છે.
‘માસ્ટિક ડામર’ (Mastic Asphalt) ટેકનોલોજીના ફાયદા
વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં મેસ્ટિક ડામરનો ઉપયોગ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. આ રસ્તાઓની વિશેષતા એ છે કે આ રસ્તાઓ પાણી સામે અદભૂત પ્રતિકાર ધરાવે છે. લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવા છતાં રસ્તાનું સ્તર ઉખડતું નથી. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ચોવીસ કલાક ભારે ટ્રકોની અવરજવર રહે છે. મેસ્ટિક ડામર આવા ઊંચા એક્સલ લોડને સરળતાથી સહન કરી શકે છે. પરંપરાગત રસ્તાઓ દર 1-2 વર્ષે રીપેર કરવા પડે છે, જ્યારે આ ટેકનોલોજીથી બનેલા રસ્તા દાયકાઓ સુધી અકબંધ રહે છે.
વાપીના વહીવટીતંત્ર મુજબ, આ ટેકનોલોજીને કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ઉદ્યોગપતિઓ માટે માલસામાનનું પરિવહન ઝડપી અને સરળ બન્યું છે, જેનાથી આર્થિક કાર્યક્ષમતામાં સુધારો થયો છે. ‘માસ્ટિક ડામર’ (Mastic Asphalt) ટેકનોલોજીનો પ્રયોગ વાપીમાં સફળ થયો છે. જેથી હવે રાજ્ય સરકાર આ સફળ મોડેલને અન્ય શહેરોમાં પણ લાગુ કરવા વિચારી રહી છે.
‘માસ્ટિક ડામર’ના ગેરફાયદા અને પડકારો
માસ્ટિક ડામરના અગણિત ફાયદાની સાથોસાથ કેટલાક પડકારો પણ છે. જે પણ જાણી લેવા જોઈએ. સામાન્ય રસ્તાની સરખામણીએ આ પદ્ધતિ વધુ ખર્ચાળ છે અને બાંધકામમાં વધુ સમય લે છે. આ ડામરને તૈયાર કરવા માટે ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડે છે, જેનાથી ધુમાડો નીકળે છે. રસ્તો બનાવ્યા પછી તેને સેટ થવા માટે ઓછામાં ઓછા બે દિવસ સુધી વાહનો માટે બંધ રાખવો અનિવાર્ય છે. માસ્ટિક ડામરના રસ્તાની સપાટી લપસણી હોય છે. તેથી ચોમાસામાં ભીની સપાટી પર ઝડપી વાહનો લપસવાનો ભય રહે છે, જોકે યોગ્ય ફિનિશિંગ દ્વારા આ સમસ્યા હલ કરી શકાય છે.
આપણ વાંચો: ઉત્તરાયણ પર ગુજરાતમાં ભૂકંપના આંચકા: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી



