સુરત

સુરતમાં રેલવે ટ્રેક પર રીલ બનાવવાનું યુવતીને પડ્યું ભારે, જુઓ પોલિસે શું કર્યું?

સુરત: આજના યુગમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાનું ભૂત યુવાપેઢીના માથે એ રીતે સવાર થયું છે કે તેઓ પોતાની સુરક્ષા પણ ભૂલી રહ્યા છે. સુરતના સચિન રેલવે સ્ટેશન પાસે એક યુવતી દ્વારા વ્યસ્ત રેલવે ટ્રેક પર ફિલ્મી ગીત પર રીલ બનાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવતીનો આ જોખમી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. અગાઉ રાજકોટમાં વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેતી વખતે અકસ્માતમાં બે લોકોના મોત થયા હોવા છતાં લોકો આવી જોખમી ભૂલો કરવાનું છોડતા નથી.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી લાલ રંગના ડ્રેસમાં રેલવે ટ્રેકની બિલકુલ વચ્ચે કોઈ પણ ડર વગર ચાલી રહી છે અને પોઝ આપી રહી છે. આ એ જ ટ્રેક છે જ્યાંથી દિવસ-રાત હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. માત્ર થોડી સેકન્ડની પ્રસિદ્ધિ મેળવવા માટે યુવતીએ પોતાની અમૂલ્ય જિંદગી જોખમમાં મૂકી દીધી હતી. જો શૂટિંગ દરમિયાન અચાનક ટ્રેન આવી ગઈ હોત, તો જાન બચાવવાની તક પણ મળી ન હોત. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સે યુવતીની આ હરકતની ભારે ટીકા કરી હતી.

આ મામલે રેલવે સુરક્ષા દળ (RPF) એ તાત્કાલિક કાર્યવાહી કરતા સીસીટીવી અને સોશિયલ મીડિયા પ્રોફાઈલના આધારે યુવતીની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ નેહા રાજભર નામની આ યુવતીએ બીજો એક વીડિયો જાહેર કરીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી છે. તેણે જણાવ્યું કે, તે અજાણતામાં રેલવે ટ્રેક પર વીડિયો શૂટ કરવા પહોંચી ગઈ હતી અને તેને કાયદાકીય જોગવાઈઓની જાણ નહોતી. તેણે અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે કોઈએ પણ રેલવે ટ્રેક પર આવી જોખમી રીલ બનાવીને પોતાની જિંદગી જોખમમાં ન મૂકવી જોઈએ.

રેલવે સુરક્ષા દળના નિયમો મુજબ, રેલવે ટ્રેક પર અનધિકૃત પ્રવેશ કરવો કે ત્યાં શૂટિંગ કરવું એ ગંભીર ગુનો છે. રેલવે એક્ટની કલમ 147 હેઠળ આ બદલ જેલની સજા અથવા ભારે દંડની જોગવાઈ છે. સ્થાનિક લોકો અને સત્તાધીશોનું માનવું છે કે જો આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં ન આવે તો અન્ય યુવાનો પણ આવા જીવલેણ સ્ટંટ કરવા પ્રેરાય છે. સુરત રેલવે વિભાગે આ મામલે કડક વલણ અપનાવીને સંદેશ આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં.

આપણ વાંચો:  ગુજરાતના કયા 21 રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયું? સંસદમાં રેલવે પ્રધાને આપી માહિતી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button