દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: વડોદરાથી નવસારી સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરાયો…

નવસારી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે. વડોદરાથી વિરાર સેક્શન હેઠળ આવતા પેકેજ 5 (અંકલેશ્વરથી કીમ) અને પેકેજ 7 (એનાથી ખરેલ) ને આખરે વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. આ નવા સેક્શન શરૂ થવાથી હવે વાહનચાલકો વડોદરાથી સીધા નવસારી પાસે આવેલા ખરેલ સુધી એક્સપ્રેસવે પર મુસાફરી કરી શકશે, જેનાથી મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે.
ભારતના આ મહત્વાકાંક્ષી 8-લેન એક્સપ્રેસવેનો 426 કિમી જેટલો હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. અગાઉ વડોદરાથી ભરૂચ (પેકેજ 1 થી 3) અને ત્યારબાદ અંકલેશ્વર તેમજ કીમથી એના સુધીના ભાગો કાર્યરત કરી દેવાયા હતા. હવે પેકેજ 5 અને 7 શરૂ થતાં વડોદરાથી નવસારી સુધીનો સમગ્ર સ્ટ્રેચ વાહનો માટે તૈયાર થઈ ગયો છે. હાલમાં આ માર્ગ ટ્રાયલ માટે શરૂ કરાયો છે અને માત્ર હળવા વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે બસ અને ટ્રક જેવા ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.
આ નવા પેકેજ પર ટોલ પ્લાઝા તૈયાર હોવા છતાં, હાલમાં વાહનચાલકો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવી રહ્યો નથી. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સત્તાવાર ટોલ દરો જાહેર ન થાય ત્યાં સુધી મુસાફરી મફત રહેશે. બિનપરવાનગી ધરાવતા કે ભારે વાહનો એક્સપ્રેસવે પર ન ચઢી જાય તે માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર હાઈટ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. જો આગામી દિવસોમાં ટ્રાયલ દરમિયાન કોઈ ટેકનિકલ સમસ્યા જણાશે તો માર્ગ ફરીથી બંધ પણ થઈ શકે છે.
એક્સપ્રેસવે શરૂ થયો હોવા છતાં વાહનચાલકોએ ખાસ એક બાબતની નોંધ લેવી પડશે. પેકેજ 5 ના મુખ્ય રસ્તાની વચ્ચે એક હાઈ-ટેન્શન પાવર ટ્રાન્સમિશન ટાવર આવતો હોવાથી ત્યાં કામચલાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સત્તાધીશોએ ટાવરની આસપાસ હંગામી ધોરણે ત્રણ લેનનો રસ્તો બનાવ્યો છે જેથી ટ્રાફિક જામ ન થાય. આ ઉપરાંત, કેટલાક સ્થળોએ રસ્તાની એક જ બાજુ કાર્યરત હોવાથી સાવચેતીપૂર્વક વાહન ચલાવવું હિતાવહ છે.
આ બે નવા સેક્શન ખુલવાથી વડોદરા અને સુરત વચ્ચેની કનેક્ટિવિટીને જબરદસ્ત વેગ મળ્યો છે. અગાઉ વાહનચાલકોએ કીમ કે સુરત પાસે એક્સપ્રેસવે છોડી નેશનલ હાઈવે 48 પર આવવું પડતું હતું, પરંતુ હવે તેઓ અટક્યા વિના નવસારી સુધી પહોંચી શકશે. આગામી થોડા દિવસોમાં તમામ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગ પર પૂર ઝડપે અને પૂર્ણ ક્ષમતા સાથે વાહનો દોડતા થઈ જશે, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને પ્રવાસન માટે આશીર્વાદરૂપ સાબિત થશે.



