આપણું ગુજરાત

માલધારીઓના ધરણાંમાં જોડાયું કોંગ્રેસ, મૃત પશુઓના પેટમાંથી પ્લાસ્ટિક મળ્યાનો ખુલાસો

અમદાવાદ: ગુજરાતમાં હાલ આંદોલનની સીઝન છે. જ્ઞાન સહાયક, પેન્શનકર્મીઓના મુદ્દા બાદ હવે માલધારીઓના ધરણાં રાજકીય હલચલ મચાવી શકે છે. થોડા દિવસ પહેલા માલધારીઓએ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઢોરવાડામાં જાળવણીના અભાવે પશુઓ મૃત્યુ પામતા હોવાનો તેમજ મૃત પશુઓનો યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનો આક્ષેપ સાથે વીડિયો વાઇરલ કર્યો હતો, અને હવે આ વિવાદમાં કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે.

માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે રોજની અમારી 20થી 25 ગાયો ઢોરવાડામાં ભૂખી તરસી મૃત્યુ પામી રહી છે. અને જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. બીજી બાજુ આજે કોર્પોરેશને મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરતા તેમાં મૃત ગાયોના પેટમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક મળી આવ્યું હતુ અને તેના કારણે તેમના મૃત્યુ થયા હોવાનો ખુલાસો થયો છે. હવે માલધારીઓના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા ઢોરવાડાએ પહોંચ્યા હતા.

અમિત ચાવડા સહિત કોર્પોરેશનના ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, તસ્લીમ આલમ શેખ, કામિની ઝા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઢોરવાડા ખાતે પહોંચ્યા હતા અને તેમણે માલધારી સમાજની રજૂઆતને સાંભળી હતી. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના ઢોરવાડામાં જ્યારે ક્ષમતા કરતા વધારે ઢોર રાખવામાં આવી રહ્યા છે અને પૂરતો ઘાસચારો આપવામાં આવતો નથી. ડબલ એન્જિન સરકાર તેમની જવાબદારીમાંથી છટકી રહી છે.

જે પણ ગાયોના મૃત્યુ થાય છે તે ગાયોનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય છે ગાયોને દાટીને માન સન્માન સાથે નિકાલ કરવાનો હોય છે પરંતુ પાછલા બારણે ચામડા ઉતારતા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરવામાં આવે છે. ગાયોને ત્યાં રઝડતી મૂકી દેવામાં આવે છે અને છોડી દેવામાં આવે છે. ગાયોના ચામડાનો વેપાર કરવામાં આવે છે. ગાયોના યોગ્ય રીતે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવતા નથી.

મૃત્યુ પામેલી ગાયોના પેટમાંથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને કપડા જેવી વસ્તુઓ નીકળી છે. જઠરની આસપાસ પ્લાસ્ટિક વધારે સંખ્યામાં હતું. મૂળ મુદ્દો એ છે કે માલધારીઓ રસ્તા પર રખડતા ઢોર મુકી દે છે અને તેને કોર્પોરેશન પકડીને ઢોરવાડામાં મુકી આવે છે. આ ઢોરવાડામાં પૂરતા ખોરાક-પાણીના અભાવે ઢોર મૃત્યુ પામે છે.

એક મીડિયા અહેવાલ મુજબ માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જે ગાયો મૃત્યુ પામી હતી તે ગાયોને ડબ્બામાં ભરી અને ગ્યાસપુર ખાતે નિકાલ માટે લઈ જવામાં આવતી હતી, અમુક માલધારીઓએ ઢોરવાડામાં હાજર સીએનસીડી વિભાગના અધિકારીઓ અને પોલીસને કહ્યું હતું કે આ ડબ્બામાં અમારી ગાયો છે કે કેમ તે બતાવો, ત્યારે પોલીસ અને અધિકારીઓએ કહ્યું હતું તમારા બિલ્લા લઈને આવો અમે તમને સવારે ગાયો બતાવીશું.

પરંતુ રાત્રે જ પોલીસે અમને જાણ કરી હતી કે કોઈપણ ગાડીને તમે અટકાવશો નહીં જેથી અમે રાત્રે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કર્યું નહોતું. જોકે આજે સવારે ચાર ગાડીઓ અહીંયાથી રવાના થઇ છે એટલે કે લગભગ 30 જેટલી ગાયો મૃત્યુ પામી છે. દરરોજની આટલી ગાયો કઇ રીતે મૃત્યુ પામી શકે. આ સાથે જ આગેવાનોએ કોર્પોરેશનના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…