ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી
સાસણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરી હતી. આ ઉજવણીમાં વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાસણ ગીર ખાતે સિંહ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક દર્શાવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે. આ સાથે આપણા દૈનિક જીવનની ક્રિયાઓમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પર્યાવરણના જતનના આયામો અમલમાં મૂકવા માટેની હાર્દિક અપીલ કરી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ તાલાલા અને મેંદરડા વચ્ચે રોડ બનાવવા માટે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતોને લઈને આ રોડ બનાવવાની માંગ સ્વીકારવાની અનુમતિ આપી હતી.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે. ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે. અખૂટ સુંદરતાના કારણે પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે. અહીં ખળખળ વહેતી અને સંતાકૂકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
આ પણ વાંચો : Gujarat માં 65 ટકાથી વધુ વરસાદ ટકા છતાં હજુ ખરીફ વાવેતર બાકી
વનવિભાગે 75 લાખ ટેક્સ્ટ મેસેજ મોકલ્યા:
‘વિશ્વ સિંહ દિવસ’ના ઉપલક્ષમાં વનવિભાગ દ્વારા 75 લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને 3 લાખ લોકોને મેઈલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમા સિંહનો વસવાટ ધરાવતા 11 જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે જનજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
વર્ષ 2020ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં 674 જેટલા સિંહ નોંધાયા છે. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટીશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઈકોક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યાં છે.
મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ‘કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન: ઈન્ટીગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઈકોલોજિકલ મોનિટરિંગ’, ‘પોપ્યુલેશન સ્ટેટસ ઓફ વાઈલ્ડ પ્રે ઈન ગીર પ્રોટેક્ટેડ એરિયા’ અને ‘રીઈન્ટ્રોડક્શન અને સેટેલાઈટ ટેલિમેટ્રી ઓફ ઈન્ડિયન ગ્રે હોર્ન બીલ ઈન ગીર’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.
ભારતમાં આ ઉજવણીની શરૂઆત વન અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયાસથી 2016થી કરવામાં આવી છે. જેમાં પ્રકૃતિ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, ગુજરાત સરકારના વિવિધ વિભાગ વગેરે ભાગ લે છે. આ ઉજવણીમાં સિંહ સંરક્ષણ પ્રત્યેની લાગણી રહેલી છે. ગત વર્ષે સિંહ દિવસની ઉજવણીમાં 15 લાખથી વધુ લોકો સહભાગી થયા હતાં. જ્યારે આ વર્ષે 16 લાખ લોકો સહભાગી થયાં છે. વનવિભાગના પ્રયત્નોના કારણે વર્ચ્યુઅલ માધ્યમ અને પ્રત્યક્ષ રીતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.