Gujarat માં 65 ટકાથી વધુ વરસાદ ટકા છતાં હજુ ખરીફ વાવેતર બાકી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)લગભગ 65 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે પરંતુ ખરીફ વાવેતર પૂરૂ થયું નથી. રાજ્યના ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સોથી વધારે ઘટાડો કપાસ અને ડાંગરના પાકમાં નોંધાયો છે. જ્યારે બીજી તરફ અન્ય પાકોના વાવેતરમાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે.
ગત વર્ષની સરખામણીમાં ખરીફ પાકમા ઘટાડો
મળતી માહિતી મુજબ રાજ્યમાં ખરીફ વાવેતર 73.72 લાખ હેક્ટર સાથે 86 ટકા થયું હતું. જેમાં ગત વર્ષની સરખામણીમાં ખરીફ પાકના વાવેતરમાં 4.5 લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. વિવિધ પાકોના વાવેતરના મળતા આંકડા મુજબ મગફળીનું વાવેતર 18.99 લાખ હેક્ટર સાથે 108 ટકા થયું છે. જેમાં ગત વર્ષના વાવેતર કરતા 17 ટકાનો વધારો નોંધાયો છે. કપાસમાં રોગચાળાનું વધતું પ્રમાણ અને ઉતારો ઓછો થઈ જવાથી આ વર્ષે ખરીફ્ સિઝનમાં અનેક ખેડૂતો મગફ્ળીના પાક તરફ વળ્યા છે. જેના કારણે ચાલુ ખરીફ સિઝનમાં મગફળીનો વાવેતર વધ્યું છે.
કપાસના વાવેતરમાં ઘટાડો
જ્યારે કપાસના વાવેતરમાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. જેમાં કપાસનું ગત વર્ષે 26 લાખ હેક્ટરમા વાવેતર થયુ હતું. જ્યારે આ વર્ષે 23.35 લાખ હેક્ટર (91 ટકા) થયું છે. બીજી તરફ ડાંગરનું વાવેતર ગત વર્ષે 8.19 લાખ હેક્ટર નોંધાયું હતુ. જ્યારે આ વર્ષે તેમાં ઘટાડો નોંધાતા 7.64 લાખ હેક્ટર સાથે 89 ટકા જેટલુ વાવેતર થયું છે. જ્યારે શાકભાજીનું વાવેતર 2.14 લાખ હેક્ટર સાથે 81 ટકા થયું છે. આ વર્ષે વાવેતર સારું હોવાથી હાલની સ્થિતિએ મગફ્ળીનું ઉત્પાદન ગત વર્ષના અંદાજે 25 લાખ ટન કરતા વધી જવાની શક્યતા છે.
ઉભેલા ખરીફ પાક ઉપર પણ જોખમ સર્જાયુ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવો વરસાદ ખાબકયો છે તો અનેક વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પડયા બાદ પૂરો 40 ટકા પણ વરસાદ નોંધાયો નથી. આવા અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે અને હાલ ઉભેલા ખરીફ પાક ઉપર પણ જોખમ સર્જાયુ છે. હાલ ગુજરાતમાંથી વરસાદ ફરી અદ્રશ્ય થઇ જતા જે વિસ્તારોમાં પૂરો વરસાદ પડયો નથી તેવા વિસ્તારોમાં ચિંતાની લાગણી ઉદભવી છે.