ઑગસ્ટ મહિનો અડધો ગયો, પણ કૉલેજમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીની મુંઝવણ એમ ને એમ
અમદાવાદઃ નવું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થતું હોય છે, આથી જે તે રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના એડમિશનની કામગીરી જૂન પહેલા અથવા મોડામાં મોડી જૂનના અંત સુધીમાં પૂરી કરવી જોઈએ. ઉચ્ચ શિક્ષણમાં ઘણીવાર પરીક્ષા અને પરિણામોને લીધે વહેલા મોડું થાય તો પણ ઑગસ્ટ મહિનાના દસ દિવસ નીકળી ગયા ને વિદ્યાર્થીઓ કૉલેજમાં પ્રવેશ મામલે મુંઝવણમાં હોય ત્યારે શું કહેવાનું…
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશને લઈને વિદ્યાર્થિઓ મુંઝવણમાં મુકાઈ રહ્યા છે. આ વર્ષે ફાર્મસીની 93 કોલેજોને હજુ સુધી મંજૂરી ના આવતા ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા આગળ વધી જ શકી નથી. મોક રાઉન્ડ પુરો થયા બાદ પ્રવેશનો પ્રથમ ફાઈનલ રાઉન્ડ જ થઈ શક્યો નથી. આ બી ગ્રૂપના વિદ્યાર્થિઓ મેડિકલ, પેરામેડિકલ અને ફાર્મસી પ્રવેશ વચ્ચે અટવાયા છે. ફાર્મસીમાં પ્રવેશ ક્યારે તેની કોઈ જાણ કોઈને નથી.
પ્રવેશ સમિતી દ્વારા છેલ્લે વિદ્યાર્થિઓને આપેલી સુચના મુજબ 16મી સુધી પ્રથમ રાઉન્ડ માટેની ચોઈસ ફિલીંગ 16મી સુધી કરવાનું રહેશે. જોકે જ્યા સુધી કોલેજોની મંજુરી ના આવે અને કોલેજોનું લીસ્ટ ફાઈનલ ના થાય ત્યા સુધી વિદ્યાર્થિઓ ચોઈસ ફીલીંગ કરવામાં મુઝવણ અનુભવી રહ્યા છે. હવે 16મીએ પ્રવેશ સમિતી દ્વારા વધુ એકવાર નવો પ્રવેશ કાર્યક્રમ એટલે કે પાંચમી વાર કાર્યક્રમ જાહેર કરાશે.
બોલો, 93 કોલેજો તો હજુ મંજૂરીની રાહ જૂએ છે
એક તરફ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફાંફાં મારે છે તો બીજી બાજુ 93 કૉલેજો તો હજુ મંજૂરીની રાહ જુએ છે. ફાર્મસી કોલેજોને દર વર્ષે ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાંથી એપ્રુવલ લેવાની હોય છે. અને પ્રવેશની મંજૂરી મળે તો જ જે તે કોલેજમાં પ્રવેશ ફાળવી શકાય છે. આ વર્ષે નવ એપ્રિલથી ફાર્મસી પ્રવેશ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવા સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી. આજે ચાર મહિના પુરા થવા છતાં પણ હજૂ સુધી કોલેજોને મંજૂરી મળી નથી. રાજ્યમાં 102 જેટલી કોલેજો આવેલી છે. તેમાંથી નવ કોલેજોને હજૂ સુધી મંજૂરી મળી છે. જ્યારે 93 કોલેજોને હજુ સુધી મંજૂરી મળી નથી. અને મંજૂરી ક્યારે મળશે તે પણ હજુ નક્કી નથી.
આ તો દર વર્ષનું છે..
રાજ્યમાં ફાર્મસી કોલેજોમાં એ અને બી ગ્રૂપના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. હાલમાં ડિગ્રી ફાર્મસીની 7500 અને ડિપ્લોમા ફાર્મસીની 1500 મળીને અંદાજે 9500 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ગત વર્ષે ફાર્મસી કાઉન્સિલ દ્વારા કોલેજોને મોડી મંજૂરી આપવાના કારણે દિવાળી પછી પણ કાર્યવાહી ચાલુ રાખવી પડી હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ જ સ્થિતિ છે તેવી ફરિયાદો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે પણ હજુ સુધી મંજૂરી આપવામાં ન આવતાં ભારે વિલંબ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.