સ્પોર્ટ્સપર્સન્સ સાવધાન! ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ્સમાં મળી આવ્યા પ્રતિબંધિત પદાર્થો…

ગાંધીનગર: સ્પોર્ટ્સપર્સન્સને સામાન્ય રીતે ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી તેમને જરૂરી પોષણ મળી રહી, પરંતુ ગાંધીનગર સ્થિતિ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં ચોંકાવનારા પરિણામો મળ્યા છે, જેનાથી કેટલાક ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સની ગુણવતા સામે સવાલ ઉઠ્યા છે.
એક અખબારી અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ ટેસ્ટિંગ ફોર સ્પોર્ટ્સપર્સન્સ (CoE-NSTS)ની ટીમ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન સ્પોર્ટ્સપર્સન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સના 400 સેમ્પલ્સની તપાસ કરવામાં આવી. સેમ્પલ્સ પર અલગ અલગ 200 પેરામીટરને આધારે ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી 18% સેમ્પલ્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સ પુરા કરવામાં નિષ્ફળ ગયા હતાં.
CoE-NSTS દ્વારા દેશભરના ન્યુટ્રાસ્યુટિકલ મેન્યુફેક્ચરર, સ્પોર્ટ્સ ઇન્સ્ટીટયુટ અને સ્પોર્ટ પર્સન્સ પાસેથી ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સના સેમ્પલ્સ એકઠા કર્યા હતાં. CoEને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) પાસેથી પણ સેમ્પલ્સ મળ્યા હતાં. તાજેતરમાં જ CoE ને સ્વિટ્ઝર્લૅન્ડની એક કંપની તરફથી તેનું પહેલું ઇન્ટરનેશનલ સેમ્પલ મળ્યું હતું.
ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સમાં પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા:
CoE ના અધિકારીના જણાવ્યા મુજબ, CoE સખત ટેસ્ટીંગ અને અવેરનેસ ડ્રાઈવ્સ દ્વારા ડોપિંગના કેસ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક સેમ્પલ્સમાં એનાબોલિક સ્ટેરોઈડ્સ, સ્ટીમ્યુલંટ્સ, હોર્મોન્સ અને ડ્યુરેટીક પદાર્થો મળી આવ્યા હતાં.
WADA દ્વારા પ્રતિબંધિત પદાર્થો:
વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલા પદાર્થોની યાદીને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. WADA ની વેબસાઇટ પર પ્રતિબંધિત પદાર્થોની યાદી આપવામાં આવી છે, જેમાં એનાબોલિક એજન્ટ્સ, પેપ્ટાઇડ હોર્મોન્સ, ગ્રોથ ફેક્ટરર્સ, મીમેટિક્સ, બીટા-2 એગોનિસ્ટ્સ, હોર્મોન અને મેટાબોલિક મોડ્યુલેટર્સ, , નાર્કોટિક્સ, કેનાબીનોઇડ્સ અને ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ડ્યુરેટીક અને માસ્કિંગ એજન્ટ્સનો સમાવેશ થયા છે.
સ્પોર્ટ્સપર્સન્સ સાવધાન રહે:
જાણતા કે અજાણતા આવા પદાર્થો ધરાવતા ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ લેવાથી સ્પોર્ટ્સપર્સન ડોપિંગ ટેસ્ટમાં ફેઈલ થઇ શકે છે અને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે, માટે CoE દ્વારા કરવામાં આવેલા પરીક્ષાણો મહત્વના છે. CoE-NSTSએ પ્રોટીન પાવડર અને માસ ગેઇનર્સ જેવા સપ્લીમેન્ટ્સનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે.
અધિકારીના જણાવ્યા મુજબ કોઈ ચોક્કસ પદાર્થની નિયત પ્રમાણ કરતા વધુ હાજરી અથવા કેટલાક ધોરણોનું પાલન ન કરવાને કારણે સેમ્પલ્સ રીજેક્ટ કરવામાં આવ્યા છે.



