સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને ઠગતા બે લોકોની અમદાવાદમાંથી ધરપકડ
અમદાવાદ: ગુજરાતમાં નકલીનો રાફડો ફાંટ્યો છે, રાજ્યમાંથી સરકારી કચેરીઓ, નકલી અધિકારી, નકલી ટોલનાકા બાદ હવે નકલી પોલીસકર્મીઓ ઝડપાયા છે. ગાંધીનગર સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી પીએસઆઈ બતાવીને પૈસા પડાવનારા ગઠીયાઓની સાયબર ક્રાઈમ બ્રાન્ચે જ ધરપકડ કરી છે.
વેપારીને ધમકીભર્યો ફોન કરીને આરોપીએ 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને જો તે કહ્યા પ્રમાણે નહીં કરે તો તેને 3 મહિનાની કેદની ધમકી આપવામાં આવી હતી. જો કે આજે આ બંને આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરતા નકલી પોલીસકર્મીઓનું મોટું રેકેટ ઝડપાયું છે.
વાત જાણે અમે છે કે અમદાવાદના નિકોલમાં રહેતા વેપારી વિષ્ણુ પંચાલને ગાંધીનગર સાયબર ક્રાઈમ બ્રાન્ચની નકલી નોટિસ મોકલીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પોતાને PSI હેમંતસિંહ તરીકે રજૂ કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. તેમણે બનાવટી નોટિસ મોકલીને આરોપીએ વેપારી પાસેથી રૂ. 30 હજારની માંગણી કરી હતી. આરોપીએ વેપારીને પૈસા ન ચૂકવવા પર 3 મહિનાની કેદની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલના એસીપી એચએસ માકડિયાએ જણાવ્યું કે, 8 એપ્રિલના રોજ આરોપીએ અજાણ્યા નંબર પરથી વેપારીને ફોન કર્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ હેમંત સિંહ તરીકે આપી હતી. આરોપીએ વેપારીને કહ્યું હતું કે વર્ષ 2022માં તમે દવા ઓનલાઈન મંગાવીને પરત કરી હતી. અર્બન મેટ્રો કંપનીએ આ મામલે કેસ દાખલ કર્યો છે.
આરોપીએ મામલો થાળે પાડવા માટે વેપારી પાસેથી રૂ. 30 હજારની માંગણી કરી હતી. આરોપીએ વેપારીને એમ પણ કહ્યું હતું કે જો તે આટલા પૈસા નહીં આપે તો તેને ત્રણ મહિનાની જેલ થઈ શકે છે. આ પછી વેપારીએ આ અંગે અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ વધુ તપાસ બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને બંને આરોપીઓ સાયબર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા.
એસીપી એચએસ માકડિયાએ જણાવ્યું હતું કે મૂળ યુપીના અજય વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરવામાં આવી છે. અજય વર્મા અગાઉ એક આયુર્વેદિક કંપનીમાં સેલ્સમેન હતો. અત્યાર સુધીમાં તેણે હિમાંશુ પરમાર સાથે મળીને 45 લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે. તપાસ દરમિયાન પોલીસને આરોપીના મોબાઈલ ફોનમાંથી 20 નકલી નોટિસ મળી આવી હતી. બાકીની નોટિસો ફોનમાંથી ડિલીટ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં આરોપીઓએ આવી જ છેતરપિંડી કરીને રૂ.5 લાખની કમાણી કરી છે.