અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે હોળી મનાવી, ભગવાન રામને યાદ કરી કહીં આ વાત..

આજે હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે અમદાવાદમાં ભાજપના કાર્યાલય પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે હોળી-ધૂળેટીની શાનદાર રીતે ઉજવણી કરી હતી, તેમણે કાર્યકરો સાથે તિલક હોળી રમી હતી. આ પ્રસંગે તેમને ભગવાન રામને પણ યાદ કર્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ વર્ષની હોળી અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેકને કારણે ખાસ છે.
અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધિકારીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભાજપના ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે એકત્ર થયેલા પક્ષના નેતાઓને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ રંગ લગાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય મયંક નાયક, ધારાસભ્ય અમિત ઠાકર, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ગુજરાત ભાજપના મહામંત્રી કે.સી.પટેલ સહિત અન્ય ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી
અયોધ્યામાં ગત 22 જાન્યુઆરીના રોજ આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આ વર્ષે હોળી તમામ રામ ભક્તો માટે ખાસ છે કારણ કે ભગવાન 500 વર્ષ બાદ રંગોના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું, “આ હોળી ભગવાન રામના દરેક ભક્ત માટે ખાસ છે. એક જૂનું લોકગીત છે જે કહે છે હોળી ખેલે રઘુવીરા અવધ મેં. હવે 500 વર્ષ પછી, રઘુવીરા અવધમાં હોળી રમી રહ્યા છે, તે બાબત દરેક માટે ખૂબ જ ખુશીની વાત છે.
ભાજપના નેતા અને કેન્દ્રિય ગૃહમંક્રી અમિત શાહ ફરી એકવાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે વધુમાં કહ્યું, “હું તમને કહેવા માંગુ છું કે તમે બધા ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. પરંતુ, હંમેશા યાદ રાખો કે તમારો ઉમેદવાર ઓછો દેખાશે જ્યારે તમારે જનતામાં વધુ દેખાા રહેવાની જરૂર છે.” ઉલ્લેખનિય છે કે વર્ષ 2019 માં, અમિત શાહ ગાંધીનગર મતવિસ્તારમાંથી પાંચ લાખથી વધુ મતોના વિશાળ માર્જિનથી જીત્યા હતા.