દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી, ગોમતી નદીમાં ફસાયેલા 40 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

રાજ્યના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ પહેલા ગોમતી નદીમાં ડુબકી લગાવીને પછી નીજ મંદિરમાં પ્રવેશ કરે છે. દ્વારકામાં આવતા ભાવિક ભક્તો ગોમતી નદીના સામે પાર આવેલા પંચકૂઈનાં દર્શન કરવા માટે લોકો જતા હોય છે. ગોમતી નદી પર આવેલો સુદામ સેતુ પાર કરી પંચકૂઈનાં દર્શન કરવા યાત્રિકો જતા હોય છે, જો કે આજે કેટલાક યાત્રિકો ગોમતી નદી પાર કરી પંચકૂઈનાં દર્શને જતાં નદીમાં પાણી આવી જતા અટવાયા હતા, જો કે ફાયર વિભાગે રેસ્ક્યુ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
રાજ્યનાા વિવિધ ભાગોમાંથી આવેલા લગભગ 40 જેટલા શ્રધ્ધાળુંઓ દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ તેઓ ગોમતી ઘાટ ખાતે ગયા હતા અને ગોમતી નદીમાં પાણી ખૂબ ઓછી માત્રામાં હોવાથી તે લોકો પગપાળા ચાલી ગોમતી નદીમાંથી સામે કાંઠે પંચકૂઈ તથા દરિયાની મોજ માણવા ગયા હતા. આ સમય દરમિયાન દરિયામાં ભરતી આવી જતા ગોમતીમાં પણ પાણીની આવક અચાનક વધી હતી, પણ આ બાતથી લોકો અજાણ હતા.
આપણ વાંચો: Dwarka bus Accident: દ્વારકા નજીક દર્શનાર્થીઓથી ભરેલી બસ પલટી, 1ની મોત, 8 ઘાયલ
શ્રધ્ધાળુંઓ ગોમતી નદીના પટમાંથી પરત આવી રહ્યા હતા તે સમય ભરતીનો હોવાથી પાણીનો પ્રવાહ વધુ હતો. જેના કારણે આ લોકો પાણીમાં ફસાયા હતા અને ડૂબવા લાગ્યા હતા. જો કે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા સ્થાનિક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી જાનમાલની કોઈ નુકસાની થઈ ન હતી. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા રેસ્કયુનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનિય છે મોરબી પુલ દુર્ઘટનાને પગલે દ્વારકાના સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો છે જેથી ઘણા યાત્રિકો ગોમતી નદી પાર કરી પંચકૂઈનાં દર્શને જતાં હોય છે, જો કે ભરતીનો સમય થતાં ગોમતી નદીમાં પણ પાણીની આવક વધી જાય છે. આ સ્થિતીથી અજાણ લોકો નદીમાં પાણી આવી જતા મોટાભાગના યાત્રિકો આવી દુર્ઘટનાનો ભોગ બને છે.