એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: મદની સહિતના નેતા મુસ્લિમોમાં અસલામતી કેમ પેદા કરે છે?

  • ભરત ભારદ્વાજ

જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની પાછા વરતાયા છે અને આ વખતે થોડાક લવારા કર્યા છે તો કેટલીક શાણપણભરી વાતો પણ કરી છે. મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલતાં ન્યાયતંત્રના ચુકાદાઓ સામે શંકા વ્યક્ત કરી નાખી તો સામે મુસ્લિમોએ હિંદુઓ સાથે સંવાદ કરવો જોઈએ એવી શાણપણભરી વાત પણ કરી દીધી.

મદનીએ ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓનો હવાલો આપીને કહ્યું કે, ન્યાયતંત્રે છેલ્લા કેટલાંક વરસોમાં આપેલા ચુકાદાઓ પરથી લાગે કે, બંધારણે લઘુમતીઓને આપેલા અધિકારોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. 1991માં બનેલો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અમલી હોવા છતાં ધર્મસ્થાનો અંગેના વિવાદોમાં ન્યાયતંત્ર નિર્ણય લઈ રહ્યું છે તેના પરથી આ વાત સ્પષ્ટ છે.

મદનીએ એમ પણ કહ્યું કે, ટ્રિપલ તલાક અને બાબરી મસ્જિદ કેસમાં આવેલા ચુકાદા પરથી લાગે છે કે, ન્યાયતંત્ર સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. મદનીએ એવો દાવો પણ કર્યો કે, જ્યાં પણ જુલ્મ હશે ત્યાં જિહાદ થશે જ. મદનીના કહેવા પ્રમાણે, જિહાદ પવિત્ર શબ્દ છે અને તેનો અર્થ ધર્મયુદ્ધ એવો થાય છે પણ લવ જિહાદ, થૂક જિહાદ, જમીન જિહાદ જેવા શબ્દોનો પ્રયોગ કરીને આ પવિત્ર શબ્દોને બદનામ કરાઈ રહ્યા છે.

મદનીએ એવો દાવો પણ કર્યો કે, સેક્યુલર ભારતમાં જિહાદની ચર્ચા જ ના કરાય કેમ કે ભારતમાં મુસ્લિમો બંધારણને વફાદાર છે પણ નાગરિકોના અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી પણ સરકારની છે. સરકાર આ જવાબદારી ના નિભાવે તો તેનાં માઠાં પરિણામ આવશે.

મદનીએ એવું વિચિત્ર ગણિત પણ રજૂ કર્યું છે કે, ભારતમાં અત્યારે 10 ટકા લોકો મુસ્લિમોના પક્ષમાં છે, 30 ટકા લોકો મુસ્લિમોની વિરુદ્ધ છે જ્યારે 60 ટકા લોકો ચૂપ છે. મુસ્લિમોએ આ 60 ટકા લોકો સાથે સંવાદ કરવો જોઈએ અને પોતાની વાત તેમની સામે મૂકવી જોઈએ કેમ કે આ લોકો મુસ્લિમોની વિરુદ્ધ થઈ જશે તો દેશમાં બહુ મોટો ખતરો પેદા થઈ જશે. મદનીએ વંદે માતરમ બોલવા સામે પણ વાંધો લઈને કહ્યું છે કે, મડદાલ સમાજ શરણાગતિ સ્વીકારી લે છે.

મદનીએ અઠવાડિયા પહેલાં પણ એવો લવારો કરેલો કે, સાદિક ખાન લંડનના મેયર બની શકે છે અને ઝોહરાન મમદાની જેવા નેતા ન્યૂયોર્કના મેયર બની શકે છે પણ ભારતમાં સ્થિતિ એ છે કે કોઈ મુસ્લિમ કોઈ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર એટલે કે કુલપતિ પણ ના બની શકે. મદનીની વાતનો સૂર એ હતો કે, ભારતમાં મુસ્લિમોને યોગ્ય પ્રતિનિધિત્વ કે હોદ્દા મળતા નથી અને તેમને દબાવી દેવાયા છે.

મદનીની વાતોમાં હિંદુઓ સાથે સંવાદની વાત સાચી છે પણ ભારતમાં મુસ્લિમોને દબાવી દેવાય છે કે તેમના અધિકારોનું હનન થાય છે એ વાત સાવ ખોટી છે. ધર્મસ્થાનો અંગેના ઘણા કેસોમાં ન્યાયતંત્ર શંકાસ્પદ રીતે વર્તી રહ્યું છે એ વાત સાચી છે પણ બાબરી મસ્જિદ વિવાદ કે ટ્રિપલ તલાક અંગેના ચુકાદા સરકારના દબાણ હેઠળ અપાયેલા એ વાત ખોટી છે.

જિહાદ અંગેની તેમની વાતો તો સાવ બકવાસ જ છે કેમ કે આડકતરી રીતે મદની આતંકવાદને સમર્થન આપી રહ્યા છે. ભારતમાં ભણેલાગણેલા લોકો કહેવાતી જિહાદના રવાડે ચડી રહ્યા છે તેનું કારણ ભારતમાં મુસ્લિમો પર થઈ રહેલા જુલ્મ છે એવું સ્થાપિત કરવા માટે મદની મથી રહ્યા છે.

જિહાદ પવિત્ર શબ્દો છે એવું સ્વીકારવામાં આપણને વાંધો નથી પણ તેને અપવિત્ર મુસ્લિમો જ કરી રહ્યા છે. નિર્દોષ લોકોની હત્યા કરવાને જિહાદ નામ આપીને આતંકવાદીઓ જિહાદને નામે હત્યાકાંડો કરી રહ્યા છે. મદની તેની ઝાટકણી કાઢવાના બદલે જુલ્મની ને એ બધી કથા માંડીને બેસી ગયા છે કેમ કે આતંકવાદને ઝાટકવાની તૈયારી નથી.

મદનીનો વંદે માતરમ સામેનો વાંધો પણ વાહિયાત છે. વંદે માતરમ સામે વરસોથી એ કારણસર વાંધો ઉઠાવાય છે કે, વંદે માતરમ શબ્દો દ્વારા હિંદુઓની ધાર્મિક માન્યતાઓ થોપવાની કોશિશ થઈ રહી છે. વંદે માતરમનો શાબ્દિક અર્થ માતાને વંદન એવો થાય છે ને તેમાં ધાર્મિક માન્યતા ક્યાંથી આવી ? દુનિયાના કોઈ પણ દેશમાં માતાને વંદનીય ગણવામાં આવે છે ને તેને પૂજવામાં આવે છે.

વંદે માતરમમાં પણ આ જ લાગણી વ્યક્ત કરાઈ છે પણ મદની સહિતના મુસ્લિમોના ઠેકેદારોને તેની સામે એટલે વાંધો પડે છે કે, આ લાગણી સંસ્કૃત ભાષામાં વ્યક્ત કરાયેલી છે. સંસ્કૃત એટલે હિંદુઓની ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી ભાષા તેથી સંસ્કૃતનું કશું પણ સ્વીકારાય નહીં એવી જડતાને મુસ્લિમોના ઠેકેદારો વરસોથી પોષે છે ને મદની પણ એ જ કરી રહ્યા છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કોમનવેલ્થ ગેમ્સથી ગુજરાતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળશે

ભારતમાં મુસ્લિમો સાથે અન્યાય થાય છે એ વાત પણ ધરાર ખોટી છે. લંડન કે ન્યુ યોર્કમાં મુસ્લિમ મેયર બન્યા તેમાં બધાંનું ધ્યાન ખેંચાયું કેમ કે આ દેશોમાં આવી ઘટના ભાગ્યે જ બને છે. ભારતમાં તેની ચર્ચા જ નથી થતી કેમ કે ભારતમાં તો મુસ્લિમો સેંકડો મહત્ત્વના હોદ્દા પર છે.

સરકારી તંત્રમાં પણ મુસ્લિમો ઘણા મહત્ત્વના હોદ્દા પર છે જ ને જેમનામાં લાયકાત હોય એ બધાંને તક મળે જ છે. મુસ્લિમ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મેયરો, જિલ્લા પ્રમુખો કે બીજી ચૂંટાયેલી પાંખના વડાઓ પર બેઠેલા મુસ્લિમોની યાદી બનાવો તો આંકડો હજારોમાં પહોંચે. આવી યાદી બનાવવી જ શક્ય નથી એ જોતાં મુસ્લિમોને અન્યાય થાય છે તેનાથી વધારે બકવાસ વાત બીજી કોઈ ના કહેવાય.

મદનીની ન્યાયતંત્ર અંગેની વાતો અર્ધસત્ય છે. વર્શિપ એક્ટ હેઠળ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશમાં તમામ ધર્મસ્થાનો જે સ્થિતિમાં હતાં એ સ્થિતિમાં રાખવાની જોગવાઈ કરાઈ છે. કેટલીક નીચલી અદાલતો વર્શિપ એક્ટને અવગણીને ધર્મસ્થાનોને લગતા વિવાદમાં સર્વે કે બીજી કામગીરીના આદેશ આપે છે એ ગેરબંધારણીય છે પણ સુપ્રીમ કોર્ટ આવા આદેશોને ફગાવી દે છે એ પણ વાસ્તવિકતા છે તેથી ન્યાયતંત્ર પર લાંચ્છન ના લગાવી શકાય. બાબરી મસ્જિદ ધ્વંશ કેસનો ચુકાદો હાઈ કોર્ટે 2010માં આપી દીધેલ તેથી હાલની સરકારના દબાણ હેઠળ ચુકાદો અપાયો એ વાત ખોટી છે. ટ્રિપલ તલાક જેવી પ્રથાઓ કોઈ સભ્ય સમાજમાં ના ચાલે એ જોતાં તેને ફગાવવાના ચુકાદામાં કશું ખોટું નથી ને તેને રાજકીય દબાણ હેઠળનો ચુકાદો ના ગણાય.

મદની સહિતના નેતાઓ આ પ્રકારની વાતો કરીને પોતાની દુકાન ચલાવવા માગે છે એ વાત મુસ્લિમોએ સમજવી જરૂરી છે. મુસ્લિમોમાં ઓછું શિક્ષણ, સ્ત્રીઓનું દમન, ગરીબી સહિતના મહત્ત્વના મુદ્દા પર બોલવાને બદલે છાસવારે આ જ વાતો કરે છે કે જેથી મુસ્લિમોના અસલામતીનો અહેસાસ કરાવાય. મુસ્લિમોએ તેમની વાતોમાં આવીને અસલામતી અનુભવવાની કોઈ જરૂર નથી કેમ કે આ દેશ કોઈ એક ધર્મનાં લોકોનો નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃકોમનવેલ્થ ગેમ્સથી ગુજરાતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button