એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: ભાગવત ગમે તે કહે, ભાજપ પાસે મોદીનો વિકલ્પ જ ક્યાં છે?

ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં આ મુદ્દો છેડી દીધો. ભાગવતે કહ્યું કે, કોઈ પણ નેતાએ 75 વર્ષની ઉંમરે હોદ્દો છોડી દેવો જોઈએ. 75 વર્ષના થાઓ એટલે અટકી જવાનું હોય ને બીજાને તક આપવાની હોય.

સંઘના વિચારક મોરોપંત પિંગલેને સમર્પિત પુસ્તક મોરોપંત પિંગલે: ધ આર્કિટેક્ટ ઓફ હિંદુ રિસર્જન્સ’ના વિમોચન કાર્યક્રમમાં બોલતા હતા એટલે મોહન ભાગવતે પિંગલે સાથેની સ્મૃતિઓને યાદ કરતાં કહ્યું કે, મોરોપંત પિંગલે રમૂજી માણસ હતા. મોરોપંત પિંગલેએ એક વખત કહ્યું હતું કે, તમને 75 વર્ષના થયા પછી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે તેનો અર્થ એ છે કે તમારે હવે અટકી જવું જોઈએ, તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારે ખસી જવું જોઈએ અને બીજા લોકો માટે જગા કરી દેવી જોઈએ. પિંગલેજીએ ખરેખર આ વાત કરેલી કે નહીં એ આપણને ખબર નથી પણ ભાગવતની વાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને ચોવટ શરૂ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં મોદી 75 વર્ષના થવાના છે ત્યારે ભાગવતે આડકતરી રીતે તેમને ખસીને નવા ચહેરાને તક આપવા કહી દીધું છે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે. મોદીને સીધેસીધું કહેવાના બદલે ભાગવતેકહી પે નિગાહેં, કહીં પે નિશાના’ કરીને બે મહિના પછી 75 વર્ષ પૂરાં થાય ત્યારે સત્તા છોડીને ગૌરવભેર ખસી જવાનો ઈશારો કર્યો એવી વાતો ચાલી રહી છે.

ભાગવત ખરેખર પિંગલેની વાત કરતા હતા કે પછી ચાલી રહેલી ચર્ચા પ્રમાણે તેમણે મોદીને જ ઈશારો કર્યો છે એ ભાગવત જાણે ને રામ જાણે પણ ભાગવતની ટિપ્પણીને કારણે વિપક્ષોને ગોળનું ગાડું મળી ગયું છે. ભાજપ આ મુદ્દે ચૂપ છે પણ વિપક્ષો મચી પડ્યા છે. વિપક્ષે ભૂતકાળમાં 75 વર્ષના બહાને મોદીએ કોને કોને ઘરે બેસાડી દીધેલા તેનો ચોપડો ખોલી દીધો છે ને મોદી પોતાના માટે પણ આ નિયમ લાગુ કરે છે કે પછી ડબલ સ્ટાન્ડર્ડ બતાવીને સત્તા પર ચીટકી રહે છે એ જોઈએ એવો મમરો પણ મૂકી દીધો છે.

મોદીને નિવૃત્ત કરવા કે નહીં તેનો નિર્ણય ભાજપે લેવાનો છે પણ ભાજપમાં લાંબા સમયથી સેવન્ટી ફાઈવ પ્લસ નેતાઓને વખારમાં નાખવાનો સિલસિલો ચાલે છે એ હકીકત છે. ભાજપે સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત કરી નથી પણ સૈદ્ધાંતિક રીતે ભાજપ તેનો અમલ કરે જ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જીત પછી ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને નિવૃત્ત કરવા માંડ્યા ત્યારથી આ સિલસિલો ચાલ્યા કરે છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં

નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી કેબિનેટમાં 75 વર્ષથી વધુ ઉંમરના એક પણ નેતાને સ્થાન નહોતું આપ્યું. બલકે સંગઠનમાંથી પણ તેમની બાદબાકી કરી દેવાઈ છે. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ધુરંધરોને માર્ગદર્શક મંડળમાં સામેલ કરીને કોરાણે મૂકી દેવાયા છે. 2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપે કેટલાક અપવાદોને બાદ કરતાં 75 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટિકિટ પણ નથી આપી કે મુખ્યમંત્રીપદ કે મંત્રીપદ સહિતના હોદ્દા પણ નથી આપ્યા.

2016માં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેમની ઉંમર 75 વર્ષની હોવાથી તેમને માનભેર રવાના કરાયાં હોવાની વાત ખુદ ભાજપના નેતાઓએ કરી હતી. 2016માં નજમા હેપતુલ્લાહને પણ મોદી કેબિનેટમાંથી રાજીનામું અપાવડાવી દેવડાવાયેલું કેમ કે નજમા 75 વર્ષની ઉંમર વટાવી ગયેલાં.

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના તત્કાલીન પ્રમુખ અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, ભાજપ દ્વારા એક સૈદ્ધાંતિક નિર્ણય લઈને 75 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોઇ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. 2019ની ચૂંટણીમાં આ નિર્ણય હેઠળ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને હુકુમદેવ નારાયણ યાદવ જેવા નેતાઓને ટિકિટ આપવામાં આવી ન હતી.

2024ની લોકસભા ચૂંટણીમાં રાજેન્દ્ર અગ્રવાલ, સંતોષ ગંગવાર, સત્યદેવ પચૌરી, રીટા બહુગુણા જોશી સહિતના નેતાઓની ટિકિટ 75 વર્ષની ઉંમર થઈ ગઈ હોવાથી કાપી દેવામાં આવી હતી. ટૂંકમાં ભાજપ 75 વર્ષની ઉંમર થાય ત્યારે નેતાઓને નિવૃત્ત કરી દેવાના ટે્રન્ડને અનુસરી તો રહ્યો જ છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : બર્મિંગગમની જીત, રોહિત-વિરાટની ખોટ જરાય ના સાલી

હવે મોદી પોતે આ ટે્રન્ડને અનુસરે તો તેમાં તેમનું ગૌરવ વધે તેમાં બેમત નથી. મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા ભાજપના ધુરંધર નેતાઓને 75 વર્ષના થયા પછી ફરજિયાત નિવૃત્તિ લેવડાવીને બાજુ પર મૂકી દીધેલા ને હવે પોતે પણ એ નિયમને અનુસરીને પોતાના ચાવવાના અને બતાવવાના જુદા જુદા નથી એ પણ સાબિત કરી શકે.

સત્તા છોડવી અઘરી છે ને તેમાં પણ સિદ્ધાંતના કારણોસર સત્તા છોડવી તો બહુ જ અઘરી છે. ક્યાંક ફસાયા પછી સત્તા છોડવા સિવાય આરો ના હોય ત્યારે ખસો એ અલગ વાત છે પણ સામેથી સત્તા છોડનારા વિરલા બહુ ઓછા હોય છે. મોદી એવું કરી બતાવે તો ઈતિહાસમાં અમર થઈ જાય ને આવનારી પેઢીઓ માટે પણ એક અનુસરણીય ઉદાહરણ મળે તેમાં શંકા નથી પણ સવાલ એ છે કે, ભાજપને મોદીને છોડવા પરવડે ખરા? બિલકુલ ના પરવડે.

ભાજપના નેતાઓ સંગઠનના જોરે ભાજપ મોટો બન્યો ને દેશભરમાં છવાઈ ગયો એ સહિતની વાતો કરે છે પણ વાસ્તવમાં ભાજપની સફળતાનો યશ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતનાં 2002નાં રમખાણોના પગલે નરેન્દ્ર મોદીની પ્રખર હિંદુવાદી નેતા તરીકેની ઈમેજ ઊભી થઈ તેના કારણે ભાજપ સતત બે વાર લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે જીત્યો અને સળંગ ત્રીજી વાર પણ સત્તામાં આવ્યો.

મોદીએ 2014માં જે અપેક્ષાઓ ઊભી કરેલી એ અપેક્ષાઓને પૂરી કરવામાં ઊણા ઉતર્યા છે પણ એ પછીય મોદી દેશમાં સૌથી લોકપ્રિય નેતા છે તેનો કોઈ ઈનકાર ના કરી શકે. ભાજપ પાસે મોદી જેવો જબરદસ્ત જનાધાર ધરાવતો અને ચૂંટણીઓ જીતાડવાની તાકાત પણ ધરાવતો બીજો કોઈ નેતા નથી એ નક્કર વાસ્તવિકતા છે. કોઈ ગમે તે કહે પણ ભાજપ પાસે સેક્નડ કે થર્ડ કેડર જેવું કંઈ નથી. ટોચ પર મોદી છે અને મોદી સામે જોઈને લોકો મત આપે છે તેથી ભાજપ સત્તામાં આવે છે. આ સંજોગોમાં મોદી ખસવા તૈયાર થાય તો પણ ભાજપને મોદીને જવા દેવા પરવડે તેમ નથી એ જોતાં મોદી રિટાયર થાય એવી આશા રાખવા જેવી નથી.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : કોલકાત્તાની કોલેજમાં ગેંગ રેપ, તૃણમૂલ હાથ ના ખંખેરી શકે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button