સુપ્રીમની ભલામણ પછી જસ્ટિસ વર્મા સામે નવી તપાસની શું જરૂર?

- એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં ભ્રષ્ટાચારનો ખાતમો કરવાના ફૂંફાડા બહુ મરાય છે પણ ખરેખર ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત આવે ત્યારે રાજકારણીઓ તાત્કાલિક કોઈ પગલાં લેવા તૈયાર નથી હોતા. તેના બદલે સાવ સ્લો મોશનમાં કામ કરીને ભ્રષ્ટાચારીને છટકી જવાનો પૂરતો સમય અને તક આપી દેવાય છે. આ માનસિકતાનો તાજો દાખલો અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવીને તેમને હોદ્દા પરથી દૂર કરવામાં કરાતા ઠાગાઠૈયા છે.
જસ્ટિસ યશવંત વર્માના ઘરનો એક વીડિયો છેક 14 માર્ચે વાયરલ થયેલો કે જેમાં વર્માના ઘરના સ્ટોરરૂમમાં અડધી બળી ગયેલી 500 રૂપિયાની નોટોનાં બંડલ દેખાતાં હતાં. આ વાતને પાંચ મહિના પૂરા થવામાં છે પણ હજુ લગી જસ્ટિસ વર્માને ઘરભેગા કરી દેવાના મામલે કશું નક્કર થયું નથી. હજુ તપાસ તપાસની રમત ચાલ્યા કરે છે અને આ રમતમાં હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ જોડાયા છે કેમ કે ઓમ બિરલાએ જસ્ટિસ વર્મા સામેના આક્ષેપોની તપાસ માટે નવી સમિતી રચી નાખી છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે, રોકડ કાંડમાં અલાહાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામેની ઈમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ પ્રસ્તાવની તેમને નોટિસ મળી છે. સ્પીકર બિરલાએ કરેલી જાહેરાત પ્રમાણે, ભાજપના રવિશંકર પ્રસાદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કુલ 146 સભ્યોએ સહી કરેલી દરખાસ્ત તેમને મળી છે. આ દરખાસ્તમાં અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માને હોદ્દા પરથી હટાવવાની માગ કરવામાં આવી છે.
સ્પીકરે આ દરખાસ્તના આધારે તાત્કાલિક નિર્ણય લેવાના બદલે તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઇ કોર્ટના સિનિયર વકીલ બી.વી. આચાર્યની બનેલી આ સમિતિ તેનો રિપોર્ટ સ્પીકરને સોંપે એ પછી જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવાની દરખાસ્તને મંજૂરી આપવાનો નિર્ણય લેવાશે. આ મંજૂરી મળે પછી જસ્ટિસ વર્મા સામેના આરોપો અંગે ચર્ચા થશે ને ચર્ચા પછી સંસદનાં બંને ગૃહોમાં ઈમ્પીચમેન્ટ મોશન બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જસ્ટિસ વર્માને હોદ્દા પરથી દૂર કરાશે.
સ્વાભાવિક રીતે જ આ બહુ લાંબી પ્રક્રિયા છે પણ એ પહેલાં મુખ્ય બાબત તો તપાસ સમિતિનો રિપોર્ટ છે. તપાસ સમિતિના રિપોર્ટમાં જસ્ટિસ વર્મા સામેના આરોપોને યોગ્ય ઠરાવાય તો જ ઈમ્પીચમેન્ટ મોશનને મંજૂરી મળે, બાકી રામ રામ. આ સમિતિ શું કરશે એ ખબર નથી પણ એક બાબતો બહુ કઠે એવી છે કે, આ સમિતિ તેનો રિપોર્ટ ક્યારે આપશે એ નક્કી નથી. સ્પીકરે તપાસ સમિતિ તો રચી નાખી પણ તેના માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી એ જોતાં રિપોર્ટ બે મહિનામાં પણ આ્રવે ને બાર મહિનામાં પણ આવે ને ત્યાં સુધી જસ્ટિસ વર્માનું શું કરવું એ સ્પષ્ટ નથી.
બીજું એ કે, આ સમિતિમાં ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં જેવો ઘાટ છે. સુપ્રીમ કોર્ટના જજ, હાઈ કોર્ટના જજ ને એક વકીલ એમ ત્રણ સભ્યો મળીને જસ્ટિસ વર્માના ભાવિનો ફેંસલો કરવાના છે. આ સંજોગોમાં તપાસ કેટલી તટસ્થ રહેશે એ પણ એક મુદ્દો છે.
જો કે સૌથી મોટો મુદ્દો એ છે કે, સુપ્રીમ કોર્ટ પોતે એક વાર તપાસ કરી ચૂકી છે પછી નવી તપાસની શું જરૂર છે? જસ્ટિસ વર્માના કેસનો અત્યાર લગીનો અનુભવ એવું કહે છે કે, ન્યાયતંત્ર જસ્ટિસ વર્માને તેમનાં કરમોની સજા મળવી જોઈએ એ મુદ્દે એકમત નથી. બલ્કે જસ્ટિસ વર્માને છાવરવાની મથામણ થઈ છે. નવી તપાસ સમિતિ બનાવીને એ જ ધંધો તો નથી કરાઈ રહ્યો ને એવી શંકા જાગે છે.
જસ્ટિસ વર્માના ઘરમાં 14 માર્ચે લાગેલી આગમાં નોટોના થોકડા મળ્યા પછી તરત ફાયર બ્રિગેડ અને પોલીસે દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને જાણ કરી હતી. દિલ્હીના ચીફ જસ્ટિલે પોતાની ફરજ બજાવીને સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. ચીફ જસ્ટિસે જસ્ટિસ વર્મા સામે આકરાં પગલાં લેવાની ભલામણ કરેલી પણ સુપ્રીમ કોર્ટે કોઈ પગલાં ના લીધાં. સુપ્રીમ કોર્ટને ગમે તે કારણોસર આખી વાતને દબાવી દેવામાં રસ હતો ને મીડિયામાં વાત ના આવી ગઈ હોત તો ભીનું સંકેલાઈ પણ ગયું હોત પણ દેશના એક ટોચના અખબારમાં આ સમાચાર છપાયા ને તરત વીડિયો વાયરલ થયો તેમાં ભાંડો ફૂટી ગયો પછી પણ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્મા સામે નક્કર પગલાં લેવાના બદલે તેમને અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં મોકવવાનું ફરમાન કરેલું.
અલ્લાહાબાદ હાઈ કોર્ટે આ વાત સામે વાંધો લઈને મોરચો માંડ્યો પછી સુપ્રીમ કોર્ટે આ મામલે જસ્ટિસ વર્માને બચાવવાનું વલણ છોડીને તપાસ સમિતિ રચી હતી. 22 માર્ચ, 2025 ના રોજ ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ તપાસ કરવા માટે ત્રણ ન્યાયાધીશોની એક ટીમની રચના કરી. આ ટીમે દસ દિવસમાં 55 સાક્ષીઓ સાથે વાત કરી, સીસીટીવી ફૂટેજ, ફોટા અને વીડિયો જેવા ઇલેક્ટ્રોનિક પુરાવા તપાસ્યા અને સ્થળની પણ મુલાકાત લીધી પછી એવું તારણ કાઢ્યું કે, જસ્ટિસ વર્માએ પોતાના ઘરના સ્ટોરરૂમમાં મોટી રકમ રોકડ છુપાવી રાખી હતી. આ સ્ટોર રૂમ કોઈને ખબર ના પડે એ રીતે રખાયેલો ને ડિજિટલી કંટ્રોલ્ડ હતો.
તપાસ સમિતીએ પોતાના રિપોર્ટમાં એમ પણ કહેલું કે 15 માર્ચની વહેલી સવારે પૈસા ગૂપચૂપ બહાર કાઢીને સગેવગે કરી દેવાયા હતા. કેટલીક નોટો બળી ગયેલી હતી અને સાક્ષીઓએ એ નોટો જોઈ હતી, તેના વીડિયો બનાવ્યા હતા તેથી જસ્ટિસ વર્માના ઘરમાં રોકડ હતી તેમાં કોઈ શંકા નથી. ચીફ જસ્ટિસે આ રિપોર્ટ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલીને ભલામણ કરી હતી કે, આ કેસમાં અગાઉની જોગવાઈઓ મુજબ કામ કરવામાં આવ્યું છે અને સમિતિના રિપોર્ટમાં ગંભીર બાબતો બહાર આવી હોવાથી જસ્ટિસ વર્માને હટાવવા માટે કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.
હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પોતે જસ્ટિસ વર્માને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની ભલામણ કરી પછી નવી તપાસની જરૂર જ નથી. સ્પીકર આ રિપોર્ટને આધાર બનાવીને જસ્ટિસ વર્મા સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવાની મંજૂરી આપી શકે છે. સ્પીકરે બંધારણીય જોગવાઈનો હવાલો આપ્યો છે પણ સુપ્રીમ કોર્ટે પોતે બંધારણીય જોગવાઈને અનુસરીને તપાસ કરાવી પછી નવી તપાસ જરૂરી નથી છતાં આ તપાસ કેમ એ સમજવું અઘરું છે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ભારતે મુનિરની નહીં અમેરિકાની ચિંતા કરવાની જરૂર છે