એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિવાદ આઈપીએસનો ભોગ લે તેનાથી શરમજનક બીજું શું હોય?

ભરત ભારદ્વાજ
હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યાએ ખળળભાટ મચાવ્યો છે. પૂરણ કુમારનાં આઈએએસ અધિકારી પત્ની અમનીત કૌર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે સત્તાવાર રીતે જાપાનની યાત્રાએ ગયેલાં ત્યારે પૂરણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પૂરણ કુમારે આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટમાં હરિયાણાના 15 ઉચ્ચ અધિકારીઓ પર પોતાને માનસિક યાતના આપીને આપઘાત કરવા મજબૂર કર્યા હોવાનો આક્ષેપ મૂક્યો છે.
હરિયાણાના પોલીસ વડા શત્રુઘ્ન કપૂર અને રોહતકના એસપી નરેન્દ્ર બિજરનિયા સહિતના અધિકારીઓએે છેલ્લા પાંચ વર્ષથી પોતાનું જીવવું હરામ કરી નાખ્યું હતું એવો આક્ષેપ પૂરણ કુમારની સુસાઈડ નોટમાં છે. પૂરણ કુમાર 25 સપ્ટેમ્બરથી સુનારિયા-રોહતકના પોલીસ તાલીમ કેન્દ્રના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે ફરજ બજાવતા હતા. અંબાલા, રોહતક અને કુરુક્ષેત્ર સહિતના હરિયાણાના અનેક જિલ્લાઓમાં સેવા આપી ચૂકેલા પૂરણ એન્જિનિયરિગ ગ્રેજ્યુએટ હતા અને મે 2033માં સત્તાવાર રીતે નિવૃત્ત થવાના હતા પણ ઉચ્ચ અધિકારીઓની કનડગતના કારણે તેમણે જીવનમાંથી જ કાયમી નિવૃત્તિ લઈ લીધી.
પૂરણની સુસાઈડ નોટના આધારે પૂરણ કુમારનાં પત્નિ અમનીત પી. કુમારે મુખ્યમંત્રી સૈનીને ચાર પાનાની ફરિયાદ આપી તેમાં સુસાઇડ નોટમાં નામ આપવામાં આવેલા અધિકારીઓ સામે એફઆઈર નોંધાય, તેમને સસ્પેન્ડ કરાય, તેમની ધરપકડ કરવામાં આવે અને પરિવારને કાયમી સુરક્ષા પૂરી પાડવામાં આવે. અમનીતની ફરિયાદના આધારે એફઆઈઆર તો નોંધાઈ પણ હજુ સુધી કોઈ અધિકારી સામે પગલાં નથી લેવાયાં. નથી તેમને સસ્પેન્ડ કરાયા કે નથી તેમની ધરપકડ કરાઈ.
પૂરણ કુમારે સુસાઈડ નોટમાં કરેલા આક્ષેપો હિંદુ સમાજ હજુય જ્ઞાતિવાદના ગંદવાડમાં સબડે છે તેના પુરાવારૂપ છે. પૂરણ કુમારની આઠ પાનાંની સુસાઈડ નોટમાં આક્ષેપ છે કે, તેમને સવર્ણોના મનાતાં મંદિરોમાં જવા બદલ સતત હેરાન કરવામાં આવ્યા હતા. તેનો ડંખ રાખીને રજા મંજૂર ના કરાતાં પૂરણ કુમાર મૃત્યુ પહેલાં તેમના પિતાને મળી શક્યા ન હતા. સતત બદલીઓ કરાતી હતી અને જ્યાં કંઈ કામ ના કરવાનું હોય એવા હોદ્દા ઊભા કરીને ટ્રાન્સફર કરી દેવાતી હતી. ઘણી વાર તો અસ્તિત્વમાં ન હોય તેવા હોદ્દા પર મોકલીને અપમાનિત અને હાંસીને પાત્ર બનાવી દેવાયા હતા.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ દિવાળીમાં ગ્રીન ફટાકડા, હિંદુઓની ઉજવણીમાં જ પાબંદી કેમ?
પૂરણ કુમારે અધિકારીઓના નામજોગ બીજા આક્ષેપો પણ કર્યા છે ને પોતાની કેવી રીતે કનડગત કરાતી હતી તેનો ચિઠ્ઠો ખોલી દીધો છે. પૂરણે આ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં રજૂઆતો પણ કરેલી પણ કોઈ પરિણામ નહોતું આવ્યું. બલકે પરેશાન કરનારા અધિકારીઓને છાવરાતા તેથી એ બધા ફાટીને ધુમાડે ગયેલા.
પૂરણે મોતને વહાલું કરતાં પહેલાં આ વાતો લોકો સામે મૂકવાની જરૂર હતી ને સૌને ઉઘાડા પાડવાની જરૂર હતી. કમનસીબે પૂરણ એવી હિંમત ના બતાવી શક્યા પણ હવે તેમનાં પત્ની અમનીત કૌર પતિને ન્યાય અપાવવા મેદાને પડ્યાં છે. પૂરણ કુમારનાં પત્ની અમનીત કૌર શીખ છે અને આઈએસ ઓફિસર છે. હરિયાણા સરકારના વિદેશ સહકાર બાબતોના વિભાગમાં સેક્રેટરી અને કમિશનર અમનીત કૌર 2001ની બેચનાં આઈએએસ અધિકારી છે. પૂરણ કુમાર 2001ની બેચના આઈપીએસ અધિકારી હતા. બંને મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટે્રશનમાં પહેલી વાર મળ્યાં ને પ્રેમમાં પડીને પરણી ગયાં હતાં.
પૂરણ કુમાર સામાન્ય પરિવારના હતા પણ અમનીત પોતે વગદાર પરિવારમાંથી આવે છે. અમનીતના પિતા બાબુ સિંહ ઈન્કમટેક્સ ઓફિસર હતા જ્યારે અમનીતનો ભાઈ, અમિત રતન પંજાબ વિધાનસભાની ભટિડા ગ્રામીણ બેઠકનો ધારાસભ્ય છે. અમિતની પત્ની સનમીત કૌર 2007 બેચની નાગાલેન્ડ કેડરની આઈપીએસ અધિકારી છે. સનમીત કૌર હાલમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) માં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) છે. 2022 માં સનમીતની પાંચ વર્ષના કાર્યકાળ માટે નિમણૂક થઈ હતી.
અમિત પહેલાં શિરોમણિ અકાલી દળમાં હતો. 2017માં અમિત અકાલી દળના ઉમેદવાર તરીકે હારી ગયેલો. અમિત સામે યુવાઓને સરકારી નોકરીનાં આંબા-આંબલી બતાવીને રૂપિયા ખંખેરવાના આક્ષેપો થયા હતા. આ આક્ષેપોના કારણે 2020માં અકાલી દળે અમિતને તગેડી મૂક્યો હતો. અરવિંદ કેજરીવાલે તેનો હાથ પકડ્યો અને 2022ની ચૂંટણીમાં ટિકિટ આપી. અમિત સામે પંજાબ આપના નેતાઓનો વિરોધ હતો અને કિસાન સંગઠનોએ તો યુવાઓ સાથે ઠગાઈ બદલ તેના ઘર સામે ત્રણ દિવસ ધરણાં કરેલાં છતાં અમિત કૉંગ્રેસ અને અકાલી દળ વિરોધી લહેરમાં 30 હજારથી વધારે મતે જીતી ગયેલો.
ધારાસભ્ય બન્યા પછી પણ અમિત રતન વિવાદોમાં સપડાયો છે. ફેબ્રુઆરી 2023માં પંજાબ વિજિલન્સ વિભાગે અમિત રતનની ચાર લાખ રૂપિયાની લાંચ માગવાના કેસમાં ધરપકડ કરીને જેલભેગો કરી દીધો હતો પણ મુખ્યમંત્રી ભગવંત માનના પગ પકડી લેતાં છોડી મુકાયો હતો. ટૂંકમાં અમનીત કૌરનો પરિવાર ખમતીધર અને વગદાર છે તેથી પતિને ન્યાય અપાવવા માટે અમનીત કૌર લડી શકે છે.
જો કે અમનીત પાવરફુલ છે તો સામે પણ પાવરફુલ લોકો છે. શત્રુજીત કપૂર તો પંજાબ પોલીસના વડા છે ને બીજા પણ સિનિયર પોલીસ અધિકારીઓ છે. એ લોકો પણ પાછલી જિંદગીમાં જેલમાં તળિયા તપાવવા પડે ને ધોળામાં ધૂળ પડે એવું ના જ ઈચ્છે તેથી નિર્દોષ છૂટવા માટે પૂરી તાકાત લગાવી જ દેશે. આ સંજોગોમાં અમનીત માટે ન્યાય માટેની લડાઈ સરળ નથી. અમનીત પોતે સરકારમાં છે અને પાવરફુલ આઈએએસ ઓફિસર છે તેથી આ લડાઈમાં તેમને પાડી દેવા માટે તેમની સામે આક્ષેપો થશે ને બીજા દાવપેચ પણ થશે જ.
અમનીતના જંગનું શું પરિણામ આવશે એ ખબર નથી પણ પૂરણ કુમારનો આપઘાત આપણી કલંક કથા છે તેમાં શંકા નથી. આ દેશમાં એક આઈપીએસ અધિકારીને કહેવાતી નીચલી જ્ઞાતિનો હોવાના કારણે હડધૂત કરાતો હોય, તેની સાથે ભેદભાવ કરાતો હોય તો સામાન્ય દલિતોની શું હાલત હશે એ વિચારવાની જરૂર છે. અમનીત તો પતિ માટે લડી શકે છે કેમ કે આઈએએસ અધિકારી છે પણ પૂરણ જેવા તો કેટલાય મરી જતા હશે ને કોઈને ખબર પણ નહીં પડતી હોય. આઝાદીનાં 78 વર્ષ પછી પણ આ દેશ આવી સંકુચિત માનસિકતા સાથે જીવે છે ને પછાતપણામાં સબડે છે એ જોઈને ખરેખર આઘાત લાગે છે.
આપણે સાંભળ્યા કરીએ છીએ કે, છેલ્લાં કેટલાંક વરસોમાં હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે, હિંદુઓમાં એકતા મજબૂત થઈ છે પણ પૂરણ કુમારનો કિસ્સો એ વાતનો પુરાવો છે, આ વાતો એક ભ્રમથી વધારે કંઈ નથી. હિંદુઓમાં હજુય સવર્ણો અને નીચલી જ્ઞાતિ એવા ભેદભાવ છે જ. પૂરણ કુમારે આ ભેદભાવનો ભોગ બનીને જીવ આપ્યો પછી હિંદુઓ જાગે તો સારું કે જેથી ફરી પૂરણ કુમાર જેવા કોઈનો ભોગ ના લેવાય.
આ પણ વાંચો…અફેરઃ પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી ખનિજો પૂરતી મર્યાદિત નથી…