એકસ્ટ્રા અફેર : હિંદુઓની એકતા અને મરદાના મિજાજ આતંકવાદનો ખાતમો કરી શકે

- ભરત ભારદ્વાજ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ હુમલાનો જવાબ આપવા ને ભવિષ્યમાં આ પ્રકારનાં હુમલા રોકવા શું કરવું તેનું મનોમંથન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે પાકિસ્તાન સામે પ્રતિબંધાત્મક પગલાંની જાહેરાત કરાઈ ને સર્વપક્ષીય બેઠક પણ બોલાવાઈ. આ બેઠકમાં તમામ વિપક્ષોએ એક અવાજે સરકાર જે પણ પગલાં લે તેને ટેકો જાહેર કરીને પહલગામ હુમલા સામે દેશ એક છે ને મોદી સરકારને પડખે છે એવો સ્ટ્રોંગ મેસેજ આપ્યો. એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ હુમલાના વિરોધમાં શુક્રવારની નમાજમાં તમામ મુસ્લિમો કાળી પટ્ટી પહેરીને હુમલાનો વિરોધ કરે ને આક્રોશ ઠાલવે એવી અપીલ કરી તેનું પણ વ્યાપક રીતે પાલન થયું.
મોદી સરકાર દેશની એકતા બતાવવા પ્રયત્નો કરી રહી છે એ જરૂરી છે. આતંકવાદ માત્ર સરકારની સમસ્યા નથી પણ આખા દેશની સમસ્યા છે તેથી આતંકવાદ સામેની લડાઈમાં આખો દેશ સરકારને પડખે હોવો જ જોઈએ. સદનસીબે દેશમાં અત્યારે એ જ પ્રકારનો માહોલ પેદા થઈ ગયો છે ત્યારે કેટલાંક નાસમજ ને નાદાન પરિબળો જુદી જ વાત કરી રહ્યા છે. આ પરિબળો ભારતમાં મુસ્લિમોના આર્થિક બહિષ્કાર કરવાની હાકલના મેસેજ વાયરલ કરી રહ્યા છે.
અત્યારે દેશભરનાં લોકોમાં દેશપ્રેમની ભાવના પેદા થયેલી છે અને લોકોના મનમાં આક્રોશ છે તેથી મોટા ભાગનાં લોકોને આ વિચાર ગમે પણ છે. આ પ્રકારના મેસેજ મોટા પ્રમાણમાં ફોરવર્ડ થઈ રહ્યા છે તેના પરથી જ લાગે કે, આ વિચાર એક મોટા વર્ગને આકર્ષી રહ્યો છે પણ આ મુદ્દે લોકોએ શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. અત્યારે આપણી સમસ્યા આતંકવાદ સામે કઈ રીતે લડવું એ છે. મોદી સરકારે પણ એ વાત પર ભાર મૂક્યો છે કે, આતંકવાદ સામે આખો દેશ એક થઈને ઊભો રહે એ જરૂરી છે ત્યારે આ પ્રકારના મેસેજ ફરતા ના થાય એ જરૂરી છે. આ પ્રકારના મેસેજ ફરતા થાય તેના કારણે એવી છાપ ઊભી થાય છે કે, ભારતમાં મુસલમાનોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, તેમની સામે ઉશ્કેરણી થઈ રહી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: મસૂદની વાત સાચી, 10 દિવસ માંસ નહીં ખાવાથી ઘસાઈ નથી જવાના
આ છાપના કારણે સમસ્યા મોદી સરકાર માટે જ ઊભી થવાની છે કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ સવાલો ઉભા થશે તેના જવાબ કેન્દ્ર સરકારે આપવા પડશે, જે લોકો મેસેજ ફરતા કરે છે તેમણે જવાબ નથી આપવાના. આ પ્રકારના મેસેજના કારણે તણાવ ઊભો થાય કે અશાંતિ ઊભી થાય એ પણ દેશના હિતમાં નથી ને સરકાર માટે પણ સારું નથી. અત્યારે કેન્દ્ર સરકારનું એક માત્ર લક્ષ્ય આતંકવાદને પોષતા પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો એ છે ત્યારે કેન્દ્ર સરકાર તેનું કામ અસરકારક રીતે કરી શકે એ દેશના દરેક નાગરિકની પ્રાયોરિટી હોવી જોઈએ. તેના બદલે આ તો કેન્દ્ર સરકાર માટે જ નવી સમસ્યાઓ ઊભી કરાઈ રહી છે.
બીજું એ કે, કાશ્મીરમાં થયેલો હુમલો મુસ્લિમ સમુદાયનાં લોકોએ કર્યો છે તેથી તેમને એકલા પાડી દેવા જોઈએ એ વિચારધારા જ ખોટી છે. આ વિચારધારા કોની છે? ભાજપની કે હિંદુવાદીઓની છે? સરકારની છે? બિલકુલ નહીં. આ વિચારધારા કોઈને સૂઝેલા તુક્કામાંથી ઉદ્ભવી છે ને આવા તુક્કાને ના પોષાય. વાસ્તવમાં આ પ્રકારની વાતો કરીને લોકો પાકિસ્તાન સહિતના ભારતમાં અરાજકતા ફેલાવવા માગતાં લોકોના હાથા બની રહ્યા છે.
પાકિસ્તાન સહિતનાં ભારત વિરોધી પરિબળો ભારતમાં ધર્મના નામે લોકો લડે ને સામસામે આવી જાય, એકબીજાને મારવા-કાપવા પર ઉતરી આવે એવું જ તો ઈચ્છે છે. ભારતમાં ધર્મના નામે ઝઘડા થાય, રમખાણો થાય, મુસ્લિમોને ટાર્ગેટ કરાય ને એ બહાને દુનિયાભરમાં ભારતની બદનામી થાય એ જ તેમનો ગેમ પ્લાન છે.
આતંકવાદીઓ લોકોને આવી ધર્મ પૂછે ને મુસ્લિમ નથી એવાં લોકોને ઉડાવી દે એ આ ગેમ પ્લાનનો હિસ્સો છે. આ પ્રકારની હરકતો પહેલાંથી લખાયેલી સ્ક્રીપ્ટનો હિસ્સો છે પણ આ સ્ક્રીપ્ટ આ દેશના મુસલમાનોએ નથી લખી. આ હુમલો પણ આ દેશના મુસલમાનોએ નથી કરાવ્યો પણ પાકિસ્તાનમાં બેઠેલા લોકોએ કરાવ્યો છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…
આ સ્ક્રીપ્ટ પાકિસ્તાનના કટ્ટરવાદી અને ભારતની પ્રગતિથી ઈર્ષ્યા કરતા ધર્માંધ લોકોએ લખી છે. ભારત સામે સીધા યુદ્ધમાં જીતી શકાય તેમ નથી તેથી આ રીતે લોકોને સામસામે લડાવીને ભારતમાં હિંસા અને અરાજકતા ફેલાવવાનો બદઈરાદો ધરાવતાં લોકોએ લખી છે. હિંદુઓએ આ સ્ક્રીપ્ટનો ભાગ ના બનવું જોઈએ અને આ સ્ક્રીપ્ટ પ્રમાણે ના વર્તવું જોઈએ. આતંકવાદીઓને મદદ કરે છે એવા દેશદ્રોહીઓને કે દેશના ગદ્દારોને ટાર્ગેટ કરાય તેમાં કશું ખોટું નથી પણ મુઠ્ઠીભર લોકોના કારણે એક સમાજ પર આતંકવાદીનું લેબલ લગાવી દેવું યોગ્ય નથી.
બીજું એ પણ સમજવાની જરૂર છે કે, વાસ્તવિક રીતે પણ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર શક્ય નથી. મુસ્લિમોની હોટલમાં ના ખાવું કે તેમની દુકાનમાંથી વસ્તુ ના લેવી એવા મેસેજનો મારો ચાલી રહ્યો છે પણ મુસ્લિમો આ દેશના હિંદુઓ કે બીજાં લોકો સાથે માત્ર રેસ્ટોરન્ટ પૂરતા કે દુકાનો પૂરતા જોડાયેલા નથી. નાનાં નાનાં કારીગર વર્કથી માંડીને મેડિકલ સુધીના બધાં ક્ષેત્રમાં મુસ્લિમો છે. તેમનો કઈ રીતે બહિષ્કાર કરી શકાય? જે લોકો મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવો જોઈએ એવી વાતો કરે છે તેમણે એ પણ સમજવું જોઈએ કે, આપણે વાપરીએ છીએ પેટ્રોલ-ડીઝલ માટેનું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ મુસ્લિમ રાષ્ટ્રોમાંથી જ આવે છે. આપણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ બંધ કરી શકીએ ? ને અહીં મુસ્લિમોના આર્થિક બહિષ્કાર સામે મુસ્લિમ રાષ્ટ્રો આપણને ક્રૂડ આપવાનું બંધ કરે તો શું થાય? શાંતિથી વિચારજો ને એક વાત સમજજો કે કોઈ પણ ધાર્મિક સમુદાય માત્ર પોતાના દમ પર ના ટકી શકે. ઈઝરાયલ જેવો કટ્ટર મુસ્લિમ વિરોધી દેશ પણ મુસ્લિમ રાષ્ટ્રો સાથે સંબંધો રાખે જ છે.
હિંદુઓએ સૌથી મોટી વાત તો એ સમજવાની જરૂર છે કે, મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાથી કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદ બંધ કરી દેવાનું નથી. કાશ્મીરમાં આતંકવાદ બંધ કરાવવો હોય તો હિંદુઓએ એક થવું પડે ને એક થઈને લડવું પડે. મુસ્લિમોના આર્થિક બહિષ્કારમાં મર્દાનગી નથી. મર્દાનગી કાશ્મીરમાં જઈને આતંકવાદીઓ સામે લડવામાં છે. હિંદુઓએ કાશ્મીરી પંડિતોને પાછા કાશ્મીરમાં વસાવવા જોઈએ, તેમની સાથે જઈને રહેવું જોઈએ, આતંકવાદીઓનો મુકાબલો કરવો જોઈએ, કાશ્મીરને સુરક્ષિત બનાવવું જોઈએ.
ભારતમાંથી 10 લાખ હિંદુઓ પંડિતોની સાથે જઈને કાશ્મીર ખીણમાં રહેવા જાય તો આપોઆપ આતંકવાદીઓ ફફડી જાય. સરકાર હિંદુઓને વસાવવા તૈયાર છે, શસ્ત્રો આપવા તૈયાર છે પણ જરૂર હિંદુઓમાંથી 10 લાખ મરદ મિજાજના માણસોની છે. હવે કલમ 370 નથી ત્યારે દેશનો ગમે તે હિંદુ કાશ્મીરમાં જઈને વસી શકે ને દેશ માટે લડી શકે. ગોળીનો જવાબ ગોળીથી મળવા માંડશે પછી કોઈ આતંકવાદીની તાકાત નથી કે આવીને હુમલો કરી શકે.