એકસ્ટ્રા અફેર : જસ્ટિસ રેડ્ડી યોગ્ય પસંદગી પણ જીતશે નહીં

- ભરત ભારદ્વાજ
દેશના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અંતે કૉંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા મોરચાએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીની ઉમેદવાર તરીકે પસંદગી કરી નાખી. ભાજપની આગેવાની હેઠળનો એનડીએ પહેલાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનની પસંદગી કરી ચૂક્યો છે. ભાજપે વિપક્ષોને રાધાકૃષ્ણન સામે ઉમેદવાર ઊભો રાખવાના બદલે ચૂંટણી ટાળવા વિનંતી કરી હતી પણ વિપક્ષો માન્યા નથી. ઉપરાષ્ટ્રપતિ પદે રાધાકૃષ્ણનની સર્વસંમતિથી અને બિનહરીફ વરણી કરવાના બદલે વિપક્ષોએ સુદર્શન રેડ્ડીની પસંદગી કરતા હવે ચૂંટણી થશે એ નક્કી છે .
અત્યારે જે સ્થિતિ છે એ જોતાં આ ચૂંટણીનું પરિણામ નક્કી લાગે છે કે, રાધાકૃષ્ણન જીતશે કેમ કે કાગળ પર વિપક્ષો પાસે જસ્ટિસ રેડ્ડીને જીતાડવા માટે જરૂરી સંખ્યાબળ જ નથી પણ સાથે સાથે એ પણ સ્વીકારવું પડે કે, જસ્ટિસ રેડ્ડીની પસંદગી કરીને વિપક્ષોએ આ જંગને રસપ્રદ બનાવી દીધો છે.
ઉપરાષ્ટ્રપતિ પદની 9 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન પાસે જીતવા માટે જરૂરી 391 સાંસદોના બદલે 422 સાંસદોનો ટેકો છે. સામે વિપક્ષો પાસે બધા ભેગા મળીને 360 સાંસદો પણ થતા નથી તેથી કાગળ પર તો એનડીએનું પલ્લું ભારે છે જ.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાધાકૃષ્ણનને ટેકો આપશે તો કૉંગ્રેસ ઉજળી લાગશે
ભાજપે રાધાકૃષ્ણનને પસંદ કરીને તમિળનાડુના શાસક પક્ષ ડીએમકેને ભેરવી દેવાની ચાલ ખેલી છે કેમ કે રાધાકૃષ્ણન તમિળ છે. ભાજપની ગણતરી એ છે કે, ડીએમકે તમિળ નેતાને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટેકો આપવાના બદલે બિન-તમિળને ટેકો આપી રહી છે એ મુદ્દો ના ચગે એટલે ડીએમકે રેડ્ડીની તરફેણમાં મતદાન કરવાના બદલે મતદાનથી અલિપ્ત રહે અને વિપક્ષોના મતોની સંખ્યામાં હજુ ઘટાડો થાય. બીજા નાના નાના પક્ષો પણ સત્તાધારી પક્ષની પંગતમાં બેસી શકે છે એ જોતાં રાધાકૃષ્ણનને એનડીએના સંખ્યાબળ કરતાં વધારે મત મળી જાય તેથી તેમની જીત પાકી થઈ જાય. વિપક્ષોએ ભાજપની ચાલનો જવાબ તેલુગુ કાર્ડ ખેલીને આપ્યો છે અને આ જંગને રસપ્રદ બનાવી દીધો છે.
જસ્ટિસ રેડ્ડી આંધ્ર પ્રદેશના છે તેથી ડીએમકેને જેવી મૂંઝવણ થાય એવી જ મૂંઝવણ ભાજપના સાથી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને પણ થાય. રાજકારણીઓ બહુ જાડી ચામડીના હોય છે અને તેમને અમુક બાબતોની અસર જ નથી થતી હોતી પણ મતબેંકની વાત આવે ત્યારે નેતા લોક ઊંચાનીચા થઈ જતા હોય છે. આ કારણે ટીડીપી પણ તેલુગુભાષીને બદલે તમિળને મત આપવામાં આઘીપાછી થઈ શકે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ચૂંટણી પંચે રાહુલના ગંભીર આક્ષેપોના જવાબ તો આપ્યા જ નહીં
જસ્ટિસ રેડ્ડીની પસંદગી એ રીતે પણ મહત્ત્વની છે કે, જસ્ટિસ રેડ્ડી બિનવિવાદાસ્પદ અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેથી સી.પી. રાધાકૃષ્ણનની ટક્કરમાં ઊભા રહી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા હોવાથી જસ્ટિસ રેડ્ડી ઉચ્ચ શિક્ષિત તો છે જ પણ બંધારણીય બાબતોના જાણકાર પણ છે જ તેથી ઉપરાષ્ટ્રપતિ પદ અને રાજ્યસભાનું ચેરપર્સન પદ એમ બંને હોદ્દા શોભાવી શકે છે. જસ્ટિસ રેડ્ડીને કોઈ રાજકીય અનુભવ નથી પણ એ જરૂરી નથી. ઉલટાનું એ તેમનો પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે કેમ કે અત્યાર સુધીનો આપણો અનુભવ છે કે, રાજકારણી ઉપરાષ્ટ્રપતિ પદે બેસે ત્યારે મોટા ભાગે નિષ્પક્ષ વર્તી શકતા નથી ને સત્તાધારી પક્ષની અયોગ્ય તરફેણ કર્યા કરે છે. જસ્ટિસ રેડ્ડી ચૂંટાય એવી શક્યતા નથી પણ ચૂંટાય તો એ ખતરો ના રહે.
જસ્ટિસ રેડ્ડીના કિસ્સામાં એક વખાણવા લાયક વાત એ છે કે, સામાન્ય પરિવારમાંથી હોવા છતાં તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેની સફર તય કરી છે. જસ્ટિસ રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946ના રોજ હાલના તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના તત્કાલીન ઇબ્રાહિમપટ્ટનમ તાલુકાના અકુલા મૈલારામ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. રેડ્ડી ભારે સંઘર્ષ કરીને ભણ્યા છે. 1971માં હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવીને આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી પછી વરસો સુધી તેમણે સામાન્ય વકીલોની જેમ વકીલાત કરી હતી.લગભગ બે દાયકાની વકીલાતની પ્રેક્ટિસ પછી જસ્ટિસ રેડ્ડી સરકારી વકીલ બન્યા અને 1988-90 દરમિયાન સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. 1990માં કેન્દ્ર સરકાર માટે થોડા સમય માટે વધારાના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે કામ કરનારા જસ્ટિસ રેડ્ડી ઉસ્માનિયા યુનિવર્સિટી માટે કાનૂની સલાહકાર અને સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ કામ કરતા હતા. 1995માં તેમની નિમણૂક આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે થઈ પછી તેમની ઉચ્ચ ન્યાયતંત્રમાં કારકિર્દી શરૂ થઈ. 2005માં જસ્ટિસ રેડ્ડી ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને 2007માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. 2011માં નિવૃત્ત થયા પછી માર્ચ 2013માં જસ્ટિસ પ્રથમ લોકાયુક્ત બન્યા.છ મહિના પછી સપ્ટેમ્બરમાં વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું પછી જસ્ટિસ રેડ્ડી જાહેર જીવનથી લગભગ અલિપ્ત હતા. હવે કૉંગ્રેસ તેમને બહાર લઈ આવી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…
જસ્ટિસ રેડ્ડી દેશના ઉપરાષ્ટ્રપતિ પદને લાયક છે તેમાં કોઈ શંકા નથી પણ જસ્ટિસ રેડ્ડી જીતે એવી શક્યતા નહિવત છે કેમ કે ભારતમાં ચૂંટણીઓ લાયકાતના આધારે નહીં પણ રાજકીય સમીકરણોના આધારે લડાય છે. રાજકીય સમીકરણોના આધારે રાધાકૃષ્ણનનું પલ્લું ભારે છે તેથી લાયકાત છતાં જસ્ટિસ રેડ્ડી નહીં જીતે. અલબત્ત તેમની હારનો એટલો અફસોસ નહીં થાય કેમ કે રાધાકૃષ્ણન પણ સ્વચ્છ પ્રતિભા ધરાવતા પીઢ રાજકારણી છે. રાધાકૃષ્ણન પણ સુશિક્ષિત છે અને ઠરેલ વ્યક્તિ છે તેથી એ જીતશે તો પણ ઉપરાષ્ટ્રપતિ પદનું ગૌરવ વધશે. ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં જગદીપ ધનખડ જેવા સત્તામાં જ રસ ધરાવતા નેતાને બદલે રાધાકૃષ્ણન પર પસંદગીનો કળશ ઢોળીને સારું કામ કર્યું છે તેથી જસ્ટિસ રેડ્ડી હારે તેનો અફસોસ કરવા જેવો નથી.
આ ચૂંટણી વિપક્ષી એકતાની પણ કસોટી કરશે. સામાન્ય રીતે આ પ્રકારની ચૂંટણી પહેલાં વિપક્ષો એક થઈને હોંકારા પડકારા કરતા હોય છે અને સત્તાધારી પાર્ટીને જોરદાર ટક્કર આપવાની વાતો કરે છે પણ ચૂંટણી આવે ત્યારે બે-ચાર પક્ષો તો ફસકી જ જતા હોય છે ને વિપક્ષી છાવણી છોડીને સત્તાધારી મોરચાની પંગતમાં બેસી જતા હોય છે. જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા ત્યારે પણ એવું થયેલું ને દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યાં ત્યારે પણ એવું થયેલું. આ વખતે પણ એવું બનવાની પૂરી શક્યતા છે.