એકસ્ટ્રા અફેર: અમેરિકા-ચીન વ્યાપાર કરાર, ટ્રમ્પને નમ્યા વિના છૂટકો નથી

- ભરત ભારદ્વાજ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અંતે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર કરારની જાહેરાત કરી નાંખી. આ કરાર હેઠળ ચીન હવે અમેરિકન કંપનીઓને રેર અર્થ મટિરિયલ એટલે કે મૂલ્યવાન ખનિજો સપ્લાય કરશે અને બદલામાં અમેરિકા ચીનના વિદ્યાર્થીઓ માટે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોના દરવાજા ખોલી દેશે. ટ્રમ્પે ચીન સાથેના આ કરારને મંજૂરી આપી દીધી છે.
હવે ચીનના પ્રમુખ શી જિનપિંગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ જિનપિંગ સાથે વાત કરેલી ને તેમાં કરારની શરતો અંગે ચર્ચા કરેલી. એ પછી કરારને અંતિમ સ્વરૂપ અપાયું છે એ જોતાં જિનપિંગની મંજૂરી એક ઔપચારિકતા જ મનાય છે.
આ કરાર દ્વારા ટ્રમ્પે ચીન સામે સંપૂર્ણપણે ઘૂંટણ ટેકવી દીધા છે એ સ્પષ્ટ છે. ટ્રમ્પે જોશમાં ને જોશમાં ચીનની અમેરિકામાં નિકાસ પર આકરાં નિયંત્રણો લાદીને ધડાઘડ ટૅરિફ તો ઠોક દીધેલો પણ મહિનામાં જ ટ્રમ્પ હાંફી ગયેલા. ટ્રમ્પે મહિના પછી જ ચીનના માલની અમેરિકામાં એન્ટ્રી પરનાં નિયંત્રણો હળવાં કરવા માંડેલાં ને હવે ઔપચારિક રીતે વ્યાપાર કરાર કરી નાંખ્યો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : વિજય રૂપાણી સામાન્ય માણસોના નેતા તરીકે યાદ રહેશે
ટ્રમ્પનો એ વિના છૂટકો નહોતો કેમ કે ટેકનોલોજી ઈક્વિપમેન્ટ્સ, સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક કાર માટે રેર અર્થ મટિરિયલ્સ અનિવાર્ય છે. લેન્થેનમ, નિયોડીમિયમ, પ્રસોડીમિયમ જેવી 17 જેટલી દુર્લભ મનાતી ખનિજો વિના સામાન્ય ખનિજો વિના આ ઉત્પાદનો બની જ ના શકે.
સામાન્ય ખનિજો જેવી જ આ ખનિજામાં વિશેષ ચુંબકીય અને ઇલેક્ટ્રોનિક ગુણધર્મો હોવાથી સ્માર્ટફોન, લેપટોપ અને ટેલિવિઝન સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો, પવન ટર્બાઇન, સૌર પેનલ અને બેટરી સહિત ઘણી આધુનિક ટેકનિકમાં થાય છે. ચીન વિશ્વનો સૌથી મોટો રેર અર્થ મિનરલ્સનો ઉત્પાદક દેશ છે. વૈશ્વિક પુરવઠાના લગભગ 70 ટકા રેર અર્થ મિનરલ્સ પર ચીનનું નિયંત્રણ હોવાથી ટ્રમ્પે ચીન સામે ઘૂંટણ ટેકવવા પડે તેમ જ છે. બાકી તેમના પોતાના ઉદ્યોગો ઠપ્પ થઈ જાય.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ડૉ. માધવી લતાની પરિપક્વતાને સલામ કરવી જોઈએ
ટ્રમ્પે પડ્યા પછીય ટંગડી ઉંચી રાખવા એવો દાવો કર્યો કે, આ નવા કરારથી અમેરિકાને ટૅરિફ એટલે કે આયાત ડ્યૂટીમાં 55 ટકા ફાયદો મળશે જ્યારે ચીનને ફક્ત 10 ટકા લાભ મળશે. આ ટૅરિફ સિસ્ટમ કઈ રીતે કામ કરવાની છે તેનો ટ્રમ્પે ફોડ પાડ્યો નથી. પણ ટ્રમ્પ મહાજૂઠો માણસ છે તેથી તેની વાતોને ગંભીરતાથી લેવાની જરૂર નથી. ટ્રમ્પ ગમે તે દાવા કરે, આ કરાર ચીનની જીત દર્શાવે છે ને અમેરિકાએ ચીન સામે ઘૂંટણ ટેકવવા પડ્યા છે એ આખી દુનિયાને દેખાય જ છે.
ચીન આ વ્યાપાર કરારથી બહુ મોટા ફાયદામાં છે એ કહેવાની જરૂર નથી. ચીન પાસે રેર અર્થ મટિરિયલ્સનો ખજાનો છે અને આ ખનિજોને જમીનમાંથી કાઢીને ઉપયોગમાં લઈ શકવાયોગ્ય બનાવવાની ક્ષમતા પણ છે, પણ તેનો ફાયદો ત્યારે જ મળે કે જ્યારે કોઈ ગ્રાહક હોય. જમીનમાં પડી પડી ખનિજો કંઈ કમાવી આપવાની નહોતી. આ દુર્લભ ખનિજોના બીજા પણ લેવાલ છે પણ અમેરિકા સૌથી મોટું લેવાલ છે તેથી અમેરિકાને આ માલ આપી શકાતો નહોતો એટલે ચીનને મોટો આર્થિક ફટકો પડી જ ગયેલો.
વ્યાપાર કરારના કારણે હવે અમેરિકા ચીનનો માલ ખરીદશે તેથી ચીન માટે પાછો નાણાંનો પ્રવાહ ચાલુ થઈ જશે. તેના કારણે ચીનનું અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી જશે એ સૌથી મોટો ફાયદો છે. અમેરિકન કંપનીઓ રેર અર્થ મિનરલ્સમાંથી પ્રોડક્ટ્સ બનાવીને આખી દુનિયાને બઝાડીને કમાણી કરશે તેથી અમેરિકાને તો ફાયદો છે જ પણ ચીન વધારે ફાયદામાં છે કેમ કે ચીનને અત્યારથી રોકડી થવા માંડશે. અમેરિકા ચીન પાસેથી માલ લેવા માંડે એટલે ચીને નાના નાના ઉચકૂચિયા ઘરાકો શોધવાની ઝંઝટમાં પણ નહીં પડવું પડે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ છે ત્યાં સુધી ભારતીયોએ અપમાનિત થવું પડશે…
ટ્રમ્પે ચીનના વિદ્યાર્થીઓ માટે પાછા દરવાજા ખોલ્યા તેમાં પણ ચીન ફાયદામાં છે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેમણે ચીન પર જાતભાતના પ્રતિબંધો લાદ્યા તેમાં ચીનના વિદ્યાર્થીઓ માટે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશના નિયમો પણ એવા આકરા બનાવી દીધેલા કે ચીના યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ જ ના મેળવી શકે. ચીનના વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ચકાસણીથી માંડીને સામ્યવાદી વિચારધારા સાથે કનેક્શન સુધીના મુદ્દે ગાળિયો કસીને ટ્રમ્પે ચીનાઓને બંબૂ લગાવી દીધો હતો.
ચીન ટેકનોલોજીની રીતે અમેરિકાને હંફાવે એવી તાકાત ધરાવે છે, પણ કોર્પોરેટ કંપનીઓની તાકાત અમેરિકા પાસે વધારે છે. ચીનના વિદ્યાર્થીઓને અમેરિકામાં ભણવાની તક જ ના મળે તેના કારણે અમેરિકન કંપનીઓમાં રોજગારીની અને અમેરિકામાં સ્થાયી થવાની તક છિનવાઈ ગઈ હતી. દુનિયાના દરેક દેશ માટે અમેરિકામાં રહીને કામ કરતા પોતાના નાગરિકોના રેમિટન્સની આવક મહત્ત્વની છે કેમ કે તેના કારણે અર્થતંત્રને ફાયદો થાય છે અને રોજગારી આપવાની જવાબદારીમાંથી પણ મુક્તિ મળે છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ટ્રમ્પની જીદ અમેરિકાને અરાજકતા-અંધાધૂંધીમાં ધકેલી દેશે
ઉદાહરણ તરીકે ભારતનો કોઈ નાગરિક કાયદેસર રીતે અમેરિકામાં કામ કરતો હોય ને બચત કરીને દર મહિને 1000 ડૉલર જ મોકલે તો પણ તેનાં માતા-પિતા સહિતનો આખો પરિવાર અહીં જલસાથી રહી શકે. આ જ ગણિત ચીનાઓને પણ લાગુ પડે જ છે કેમ કે ચીનનું ચલણ અમેરિકાની સરખામણીમાં નબળું જ છે. હવે ચીનના વિદ્યાર્થીઓ માટે અમેરિકાના દરવાજા ખૂલી જતાં ચીનાઓને અમેરિકામાં રહેવાની અને કમાણી કરવાની તક પણ મળશે. અમેરિકાથી ડૉલર ચીનના અર્થતંત્રમાં ઠલવાશે તેથી ચીનને મોટો ફાયદો થશે.
આ કરાર દ્વારા ટ્રમ્પે સાબિત કર્યું છે કે, અમેરિકાને પોતાનાં હિતો સાચવવા સિવાય બીજા કશામાં રસ નથી. જે ચીનને બે મહિના પહેલાં લગી ટ્રમ્પ ગાળો દેતા હતા તેના પગમાં અત્યારે ટ્રમ્પ આખેઆખા આળોટી ગયા છે તેના પરથી જ સ્પષ્ટ છે કે, ગરજે ગધેડાને બાપ કહેવો પડે તો તેની પણ અમેરિકાની તૈયારી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાહુલ ગરબડના આક્ષેપો કરે છે પણ પુરાવા ક્યાં છે?
ચીન અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર કરાર ભારત માટે મોટી ચેતવણી છે એ કહેવાની જરૂર નથી. આપણે અહીં ડીયર ફ્રેન્ડ ડોનલ્ડની દોસ્તીની દુહાઈઓ આપીએ છીએ ને ડોનલ્ડ ચીનના પડખામાં વધારે ને વધારે ઘૂસતા જાય છે એ જોતાં ભારતે પોતાની વિદેશ નીતિ વિશે નવેસરથી વિચારવાની જરૂર છે. ચીન ભારતનું દુશ્મન છે અને અમેરિકા ચીન સાથે હાથ મિલાવીને પાવરફુલ બનાવી રહ્યું છે ત્યારે ભારતે પણ પોતે કઈ રીતે પાવરફુલ બની શકે એ વિશે વિચારવાની જરૂર છે. જી-7 સમિટમાં નિમંત્રણ મળ્યું એવી નાની નાની વાતોથી રાજી થવાના બદલે ભવિષ્ય તરફ મીટ માંડવી જોઈએ.