એકસ્ટ્રા અફેર : ટ્રમ્પનો ટૅરિફ વાર નહીં, પાકિસ્તાન સાથેની દોસ્તી વધારે ખતરનાક-ભરત ભારદ્વાજ

- ભરત ભારદ્વાજ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ દોસ્તીની દુહાઈઓ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે ભારતને બેવડો ફટકો મારી દીધો. ટ્રમ્પે એક તરફ તાત્કાલિક અસરથી એટલે કે 1 ઓગસ્ટથી ભારતથી આવતા માલ-સામાન પર પચીસ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સાથે ઓઈલ ડીલ કરવાની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે એવું એલાન પણ કર્યું છે કે, રશિયા પાસેથી શસ્ત્રો અને ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર દંડ પણ લાદવામાં આવશે.
ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી એક પછી એક દેશને લપેટતા જતા હતા અને ટૅરિફ ઠોક્યા કરતા હતા, પણ ભારત પર ટૅરિફ નહોતો ઠોક્યો. બલકે અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા મથ્યા કરતું હતું. તેના કારણે એવો પ્રચાર ચાલેલો કે, મોદી સાથેની દોસ્તીના કારણે ટ્રમ્પ ભારત પર ટૅરિફ નથી લાદી રહ્યા, પણ આ બેવડા વારે સાબિત કર્યું છે કે ટ્રમ્પ કોઈના દોસ્ત નથી ને ભારતને દુશ્મન જ માને છે.
ટ્રમ્પે ભારત પર ટૅરિફ લાદવાની જાહેરાત કરી તેમાં પણ મોદી સાથેની દોસ્તીની દુહાઈ આપી જ છે. ટ્રમ્પે દાવો કર્યો કે, મોદી મારા મિત્ર છે પણ વ્યાપારમાં આપણને બહુ મદદ કરતા નથી. અમેરિકાના માલ પર ભારતમાં ટૅરિફ વિશ્વમાં સૌથી વધારે છે તેથી અમેરિકાએ પણ ટૅરિફ લાદવા જ પડે એમ છે. ટ્રમ્પે આમ મોદીની ટીકા કરી છે પણ આડકતરી રીતે મોદીનાં વખાણ કરી નાખ્યા છે. ટ્રમ્પની વાતનો સાર એ છે કે, મોદી ધંધામાં ભાઈબંધી કરવામાં માનતા નથી ને દેશનાં હિતોને કોરાણે મૂકીને દોસ્તી નિભાવવામાં માનતા નથી.
ટ્રમ્પે ભારત પર ટૅરિફ લાદવા માટે જે કારણ આપ્યાં છે તેમાં રશિયા સાથે વ્યાપાર અને બ્રિક્સ બે મુખ્ય કારણ છે. ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકા વિરોધી દેશોના સમૂહ બ્રિક્સમાં ભારત સભ્ય છે અને બ્રિક્સના માધ્યમથી ભારત સહિતના દેશો ડૉલર પર હુમલો કરી રહ્યા છે એ ચલાવી ના લેવાય. ટ્રમ્પે પહેલાં પણ ધમકી આપી કે, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના બનેલું બ્રિક્સ જૂથ ડૉલરના વર્ચસ્વને ખતમ કરવા મથે છે પણ બ્રિક્સ નવી કરન્સી લાવશે તો બ્રિક્સના સભ્ય દેશો પર 10 ટકા ટૅરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે રશિયા સાથે વેપાર બદલ પહેલી વાર કોઈ દેશ પર દંડ લાદવાની જાહેરાત કરી છે. આ દંડની જાહેરાતથી ટ્રમ્પ ભલે રાજી થતા પણ વાસ્તવમાં આ જાહેરાત ટ્રમ્પની હતાશા દર્શાવે છે અને અમેરિકા પાંગળું થતું જાય છે તેનો પુરાવો પણ છે. ટ્રમ્પ મોટા ઉપાડે રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરાવવા નિકળેલા પણ છેવટે હારીને બેસી ગયા છે. પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ટ્રમ્પે યુક્રેન અને રશિયા યુદ્ધ લંબાયું તેના માટે ભારત અને ચીન પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. ટ્રમ્પનું કહેવું છે કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં લશ્કરી સાધનો ખરીદે છે અને ક્રૂડ ખરીદે છે તેથી યુદ્ધ લંબાઈ રહ્યું છે.
ટ્રમ્પે રશિયા યુક્રેનમાં હત્યાઓ કરી રહ્યું છે એવો આક્ષેપ કરીને દોષનો ટોપલો ભારત અને ચીન પર પણ ઢોળ્યો છે કેમ કે ભારત અને ચીન તેની પાસેથી સૌથી વધુ ક્રૂડ ખરીદી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પે એ બદલ ભારત પર ટૅરિફની સાથે દંડ પણ લાદ્યો છે પણ ચીન પર દંડ લાદવાની હિંમત ટ્રમ્પ બતાવી શક્યા નથી. એક જમાનામાં આખી દુનિયાને પોતાના ઈશારે નચાવતું અમેરિકા ચીન સામે કોઈ પગલાં લેતાં પણ ડરે તેનાથી મોટી પાંગળાપણાની નિશાની બીજી કઈ હોય?
ભારતે ટ્રમ્પની જાહેરાતો સામે સાવ ઠંડે કલેજે પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે, ભારત માટે દેશનાં હિતો સર્વોપરિ છે. ભારતે ટ્રમ્પ સાથે જીભાજોડીમાં ઉતરવાના બદલે અમેરિકાની નાલાયકીના કારણે પડનારા આર્થિક નુકસાનને કઈ રીતે સરભર કરી શકાય એ દિશામાં વિચારીને ભારતે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. આ અભિગમ યોગ્ય છે કેમ કે, આર્થિક રીતે અમેરિકા સામે ભારત ટક્કર લઈ શકે તેમ નથી. ટ્રમ્પ નાગાઈ પર ઉતરીને ભલે ભારતની મેથી મારી રહ્યા હોય પણ ભારતે ગમ ખાઈને પણ અમેરિકાને સહન કરવું પડે તેમ છે. ચીન સહિતના દેશોએ અમેરિકાના આર્થિક પ્રભુત્વને પડકાર્યું છે તેમાં બેમત નથી પણ હજુય અમેરિકા દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર છે અને સૌથી મોટું બજાર ધરાવે છે. આ સંજોગોમાં અમેરિકા સાથેના સંબંધો સાવ બગાડી શકાય તેમ નથી તેથી ભારતે ધીરે ધીરે બીજા વિકલ્પો વિચારવા પડે. ભારતે યુકે સાથે વેપાર કરાર સહિતનાં પગલાં ભરીને એ દિશામાં કામ કરવા જ માંડ્યું છે. ધીરે ધીરે તેનાં પરિણામ મળશે અને અમેરિકા પરની નિર્ભરતા ઓછી થશે. બીજા દેશો પણ ટ્રમ્પની દાદાગીરીથી થાકેલા છે અને ભારત પાસે મોટું બજાર છે તેથી એ દેશો પણ ભારતનાં અને પોતાનાં બંનેનાં હિતો સચવાય એ રીતે ભારત સાથે સહકાર કરશે જ.
જો કે ભારત માટે ટ્રમ્પના ટૅરિફ કે દંડ કરતાં વધારે ખતરનાક બાબત પાકિસ્તાન સાથેનું ઓઈલ ડીલ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે કે, અમે પાકિસ્તાન સાથે કરેલા સોદામાં અમેરિકા અને પાકિસ્તાન સંયુક્ત રીતે પાકિસ્તાનમાં વિશાળ ઓઈલ ભંડારનો વિકાસ કરશે. આ ભાગીદારી માટે એક ઓઈલ કંપનીની પસંદગી કરવામાં આવશે અને ભવિષ્યમાં કદાચ પાકિસ્તાન ભારતને પણ ઓઈલ વેચશે.
પહેલી નજરે આ એક બિઝનેસ ડીલ લાગે પણ આ ડીલ ભવિષ્યમાં ભારત માટે ખતરનાક સાબિત થાય. ભૂતકાળમાં અમેરિકાએ આ રીતે જ પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું ને ધીરે ધીરે બંનેનાં સંબંધો એ હદે ગાઢ બની ગયા કે, પાકિસ્તાનના દરેક પાપ સામે અમેરિકા આંખ આડા કાન જ નહોતું કરતું પણ તેનો બચાવ પણ કરતું. પાકિસ્તાનને અમેરિકાએ આર્થિક રીતે તાકાતવર બનાવ્યું અને હથિયારો આપીને લશ્કરી રીતે પણ તાકાતવર બનાવ્યું.
પાકિસ્તાન અત્યારે ચીનના ખોળામાં બેઠેલું છે. ટ્રમ્પ પાકિસ્તાનને ચીનના ખોળામાંથી ઉઠાડીને પોતાના ખોળામાં લેવા મથી રહ્યા છે તેથી ધીરે ધીરે તેને પટાવવા માટે બધું જ કરશે. અત્યારે સાવ ભિખારી હોવા છતાં પાકિસ્તાન ભારત સામે ઘૂરકિયાં કર્યા કરે છે તો અમેરિકાનું પીઠબળ હોય તો શું કરે એ કહેવાની જરૂર નથી. ભૂતકાળમાં આપણે આખું પિક્ચર જ જોઈ ચૂક્યા છીએ.
અમેરિકા અને પાકિસ્તાનની આ દોસ્તી સામે શું કરવું એ ભારતે વિચારવું જોઈએ. મોદીની મુત્સદીગીરીની અસલી કસોટી આ ઉપાયમાં છે.