એકસ્ટ્રા અફેરઃ નેપાળમાં લાંબા સમયથી ધૂંધવાટ હતો, ઓલીએ બહાનું આપ્યું

ભરત ભારદ્વાજ
ભારતના પાડોશી દેશ નેપાળમાં સોશ્યલ મીડિયા પર પ્રતિબંધને કારણે ભડકેલી હિંસાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા છે જ્યારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું ધરી દેતાં આખો દેશ અરાજકતા અને અંધાધૂધીમાં ગરક થઈ ગયો છે.
નેપાળ સરકારે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો તેના કારણે ભડકેલા યુવાનો રસ્તા પર આવીને તોફાને ચડ્યા પછી ઓલીએ તેમને કાબૂમાં લેવા કોશિશ કરેલી પણ લાખો યુવાનો સામે પોલીસ કે આર્મી પણ કશું કરી શકતી નહોતી. ઓલીએ યુવાનોને રોકવા માટે કાઠમંડુમાં કર્ફ્યુ લાદી દીધેલો પણ કર્ફ્યુની ઐસીતૈસી કરીને લોકો રસ્તા પર ઊતરી આવ્યા. તેના સમર્થનમાં દેશભરમાં દેખાવો ફાટી નીકળ્યાં. હજારો લોકોએ રાજધાની કાઠમંડુમાં ફેડરલ સંસદ ભવન પર હુમલો કરીને આગ ચાંપી દીધી ને એ આગની ઝાળ આખા કાઠમંડુને લાગી. કાઠમંડુની શેરીઓમાં કારો સળગાવીને આખા શહેરને ભડકે બાળ્યું.
લોકોનો આ આક્રોશ જોઈને ઓલી સમજી ગયા કે, હવે કશું થાય એમ નથી ને નેપાળમાં રહીશું તો જીવ પણ નહીં બચે એટલે નૌ-દો ગ્યારહ થઈ ગયા. નેપાળનું આર્મી ઓલીને હેલિકૉપ્ટર દ્વારા અજાણ્યા સ્થળે લઈ ગયું તેથી ઓલી સલામત છે, બાકી લોકોનો આક્રોશ જોતાં ઓલી નેપાળમાં હોત તો તેમનો તો ઘડોલાડવો જ થઈ ગયો હોત.
ઓલી તો સમયસૂચકતા બતાવીને ભાગી ગયા તેમાં બચી ગયા પણ નેપાળમાં રહી ગયેલા બીજા રાજકારણીઓની હાલત ખરાબ છે. લોકો ઓલી સરકારના મંત્રીઓને તો રસ્તા પર દોડાવી દોડાવીને ફટકારી જ રહ્યા છે પણ ભૂતપૂર્વ વડા પ્રધાનો સહિતના રાજકારણીઓનો પણ વારો પડી ગયો છે.
દેખાવકારોએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને ઘરમાં ઘૂસીને ફટકાર્યા ને ઘર સળગાવી દીધું. ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડનું ઘર પણ સળગાવી દેવાયું છે તો કોમ્યુનિકેશન મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગ અને ગૃહ મંત્રીનાં ખાનગી નિવાસસ્થાનોમાં પણ આગ લગાવીને લોકોએ સળગાવી દીધાં છે.
ઓલીનું પોતાનું ઘર પણ સળગાવી દેવાયું છે. ઓલી સરકારના નાણામંત્રી વિષ્ણુ પોડોલ કાઠમંડુમાં તેમના ઘર પાસે ભાગી રહ્યા હોય અને દેખાવકારો તેમને ફટકારી રહ્યા હોય તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. રાજધાની કાઠમંડુમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલાનાથ ખનાલના ઘરમાં આગ લગાડાઈ તેમાં ખનાલનાં પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકર અત્યંત ગંભીર રીતે દાઝી ગયાં છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.
તોફાનોના કારણે કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની બધી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. દેખાવકારોએ કાઠમંડુ પર તો કબજો કરી જ લીધો છે અને પોલીસ-આર્મી મૂક પ્રેક્ષક બનીને જોઈ રહેવા સિવાય કશું કરી શકે તેમ નથી પણ નેપાળના બીજા ભાગોમાં પણ હિંસા ફેલાયેલી જ છે.
સત્તાવાર રીતે જ આ હિંસામાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયાં છે અને 400થી વધુ લોકો ઘાયલ થયા છે તેના પરથી જ હિંસા કેટલી ભયંકર છે તેનો ખ્યાલ આવી જાય. પોલીસ અને આર્મી એ હદે લાચાર છે કે, દેખાવકારોથી ડરીને નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ રબી લામિછાનેને લલિતપુરની નાખુ જેલમાંથી છોડી મૂક્યા છે કેમ કે પોલીસ તેમની રક્ષાની જવાબદારી લેવા તૈયાર નથી.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેરઃ મોદીએ વચન પાળ્યું, હવે પૂરો લાભ લોકોને મળે એ જરૂરી…
પોલીસે 18 ઓક્ટોબર, 2024ના રોજ છેતરપિંડીના કેસમાં લામિછાનેની ધરપકડ કરી પછી એ જેલની હવા ખાતા હતા. તોફાનો ભડક્યાં પછી ગમે ત્યારે જેલ પર હલ્લાબોલ થાય એવો ખતરો લાગતાં જેલ સત્તાવાળાઓએ હાથ અધ્ધર કરીને કહી દીધું કે, લામિછાનેની સુરક્ષાની જવાબદારી લેવા અમે તૈયાર નથી. જેલના સત્તાવાળા પાણીમાં બેઠા પણ પરિવાર પાણીમાં ના બેસી શકે એટલે લામિછાનેનાં પત્ની નિકિતા પૌડેલે વ્યક્તિગત જવાબદારી લઈને જેલમાંથી બહાર કાઢ્યા પછી પોલીસને હાશકારો થયો છે.
નેપાળની હિંસાએ ભારતીયોને આંચકો આપ્યો છે પણ વાસ્તવમાં નેપાળમાં લાંબા સમયથી અશાંતિ હતી જ. ચીનના પીઠ્ઠુ ઓલીને સ્પષ્ટ બહુમતી નહોતી મળી તેથી શેર બહાદુર દેઉબાની નેપાળી કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. સવા વરસ પહેલાં એટલે કે જુલાઈ 2024થી ઓલી સરકાર ચલાવતા હતા ન સરકાર બની તેના થોડા મહિના પછી જ અસંતોષ શરૂ થઈ ગયેલો. તેનું કારણ મંત્રીઓનો બેફામ ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ છે.
ભારતની જેમ નેપાળમાં પણ રાજકારણીઓ પોતાનાં સગાંને આગળ કરે છે ને રાજકીય પક્ષો બાપીકી પેઢી બની ગઈ છે. ઓલીની સરકારના રાજમાં રોજગારી પેદા નહોતી થતી તેથી બેરોજગારોની ફોજ વધતી હતી. તેના કારણે પણ આક્રોશ વધી રહ્યો હતો.
બીજી તરફ રાજાશાહીના સમર્થકો પણ ફરી રાજાશાહી લાવવા માટે મેદાનમાં આવી ગયા હતા તેથી અંદરખાને જોરદાર ધૂંધવાટ હતો જ. આ આક્રોશ અને ધૂંધવાટ ખુલ્લેઆમ બહાર નહોતો આવતો પણ સોશ્યલ મીડિયા પર યુવાઓ વ્યક્ત કરતાં હતાં.
ઓલીને કુમતિ સુઝી એટલે તેમણે આક્રોશને દબાવી દેવા માટે સોશ્યલ મીડિયાને ફરજિયાત નોંધણી કરાવવાનો ફતવો બહાર પાડ્યો નેપાળ સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓને નવા નિયમો હેઠળ નોંધણી કરાવવા માટે સાત દિવસની મહેતલ આપેલી પણ મોટા ભાગની સોશ્યલ મીડિયા કંપનીઓ તેને ઘોળીને પી ગઈ એટલે ઓલી સરકારે ગુરુવારે મધ્યરાત્રિ થી મેટાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ, આલ્ફાબેટનું યુટ્યુબ, ચીનનું ટેન્સેન્ટ અને સ્નેપચેટ, પિન્ટરેસ્ટ અને એક્સ સહિતનાં સોશ્યલ મીડિયાને બ્લોક કરી દેવામાં આવ્યા.
સરકારના આ નિર્ણયના કારણે લોકોનો દબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો અને યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા તેમાં ઓલીએ ભાગવું પડ્યું. વરસો પહેલાં આરબ દેશોમાં આરબ સ્પ્રિંગ નામે આંધી ફેલાયેલી એવી સ્થિતિ નેપાળમાં થઈ ગઈ.
યુવાનોની સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ સામેનો આક્રોશ હવે પરિવર્તનના પવનમાં ફેરવાયો છે. યુવાનો હવે સોશ્યલ મીડિયાને મુક્ત કરવાની જ નહીં પણ રાજકીય પરિવર્તનની પણ માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે, . દેશના દરેક સ્તરે ફેલાયેલો ભ્રષ્ટાચાર સમાપ્ત થવો જોઈએ અને ભ્રષ્ટાચારી નેતાઓને પકડી પકડીને જેલમાં નાખવા જોઈએ. રાજકારણીઓનાં સગાં સામે તવાઈની માગ પણ થઈ રહી છે.
જનઆંદોલનને કારણે નેપાળ ભલે અરાજકતામાં ધકેલાયું પણ આ એક સારી નિશાની છે. કમ સે કમ આપણા પાડોશી દેશનાં લોકોનો આક્રોશ અન્યાય સામે ભડક્યો એ આશાવાદી વાત જ કહેવાય.
આ પણ વાંચો….એકસ્ટ્રા અફેરઃ રાજ્ય સરકારને મરાઠાઓને ઓબીસીમાં લેવાનો અધિકાર જ નથી