એકસ્ટ્રા અફેરઃ ભારતમાં નાગરિકતા માટે ચોક્કસ સિસ્ટમ જ નથી

ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને ભારતમાં મોટા પાયે બોગસ મતદારો નોંધીને ભાજપે સત્તા કબજે કરવાનો કારસો અમલી બનાવ્યો હોવાનો આક્ષેપ કરી તેણે ખાસ્સી ચકચાર જગાવી છે. રાહુલે આક્ષેપ કરેલો કે, હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં એક બ્રાઝિલિયન મોડેલે સીમા, સ્વીટી અને સરસ્વતી નામે 10 બૂથ પર 22 વાર મતદાન કર્યું હતું. બીજી એક મહિલાએ એક વિધાનસભા મતવિસ્તારમાં 100 વાર મતદાન કર્યું હતું અને આ રીતે હરિયાણામાં બોગસ 25 લાખ મતો નંખાવીને ભાજપ ફરી સત્તા કબજે કરવામાં સફળ થઈ ગયો હતો.
રાહુલ ગાંધીએ બ્રાઝિલિયન મોડેલનું નામ લીધું નહોતું પણ તેનું નામ લરીસા છે. લરીસાનો ફોટો લગાવીને મતદાર યાદીમાં બોગસ મતદારો ઊભા કરી દેવાયેલા એવો રાહુલનો આક્ષેપ છે. રાહુલે ચૂંટણી કમિશનરને પણ જૂઠા ગણાવ્યા છે. મતદાર યાદીમાં શૂન્ય ઘર નંબર હોય એ લોકો બેઘર હોય છે એવો કમિશનરે દાવો કરેલો પણ રાહુલના કહેવા પ્રમાણે, શૂન્ય ઘર નંબર બેઘર નહીં પણ બોગસ મતદારો સાથે જોડાયેલો છે.
રાહુલે પલવલ જિલ્લા પરિષદના ઉપપ્રમુખ એવા ભાજપના નેતા ઉમેશનું ઉદાહરણ પણ આપ્યું. ઉમેશના ઘર નંબર 150માં 66 મતદારો રહે છે, હોડાલમાં ઘર નંબર 265માં 501 મતદારો છે અને રાયમાં ઘર નંબર 1904માં 108 મતદારો રહે છે એવો આક્ષેપ કરીને રાહુલે દાવો કર્યો કે, હરિયાણાની જેમ બિહારમાં પણ ઓપરેશન “સરકાર ચોરી” ચાલી રહી છે અને બોગસ મતદારોના જોરે ભાજપ સરકાર બનાવવાની ફિરાકમાં છે.
રાહુલના આક્ષેપોની ચૂંટણી પંચ તપાસ કરવાનું નથી તેથી આક્ષેપોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ તેના કારણે એક મહત્ત્વના મુદ્દા તરફ લોકોનું ધ્યાન ગયું છે. ભારતમાં બોગસ મતદારો સહિતના જે પણ આક્ષેપો થાય છે તેનું મૂળ કારણ ભારતના નાગરિક હોવાનું સાબિત કરવા માટેની ચોક્કસ સિસ્ટમનો અભાવ છે. ભારતમાં નાગરિકતા જુદી જુદી રીતે મળે છે પણ મોટા ભાગના નાગરિકોને જન્મથી નાગરિકતા મળે છે.
ભારતના નાગરિકોના ઘરે જન્મનારું કોઈ પણ બાળક ભારતની નાગરિકતા માટે હકદાર છે. આ સિવાય વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોનાં સંતાનો વિદેશમાં જન્મ્યાં હોય તો પણ ભારતીય નાગરિક ગણાય છે. એ સિવાય રજિસ્ટ્રેશન કે નેચરલાઈઝેશન દ્વારા પણ નાગરિકતા મળે છે.
ભારતના સિટિઝનશીપ એક્ટ, 1955માં ભારતમાં ના જન્મી હોય એવી વ્યક્તિને નાગરિકતા મેળવવા માટેની લાયકાતો નક્કી કરાયેલી છે. આ લાયકાતો હોય તો રજિસ્ટ્રેશન કે નેચરલાઈઝેશનના રસ્તે ભારતની નાગરિકતા મેળવનારી વિદેશી વ્યક્તિએ અરજી કરવી પડે છે અને જરૂરી ધારાધોરણોનું પાલન થતું હોય તો તેમને ભારતની નાગરિકતા મળે છે.
નરેન્દ્ર મોદી સરકારે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, 2019 હેઠળ 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવનારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાનો કાયદો બનાવ્યો છે તેથી ભારતની નાગરિકતા મેળવવા માટેનો એક વધુ રસ્તો ખુલ્યો છે.
ભારતમાં નાગરિકતા મેળવવા માટેના નિયમો બનાવાયા છે પણ કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિક છે જ એવું સાબિત કરવા માટેનો સર્વમાન્ય કોઈ દસ્તાવેજ નથી. કોઈ વ્યક્તિ ભારતની નાગરિક છે એવું સાબિત કરવા માટે જન્મના દાખલાથી માંડીને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સુધીના દસ્તાવેજોને માન્યતા અપાયેલી છે, પણ કોઈ ચોક્કસ દસ્તાવેજ નથી, કોઈ કાર્ડ નથી.
ભારતની નાગરિકતા માટેના માન્યતાપ્રાપ્ત દસ્તાવેજોમાંથી કોઈ દસ્તાવેજ એવો નથી કે જે નકલી ના બનાવી શકાય. તમે ભારતમાં જ જન્મ્યા છો એવું સાબિત કરતું નકલી બર્થ સર્ટિફિકેટ બનાવી શકો ને પાસપોર્ટ સહિતનો બીજો ગમે તે દસ્તાવેજ બનાવી શકો છો, એ દસ્તાવેજના આધારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ સહિતના કોઈ પણ કાર્ડ કઢાવી શકો છો ને તેના આધારે દેશના નાગરિકોને મળતા બધા અધિકારો ભોગવી શકો છો, બધી સહાય મેળવી શકો છો.
ભારતમાં મતદાર બનવા 18 વર્ષથી વધુ ઉંમર અને ભારતના નાગરિક હોવાનો પુરાવો જોઈએ તેથી 18 વર્ષની થઈ હોય કે ના થઈ હોય એવી કોઈ પણ વ્યક્તિ પણ નકલી સર્ટિફિકેટના આધારે ભારતની મતદાર બની શકે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન, મહિલા ક્રિકેટરોની મહાન સિદ્ધિ
આપણે ખરી જરૂર આ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવાની છે અને દેશનું નાગરિકત્વ સાબિત કરતી એક સિસ્ટમ વિકસાવવાની છે. કોઈ વ્યક્તિ દેશની નાગરિક છે કે નહીં એ સાબિત કરવા માટે કોઈ કાર્ડ હોવું જોઈએ કે કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ. આ કાર્ડ કે સર્ટિફિકેટ હોય તે જ દેશનો નાગરિક ગણાય ને તેને જ મતદાર તરીકેનો અધિકાર મળે.
બીજાં બધાં સર્ટિફિકેટ કે કાર્ડ સિટિઝન કાર્ડ કે સર્ટિફિકેટ સાથે જોડી દેવાય તો એ વ્યક્તિની આખી કરમ કુંડળી એક જ ઠેકાણે મળી જાય. આ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં બે ઠેકાણે હશે તો પણ તરત ખબર પડી જશે તેથી કોઈ લોચાલબાચા જ નહીં થાય.
કમનસીબી એ છે કે, ભારતમાં અત્યાર સુધી કોઈ સરકારને આવી સિસ્ટમ બનાવવાનું સૂઝ્યું જ નથી. સૂઝ્યું નહીં તેનું કારણ સૂઝનો અભાવ નહીં હોય પણ મતદાર યાદીમાં ગરબડ ગોટાળાના કારણે થતો રાજકીય ફાયદો હશે. કૉંગ્રેસના પગ તળે અત્યારે રેલો આવ્યો છે એટલે કૉંગ્રેસ બોગસ મતદારોની પારાયણ માંડીને બેસી ગઈ છે, પણ ભૂતકાળમાં કૉંગ્રેસે પણ આ સમસ્યાનો કાયમી ઉકેલવા કશું ના કર્યું એ વાસ્તવિકતા છે.
કૉંગ્રેસના એકચક્રી શાસનના દિવસો વખતે કૉંગ્રેસે ઘણાં રાજ્યોમાં વિદેશી ઘૂસણખોરોનાં નામ મતદાર યાદીમાં ઘૂસાડી દીધેલાં એવા આક્ષેપો થાય જ છે એ જોતાં કૉંગ્રેસ પણ દૂધે ધોયેલી નથી જ. ખેર, કોણે શું કર્યું એની વાતો કોઠીમાંથી કાદવ કાઢવા સિવાય બીજું કંઈ નથી તેથી એ વાત બાજુ પર મૂકીએ, પણ હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને આ ક્વાયત કરાય તો પણ ઘણું છે.
મોદી સરકારે થોડાં વરસો પહેલાં સિટીઝન ચાર્ટરનો ઉપાડો લીધેલો પણ તેની સામે રાજકીય વિરોધ થતાં પછી આખી વાત અભરાઈ પર ચડાવી દેવાયેલી. મોદી સરકારે સિટીઝન ચાર્ટરનો અમલ કરીને દેશના નાગરિકોનો રેકોર્ડ રાખવો જ જોઈએ કે જેથી દેશના સાચા નાગરિકો કોણ છે અને ગરબડ કરીને કોણ નાગરિક બન્યા છે તેની ખબર પડશે. તેના કારણે મતદાર નોંધણીની પ્રક્રિયા પણ સરળ બનશે કેમ કે દેશમાં જન્મેલી છોકરી હોય કે છોકરો, 18 વર્ષનાં થતાં જ આપોઆપ નાગરિક બની જશે.
બીજી રીતે નાગરિકતા મેળવનારાંનો રેકોર્ડ પણ ચાર્ટરમાં હશે જ તેથી ક્યા વિદેશી ખોટી રીતે મતદાર બની ગયા છે એ શોધવા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન જેવાં તૂત કરીને સરકારી નાણાંનો ધુમાડો નહીં કરવા પડે ને મતદાર યાદીઓની વિશ્વસનીયતા પણ જળવાશે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ

