એકસ્ટ્રા અફેર: સાંસદો પાસેથી વસૂલાતની વાત સાચી પણ અમલ કરે કોણ?

ભરત ભારદ્વાજ
ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ પોતાને પ્રજાના બાપ માને છે. પ્રજા તરફ પોતાની કોઈ જવાબદારી છે, દેશ તરફ પોતાની કોઈ ફરજ છે એવી તેમની માનસિકતા જ નથી. આ માહોલમાં કોઈ રાજકારણી થોડીક સમજદારીભરી વાત કરે તો પણ આનંદ થઈ જાય છે ને ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે એવો જ ક્ષણિક આનંદ કરાવી દીધો. ઉમેશ પટેલે સંસદની કાર્યવાહી વારંવાર ઠપ્પ થઈ જાય છે તેના વિરોધમાં બેનર સાથે દેખાવ કરીને માંગ કરી છે કે, સંસદની કાર્યવાહી ના ચાલી તેના કારણે દેશની તિજોરી પર પડેલો બોજ સાંસદોના પગારમાંથી વસૂલવો જોઈએ.
‘માફી માગો, શાસક પક્ષ અને વિપક્ષ માફી માગે’ એવું બેનર લઈને આવેલા ઉમેશ પટેલની માગ છે કે, સંસદની કાર્યવાહી ના ચાલે ત્યારે સાંસદોને પગાર અને અન્ય લાભો ન આપવા જોઈએ. ઉમેસ પટેલે તો ધરમના કામમાં ઢીલ નહીં એણ સમજીને આ સત્રથી જ આ વાતનો અમલ કરવાના શ્રીગણેશ કરવાની માગ કરીને એમ પણ કહ્યું કે, આ સત્ર માટે ગૃહની કાર્યવાહીનો જે પણ ખર્ચ થયો હોય એ પણ સાંસદોના ખિસ્સામાંથી વસૂલ થવો જોઈએ. કેમ કે સંસદ ચાલી જ નથી તો પછી તેની પાછળ થયેલા ખર્ચનો બોજ પ્રજા પર ના નાખી શકાય.
પટેલની વાત સો ટકા સાચી છે કેમ કે આપણે ત્યાં સંસદની કાર્યવાહી તમાશારૂપ ને ફારસરૂપ જ બની ગઈ છે. સાવ ફાલતુ મુદ્દે વિરોધ કરીને સંસદની કાર્યવાહી ઠપ્પ કરી દેવાની ફેશન થઈ ગઈ છે. આપણે બહુ જૂની વાતો ના કરીએ ને ચોમાસુ સત્રની જ વાત કરીશું તો આ વાત સમજાશે. આ વખતે લોકસભામાં ચર્ચા માટે 120 કલાક ફાળવવામાં આવ્યા હતા પણ ફક્ત 37 કલાકની ચર્ચા થઈ. આ ચર્ચામાં મોટો સમય તો ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ગયો એ જોતાં ખરેખર કશું થયું જ નથી.
સંસદમાં દરેક મિનિટે લગભગ અઢી લાખ રૂપિયાનો અને દરેક કલાકે લગભગ રૂપિયા દોઢ કરોડનો ખર્ચ થાય છે. આખો દિવસ સંસદની કામગીરી ચાલે તો અંદાજે રૂપિયા 9 કરોડ સુધીનો ખર્ચ થઈ શકે છે. સંસદ ભવનની લાઇટ, પાણી, ઇમારતનું જતન, જેમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, લાઇટ્સ, મરામત, સીસીટીવી કેમેરા વગેરે એવા ખર્સુચ છે કે જે બારે મહિના ચાલુ હોય છે. સંસદની સુરક્ષા માટે સીઆરપીએફ અને દિલ્હી પોલીસ તૈનાત હોય છે તેમનો ખર્ચ પણ બારે મહિના ભોગવવો પડે છે. સંસદમાં કામ કરતા કર્મચારીઓના પગાર, પેટ્રોલ, ખોરાક વગેરે કાયમી ખર્ચમાં આવે છે.
આ ખર્ચા એટલે કરાય છે કે જેથી સંસદ બારે મહિના ચાલ્યા કરે પણ સાંસદોની આડોડાઈના કારણે સંસદ ચાલતી નથી. શરમજનક વાત એ છે કે, સંસદ ના ચાલે તો પણ સાંસદો પગાર, ભથ્થાં વગેરે લે જ છે. સંસદની કાર્યવાહીમાં ભાગ લેતા સાંસદોને દરરોજનું ભથ્થું અપાય છે એ પણ ઓહિયાં કરી જાય છે. દરેક સાંસદ પાછળ સરકારી ખજાનામાંથી પ્રતિ વર્ષ 43 લાખ ખર્ચ થાય છે પણ સાંસદો એ રકમ લીધા પછી પ્રજા માટે કામ કરવાના બદલે ફાલતુ મુદ્દા જ ઉઠાવે છે ને સંસદની કાર્યવાહી ઠપ્પ કરવામાં બહાદુરી સમજે છે.
આપણા સાંસદો કેવા સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દે સંસદની કાર્યવાહી રોકી દે છે તેનું એક ઉદાહરણ જોવા જેવું છે. ગયા વરસે ડિસેમ્બરમાં રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી 500 રૂપિયાની 100 નોટોનું એક બંડલ મળ્યું હતું. આ માત્ર 50 હજાર રૂપિયાની રકમના મુદ્દે સત્તાધારી અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા તેમાં ત્રણ દિવસ લગી સંસદની કાર્યવાહી નહોતી ચાલી.
અત્યારે મિસ્ટર ઈન્ડિયા થઈ ગયેલા જગદીપ ધનખડ ત્યારે રાજ્યસભાના ચેરપર્સન હતા. ધનખડે તપાસના આદેશ પણ આપ્યા હતા. સિંઘવી તેની સામે તલવાર તાણીને મેદાનમાં આવી ગયેલા. સિંઘવીએ આ બંડલ પોતાનું નથી એવો દાવો કરીને કહેલું કે, હું તો 500 રૂપિયાની એક જ નોટ લઇને આવું છું તેથી મારું નામ લેવાની જરૂર નથી.
મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષના સાસંદોએ સિંઘવીની વાતમાં સૂર પુરાવીને ધમાધમી કરી નાખેલી. તેમનું કહેવું હતું કે, સિંઘવીનું નામ જાહેર કરીને ધનખડ વિપક્ષી સાંસદોની બદનામી કરી રહ્યા છે અને તપાસ પૂરી ના થાય ત્યાં સુધી ધનખડે સિંઘવીનું નામ લેવાની જરૂર નહોતી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…
ભાજપના સાંસદો ધનખડની વહારે આવ્યા તેમાં ઘમાસાણ થઈ ગયેલું. શરમજનક વાત પાછી એ છે કે, સિંઘવીની બેઠક પર પાંચસોનું બંડલ કોણ મૂકી ગયું તેની તો ખબર જ ના પડી. રાજ્યસભામાં કરોડોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાયા છે પણ 8 મહિના પછી પણ ક્યો મોરલો કળા કરી ગયો તેની તો ખબર જ નથી પડી.
ભૂતકાળમાં આના કરતાં પણ વધારે ફાલતુ મુદ્દે સંસદની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હોય એવું બન્યું છે. એ બધી વાતો માંડીશું તો કોઠી ધોઈને કાદવ કાઢવા સિવાય કશું કરવાનું નથી. આપણા સાંસદો લોકશાહીને નામે કેવા તાયફા કરે છે તેની વાતો કરવા બેસીશું તો આપણી જ આબરૂનો ફજેતો થશે ને સામાન્ય પ્રજાજનોને લોહીઉકાળા સિવાય કંઈ મળવાનું નથી.
આપણા સાંસદો સુધરવાના નથી કેમ કે ભારતમાં લોકશાહીના નામે ગમે તે આલિયો, માલિયો, જમાલિયો ચૂંટાઈને સંસદમાં કે વિધાનસભામાં બેસી જાય એવી વ્યવસ્થા કરાઈ પણ તેમની જવાબદારીઓ નક્કી કરાઈ નથી. સંસદસભ્ય કે વિધાનસભ્ય બન્યા પછી ફરજિયાત કેટલા દિવસ પોતાના મતવિસ્તારમાં ગાળીને લોકોની સમસ્યાઓ ઉકેલવી, કેટલા દિવસ સંસદમાં બેસીને દેશની સમસ્યાઓની ચર્ચા કરવી કે પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવવા સહિતની જનપ્રતિનિધિ માટેની મૂળભૂત બાબતો અંગેના પણ કોઈ નિયમો નથી.
સાંસદો કે ધારાસભ્યોને કેટલો પગાર મળે. કેટલાં ભથ્થાં મળે, બીજી કઈ કઈ સગવડો મળે એ બધું નક્કી છે પણ તેમણે સરકારની તિજોરીમાંથી રૂપિયા લેવાના બદલામાં શું શું કરવાનું તેને લગતા કોઈ નિયમો નથી. આ નિયમો બને એવી શક્યતા પણ નથી ને બીજી તરફ આપણા રાજકારણીઓ સુધરે, પ્રજાહિતને સર્વોપરી માનીને વર્તે એવી તો જરાય આશા નથી.
આ દેશની પ્રજા પણ એ હદે માયકાંગલી અને નિર્માલ્ય થઈ ગઈ છે કે પોતે જેને મત આપીને ચૂંટ્યો છે એ નમૂનો દિલ્હીમાં કે પોતાના રાજ્યની રાજધાનીમાં જઈને શું ઉકાળે છે એ અંગે સવાલ કરવાની હિંમત પણ નથી બતાવતી. સાંસદ અને ધારાસભ્ય પ્રજાને જવાબ આપવા બંધાયેલો છે એ કલ્ચર જ આપણે ત્યાં નથી. પ્રજા સુધ્ધાં સાંસદ કે ધારાસભ્યને સવાલ કરવાની નૈતિક હિંમત ના બતાવી શકતી હોય એ દેશમાં બળાપા કાઢવા સિવાય બીજું કશું ના થાય.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ચૂંટણી પંચે રાહુલના ગંભીર આક્ષેપોના જવાબ તો આપ્યા જ નહીં