તાજના સ્થાને મંદિર હતું એ વાત મોદી સરકાર નકારી ચૂકી છે

- એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં કોઈ પણ મુદ્દાને હિંદુ વર્સિસ મુસ્લિમનો રંગ આપી દેવાની ફેશન ચાલી રહી છે અને આ ફેશનના કારણે પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’નું મોશન પોસ્ટર રિલીઝ થતાં જ વિવાદ ઊભો થઈ ગયો છે. પરેશ રાવલે પોતે સોશ્યલ મીડિયા પર મૂકેલા પોસ્ટરમાં તાજમહેલમાંથી ભગવાન શિવ નીકળતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથેની બીજી પોસ્ટમાં એવું લખાણ પણ છે કે, તમને જે ભણાવાયું એ સાવ ખોટું નિકળે તો? સત્ય માત્ર છુપાવાયું નથી પણ તેનો ન્યાય પણ કરાઈ રહ્યો છે. બીજી એક પોસ્ટમાં લખાયું છે કે, તાજમહેલ ખરેખર શાહજહાંએ બનાવડાવ્યો હતો? કે પછી ?
‘ધ તાજ સ્ટોરી’ 31 ઓક્ટોબરે રિલીઝ થાય એ પહેલાં માહોલ જમાવવા માટે રિલીઝ કરાયેલાં પોસ્ટરનાં કારણે સોશ્યલ મીડિયા પર બબાલ મચી ગઈ છે. યુઝર્સનો એક ચોક્કસ વર્ગ આ ફિલ્મને તાજ મહેલને ‘તેજો મહાલય’ ગણાવવાનો પ્રોપગેન્ડા ધરાવતી ફિલ્મ ગણાવી રહ્યા છે અને પરેશ રાવલ દેશમાં અશાંતિ ફેલાવનાવા મથી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સોશ્યલ મીડિયા પર વિવાદના પગલે પરેશ રાવલે સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ કોઈ પણ ધાર્મિક બાબત સાથે સંબંધિત નથી કે તાજમહેલની અંદર શિવ મંદિર હોવાનો દાવો પણ કરતી નથી. આ ફિલ્મ માત્ર ઐતિહાસિક તથ્યો પર છે તેથી ફિલ્મ જોયા પછી જ તમારો અભિપ્રાય આપો. પરેશ રાવલની સ્પષ્ટતા પછી પણ યુઝર્સ સતત તેમને ટ્રોલ કરી રહ્યા છે તેથી સોશિયલ મીડિયા પર બબાલ ચાલુ છે.
સોશ્યલ મીડિયા પરની બબાલ એ વાતનો પુરાવો છે કે, ભારતીયોમાં પરિપક્વતા નથી અને મનોરંજન તથા ઈતિહાસ વચ્ચેની ભેદરેખાને સમજવાની ક્ષમતા જ નથી. ઈતિહાસ અલગ વાત છે અને ફિલ્મ અલગ બાબત છે એ જ સમજવાની બુદ્ધિ મોટા ભાગનાં લોકોમાં નથી. ફિલ્મ મનોરંજન માટે બનાવાય છે, કમાણી કરવા માટે બનાવાય છે તેથી તેમાં બતાવાતી વાતોને ગંભીરતાથી ના લેવાની હોય. તેમાં વ્યક્ત કરાતા વિચારો પણ મોટા ભાગે બહુમતી દર્શકોને ખુશ કરવા માટેના હોય છે તેથી તેને પણ બિઝનેસ ટ્રિકથી વધારે કંઈ માનવાની જરૂર નથી હોતી પણ આપણે ત્યાં લોકો ફિલ્મોમાં બતાવાયેલ વાતો બ્રહ્મવાક્ય હોય એ રીતે વર્તે છે તેમાં બબાલ થઈ જાય છે.
પરેશ રાવલ પર પ્રોપેગેન્ડાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ આક્ષેપ સાચો હોઈ શકે પણ આ પ્રોપેગેન્ડા નરેન્દ્ર મોદી સરકારનો નથી એ સ્પષ્ટ છે. આ પ્રકારનો પ્રોપેગેન્ડા ચલાવવાના પ્રયાસો પહેલાં પણ થયેલા પણ સફળ થયા નથી કેમ કે તાજ મહલના સ્થાને પહેલાં શિવ મંદિર હતું એ વાતને બહુમતી ઈતિહાસકારો નકારી ચૂક્યા છે. ઇતિહાસકાર પી.એન. ઓકે 1989માં દાવો કર્યો હતો કે, તાજમહેલ પહેલાં તેજોમહાલયના નામે એક હિન્દુ મંદિર હતું. મોટા ભાગના ઈતિહાસકારો આ વાતને સ્વીકારતા નથી પણ ભાજપનો ચુસ્ત હિંદુવાદી વર્ગ વરસોથી આ વિવાદ ચગાવવા મથે છે કેમ કે તેના કારણે હિંદુઓમાં ઉન્માદ પેદા કરીને રાજકીય ફાયદો મેળવી શકાશે એવું તેમને લાગે છે.
આગ્રા નોર્થ વિધાનસભા બેઠક પરથી ચાર વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના જગન પ્રસાદ ગર્ગે પહેલી વાર ધારાસભ્યપદે ચૂંટાયા ત્યારથી આગ્રાનું નામ બદલીને અગ્રબન કરવાનો ઉપાડો લીધેલો ને સરકારને કાગળ પર કાગળ લખીને આ વાત યાદ કરાવ્યા કરતા હતા, ગર્ગ એવું પણ માનતા હતા કે, તાજમહેલ પહેલાં તેજો મહાલય નામે શિવમંદિર હતું. આ શિવમંદિર તોડીને શાહજહાંએ પોતાની બેગમ મુતાઝ મહલ માટે કબર બનાવેલી કે જે તાજમહેલ તરીકે જાણીતી થઈ.
ગર્ગની વાતને ઉત્તર પ્રદેશના કોઈ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી નહોતી પણ યોગી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ગર્ગની વાતને ગંભીરતાથી લઈને આગ્રાનું નામ બદલવાની જાહેરાત કરેલી. યોગીએ આગ્રાની ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના સંશોધકોની એક કમિટી બનાવી હતી. આ કમિટી 2017માં આગ્રાનું જૂનું નામ શું હતું તે શોધવા ધંધે લાગેલ પણ પછી આખી વાત ભૂલાઈ ગઈ કેમ કે મોદી સરકાર આ બધાં તૂતની વિરુદ્ધ છે.
યોગી સરકારે આગ્રાનું નામ બદલવા ક્વાયત શરૂ કરી તેનાથી હિંદુ કટ્ટરવાદીઓ ઝૂમી ઉઠ્યા તેથી પોરસાઈને યોગી સરકારે 2017માં તાજમહેલને રાજ્યની પ્રવાસનને લગતી બુકલેટમાંથી દૂર કરી દીધેલું. તેના કારણે દેકારો મચ્યો પછી ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીત સોમે જાહેર કરેલું કે, તાજમહેલ બનાવનારા શાહજહાંએ સગા બાપને જેલમાં નાંખેલો ને હિંદુઓને સાફ કરી દેવા માગતો હતો. તાજમહેલ આવા ગદ્દારોએ બનાવેલો તેથી તાજમહેલ તો ભારતીય સંસ્કૃતિ પર કલંક છે. શાહજહાં જેવા લોકો આપણા ઈતિહાસનો હિસ્સો હોય તો અમે એ ઈતિહાસ બદલી નાખીશું.
સોમના તાજમહેલ વિશેના લવારાએ હલચલ મચાવી દીધી હતી. તેનો લાભ લઈને એક સમયે બજરંગ દળના પ્રમુખ ને ભાજપના સાંસદ વિનય કટિયારે ફરી જૂનો તુક્કો વહેતો કરી દીધેલો કે, તાજમહેલ મૂળ તો શિવ મહાલય નામે હિંદુઓનું મંદિર હતું પણ મોગલોએ તેને તોડીને તાજ મહલ બનાવી દીધો તેથી તાજમહેલ તોડીને ત્યાં ફરીથી મંદિર બનાવી દેવું જોઈએ. જે જગાએ શિવલિંગ ઊભું હતું ત્યાં જ મકબરો બનાવાયો છે ને તાજમહેલમાં હિંદુ મંદિરનાં બધાં લક્ષણો છે જ.
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને તાજમહેલની જગાએ મંદિર હતું તે વાતને નકારી કાઢી હતી. મોદીએ પોતે તાજમહેલને ભારતનો સાંસ્કૃતિક વારસો ગણાવીને ચોખ્ખા શબ્દોમાં કહેલું કે, કોઈ પણ દેશ પોતાના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ હોવું જ જોઈએ ને જે દેશ પોતાના ઈતિહાસ કે સાંસ્કૃતિક વારસાનું ગૌરવ ના ધરાવતો હોય એ આગળ વધી જ ના શકે. જેમને પોતાના ઈતિહાસ ને સાંસ્કૃતિક વારસાનું ગૌરવન ના હોય એ લોકો પતી જતા હોય છે. મોદી સરકારનું આ સત્તાવાર વલણ છે તેથી તાજમહેલના સ્થાને પહેલાં મંદિર હતું એવો પ્રોપેગેન્ડા મોદી સરકારના ઈશારે ચલાવાય છે એવો આક્ષેપ કરી શકાય એમ જ નથી.
પ્રોપેગેન્ડાની વાતો કરનારા એક મહત્ત્વની વાત એ પણ ભૂલી જાય છે કે, આ દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે તેથી કોઈને પણ પોતાના વિચારો લોકો સામે મૂકવાનો અધિકાર છે. ‘ધ તાજ સ્ટોરી’ના સર્જકોને પણ એ અધિકાર છે પમ આ પ્રોપેગેન્ડા લોકો સ્વીકારે એ જરૂરી નથી. ધ કાશ્મીર ફાઈલ્સને વધાવનારા લોકોએ એ જ વિવેક અગ્નિહોત્રીની ધ બેંગાલ ફાઈલ્સની શું દશા કરી એ નજર સામે જ છે ને ?
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: નકવીના હાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના જ લેવી જોઈએ