એકસ્ટ્રા અફેર: કોલકાતામાં ટીમ ઈન્ડિયાનું ધોળકું, શરમજનક હાર નવી વાત નથી

ભરત ભારદ્વાજ
કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ હારીને ભારતીય ક્રિકેટ ટીમે પોતાના નામે વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરી દીધું. લો સ્કોરિંગ મેચમાં ભારતે ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 124 રન જ કરવાના હતા પણ ટીમ ઈન્ડિયા 124 રનનો ટાર્ગેટ પણ ચેઝ ના કરી શકી અને 93 રન જ બનાવી શકતાં 30 રને હારી ગઈ.
આ શરમજનક હાર માટે માત્ર ને માત્ર આપણા કહેવાતા ધુરંધર બેટ્સમેન જવાબદાર છે એ કહેવાની જરૂર નથી. ભારતીય બોલરોએ મેચના પહેલા જ દિવસે આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરીને ભારત માટે જીતની તક ઊભી કરી નાંખેલી પણ આપણા બેટ્સમેન પહેલી ઈનિંગમાં પણ સાવ ખરાબ રમ્યા તેમાં આખી ટીમનું માત્ર 189 રનમાં ફીંડલું વળી ગયેલું.
આપણા બોલરોએ આફ્રિકાને બીજી ઈનિંગમાં પણ 153 રનમાં સમેટીને ફરી જીતની તક ઉભી કરી નાંખેલી. 124 રનનો ટાર્ગેટ કંઈ જ ના કહેવાય. ગમે તેવી ખરાબ પિચ પર પણ થોડોક ટેમ્પરામેન્ટ બતાવીને રમો તો 124 રન તો કરી જ શકાય પણ આપણા ખેલાડી એ પણ ના કરી શક્યા.
કેપ્ટન શુભમન ગિલ દિવસ પહેલાં ગરદનમાં દુખાવાને કારણે રિટાયર હર્ટ થયો હતો. તેથી બેટિંગ કરવા નહોતો આવ્યો એટલે ભારતની 9 વિકેટો જ પડી પણ એ બહુ મહત્ત્વનું નથી. શુભમન ગિલને બાદ કરતાં બાકીના 10 બેટ્સમેન 124 રન પણ ના કરી શક્યા એ શરમજનક કહેવાય. વધારે શરમજનક વાત પાછી એ છે કે, ટીમ ઈન્ડિયાએ કરેલા 93 રનમાંથી 75 રન તો ત્રણ બોલરોના છે.
વોશિંગ્ટન સુંદરે હાઈએસ્ટ 31 રન કર્યા જ્યારે અક્ષર પટેલે 26 અને રવિન્દ્ર જાડેજાએ 18 રન કર્યા. આ ત્રણેના રન બાદ કરો તો બાકીના 7 બેટ્સમેને મળીને 18 રન કર્યા. તેમાંથી કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ તો બોલર છે અને તેમણે બંને દાવમાં આફ્રિકાને સસ્તામાં આઉટ કરીને પહેલાં જ પોતાનું કામ કરી નાંખેલું તેથી તેમની પાસેથી અપેક્ષા નહોતી. જે કરવાનું હતું એ ટોપ ઓર્ડર બેટ્સમેને કરવાનું હતું પણ આપણા ટોપ ઓર્ડર બેટ્સમેન સાવ પાણીમાં બેઠા તેમાં શરમજનક હાર આપણા નામે લખાઈ ગઈ.
ટોપ ઓર્ડર બેટ્સમેનમાંથી શુભમન ગિલ તો બેટિંગમાં ઉતર્યો નહોતો પણ જે બેટિંગમાં આવેલા તેમણે સાવ ધોળકું ધોળ્યું. આપણા ટોપ ઓર્ડર બેટ્સમેનમાંથી માત્ર ધ્રુવ જુરેલ બે આંકડે પહોંચ્યો પણ તેની બેટિંગ પણ બહુ વખાણવા જેવી નથી કેમ કે જુરેલે પણ ગણીને 13 રન જ કર્યા છે.
બાકીના બેટ્સમેનમાંથી ઓપનર યશસ્વી જયસ્વાલ ઝીરોમાં ઉડ્યો જ્યારે કે.એલ. રાહુલે બે રન કર્યા. રીષભ પંતે પણ ગણીને 2 રન કરતાં વખાણેલી ખિચડી દાંતે વળગી જેવો ઘાટ થયો. પંત ટીમમાં પાછો ફર્યો એટલે બેટિંગ મજબૂત બની એવા ફડાકા મરાતા હતા પણ પંત જ સાવ પાણીમાં બેસી ગયો.
આપણા ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેને 10-10 રન પણ કર્યા હોત તો આપણે ઓકાશિયાં મારીને પણ 124 રનના સ્કોરે પહોંચી ગયા હોત પણ એક પણ બેટસમેન વિકેટ પર ઊભા રહેવાનો ટેમ્પરામેન્ટ ના બતાવી શક્યો તેમાં 15 વર્ષ પછી ભારત દક્ષિણ આફ્રિકા સામે ભારતની ધરતી પર ટેસ્ટ હાર્યું છે. છેલ્લે 2010માં ગ્રીમ સ્મિથની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાની ટીમે આપણને નાગપુરમાં હરાવેલા. એ પછી ભારતની ધરતી પર આફ્રિકા સામે આપણે અજેય હતા પણ એ રેકોર્ડ પણ તૂટી ગયો.
વધારે આઘાત એ જોઈને લાગે કે, આફ્રિકા પાસે એવા ભારતને ભૂ પિવડાવી શકે એવા કોઈ જબરદસ્ત બોલરો નથી. ભારતની હારમાં સૌથી મહત્ત્વની ભૂમિકા સાયમન હાર્મરે ભજવી છે. સાયમન હાર્મરે બંને ઈનિંગમાં 4-4 મળીને મેચમાં કુલ 8 વિકેટ લીધી પણ હાર્મરે વિકેટ લીધી એવું કહેવા કરતાં આપણા બેટ્સમેને તેને વિકેટો આપી એમ કહેવું વધારે યોગ્ય છે કેમ કે આપણા બેટ્સમેન હીરો બનવાની લહાયમાં ખોટા શોટ ફટકારીને આઉટ થયા. બાકી હાર્મર કે બીજા કોઈ પણ સાઉથ આફ્રિકન બોલરની બોલિંગ રમી ના શકાય એવી કાતિલ નહોતી જ.
ભારતને જીતવા માટે 50-50 રનની બે પાર્ટનરશિપની જ જરૂર હતી પણ આપણી હાઈએસ્ટ પાર્ટનરશિપ જ 31 રનની થઈ. દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ વખતે કેપ્ટન ટેમ્બા બાવુમાએ જબરદસ્ત સંયમનો પરચો આપીને 136 બોલનો સામનો કરીને 55 રન કરેલા. બાવુમા કેપ્ટનને છાજે એ રીતે ત્રણ કલાક ઊભો રહીને મરદની જેમ લડેલો. તેના કારણે જ આફ્રિકાની ટીમ ભારતને 124 રનનો પડકાર આપી શકેલી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે એવો ટેમ્પરામેન્ટ બતાવ્યો પણ બીજા કોઈ ખેલાડી તેને સાથ ના આપી શક્યા તેમાં હારી ગયા.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ નિઠારીકાંડમાં કોલી પણ મુક્ત, ન્યાયની વાતો સાવ બોદી
ભારત પહેલાં પણ આ રીતે ચોથી ઈનિંગમાં સાવ ઓછો સ્કોર ચેઝ ના કરી શકતાં હારેલું છે તેથી આ હાર નવી નવાઈની નથી. સચિન તેંડુલકર સહિતના ધુરંધરો ધરાવતી ટીમ ઈન્ડિયા 1997માં બ્રિજટાઉનમાં આ રીતે જ વેસ્ટ ઈન્ડિઝ સામે 81 રનમાં ઓલઆઉટ થઈને શરમજનક રીતે હારી જ હતી. એ વખતે જીતવા માટે 120 રન જ કરવાના હતા પણ આપણી ટીમ નહોતી કરી શકી.
1977માં ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયા માત્ર 83 રનમાં ખખડેલી ને આ ત્રીજી વાર સો કરતાં ઓછો સ્કોર કર્યો છે. ચોથી ઈનિંગમાં તો ચેઝનું દબાણ હોય પણ આપણી ટીમ એ સિવાય પણ શરમજનક રીતે ઓલઆઉટ થઈ જ છે. છેલ્લાં પાંચ વર્ષમાં જ બે વાર ટીમ ઈન્ડિયા બે વાર 50 રનથી પણ ઓછા સ્કોરમાં ઓલઆઉટ થયેલી જ છે.
2020માં એડીલેઈડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીની ટીમ માત્ર 36 રનમાં ખખડી ગયેલી ને એક પણ ખેલાડી બે આંકડે નહોતો પહોંચ્યો. ગયા વરસે ન્યૂ ઝીલેન્ડ સામે બેંગલૂરુમાં રોહિત શર્માની ટીમ 46 રનમાં ઓલઆઉટ થયેલી ને તેમાંથી 33 રન રીષભ પંત અને યશસ્વી જયસ્વાલે કરેલા.
ભૂતકાળમાં ટીમ ઈન્ડિયાએ ઘણી વાર આવો શરમજનક ધબડકો કરીને ઈજજતનો કચરો કરેલો જ છે તેથી શુભમન ગિલની ટીમ સાવ તળિયે નથી જ પણ આ ઘા તાજો છે તેથી વધારે બળતરા કરાવે છે. ભૂતકાળમાં થયેલું તેને આપણે ભૂલી ગયેલા પણ આ હારે ભૂતકાળને પણ તાજો કરી દીધો તેની બળતરા પણ તેમાં ઉમેરાઈ છે એટલે આ હાર વધારે આકરી લાગે છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ બિહારમાં ભાજપ નીતીશને કોરાણે મૂકીને સરકાર રચી શકે


