એકસ્ટ્રા અફેરઃ રખડતાં કૂતરાં મુદ્દે સુપ્રીમનો આદેશ જરાય વ્યવહારુ નથી

- ભરત ભારદ્વાજ
ભારતમાં ક્યારે ક્યો મુદ્દો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે એ નક્કી નહીં ને અત્યારે શેરીઓમાં રખડતાં કૂતરાને મુદ્દે એવું જ થયું છે. દિલ્હીમાં રખડતાં કૂતરાં લોકો પર હુમલા કરે છે અને ખાસ તો નાનાં બાળકોને ભોગ બનાવે છે તેની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાનો ત્રાસ રોકવા માટે 28 જુલાઈએ સુઓ મોટો સુનાવણી શરૂ કરેલી.
સુપ્રીમ કોર્ટે 11 ઑગસ્ટે ચુકાદો આપેલો કે, દિલ્હી કેપિટલ રિજિયન (એનસીઆર)માં કૂતરા કરડવા અને હડકવાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી પૉનર વિસ્તાર (એનસીઆર)ના રહેણાક વિસ્તારોમાંથી તમામ રખડતાં કૂતરાને 8 અઠવાડિયાની અંદર દૂર કરીને તેમને શેલ્ટર હોમમાં મોકલી આપવાના રહેશે.
સુપ્રીમ કોર્ટે કૂતરાની નસબંધી કરવા પર ફરમાન કર્યું છે કે જેથી તેમની વસતીવધારાને રોકી શકાય. આ કામમાં અવરોધ ઊભો કરનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે દેકારો મચી ગયો અને જીવદયાપ્રેમીઓ ઊભા થઈ ગયા. થોકબંધ અરજીઓ થઈ ગઈ કે જેમાં સુપ્રીમના ચુકાદાને રદ કરવાની માગ કરવામાં આવી છે. આ દેકારાના પગલે ચીફ જસ્ટિસે આ કેસ બે જજની બેંચ પાસેથી લઈને ત્રણ જજની બેંચને સોંપી દીધો છે.
જીવદયાપ્રેમીઓને તો કૂતરાને પકડવા સામે વાંધો છે તેથી આ ચુકાદો જ રદ કરી દેવાની માગણી કરી છે, પણ સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડર પર હાલ પૂરતો સ્ટે નથી આપ્યો. તેના કારણે ઘમસાણ મચ્યું છે.
આ વિવાદમાં રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો છે, પણ કૉંગ્રેસ સહિતના પક્ષો તેની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કૂતરાનો કાંટો સાવ કાઢી નખાશે એવો ડર એ લોકો બતાવી રહ્યાં છે.
ભારતમાં સ્ટ્રીટ ડોગ્સ એટલે કે રખડતાં કૂતરાં બહુ ભયંકર સમસ્યા છે એ જોતાં આ સમસ્યાનો ઉકેલ જરૂરી છે તેમાં શંકા નથી. મોટા ભાગના કેસોમાં નાનાં બાળકો ભોગ બને છે તેથી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કરીને ફરમાન કરીને પ્રશંસનીય કામ કર્યું છે. લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા ડેટા પર નજર નાખશો તો સમજાશે કે રખડતાં કૂતરાનો ત્રાસ અસહ્ય છે.
કેન્દ્ર સરકારે આપેલી માહિતી પ્રમાણે, 2024માં કૂતરાં કરડવાના 37 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 54 લોકોનું હડકવાથી રામ બોલો ભાઈ રામ થઈ ગયું હતું. 22 જુલાઈએ દિલ્હીમાં છ વર્ષની છબી શર્મા નામની માસૂમ દીકરીનું કૂતરાં કરડવાથી મોત થયું તેના પગલે હોહા થઈ ને સંસદમાં દેકારો મચ્યો પછી રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી એસપી સિંહ બઘેલે લોકસભામાં આ માહિતી આપી હતી. છબીને 30 જૂને કૂતરો કરડ્યો પછી અઠવાડિયા લગી સારવાર છતાં તેને બચાવી શકાઈ નહોતી તેના પરથી જ કૂતરાનો હુમલો જીવલેણ નિવડી શકે છે એ સ્પષ્ટ છે.
આ આંકડા પાછા સત્તાવાર રીતે નોંધાયેલા કેસોના છે. ભારતમાં એવી સિસ્ટમ નથી કે કોઈ પણ ઘટના બને એટલે તેની સંબંધિત તંત્રમાં નોંધ થાય જ. કૂતરાં કરડવાના કેસોમાં પણ આ વાત લાગુ પડે જ છે કેમ કે ગામડામાં કે અંતરિયાળ વિસ્તારોમાં તો કૂતરાં કરડવાની ઘટનાની નોંધ પણ નથી લેવાતી. કૂતરાં કરડે ને કંઈ ના થાય તો કોઈ નોંધ કરાવવા નવરું નથી હોતું તેથી કૂતરાં કરડવાના કેસ નોંધાયેલા કેસ કરતાં અનેક ગણા વધારે હોઈ શકે છે. એ જ રીતે કૂતરાં કરડવાના કેસ ના નોંધાયા હોય ને રામનામ સત્ય હૈ થઈ ગયું હોય એવા કેસોની સંખ્યા પણ બહુ મોટી જ હશે.
આ સંજોગોમાં રખડતાં કૂતરાનો ત્રાસ દૂર કરવો જરૂરી તો છે જ પણ સુપ્રીમ કોર્ટનો આદેશ ઉપાય નથી કેમ કે આ આદેશનો વ્યવહારુ રીતે અમલ જ કરી શકાય તેમ નથી . સુપ્રીમ કોર્ટે માત્ર દિલ્હીની ગલીઓમાં રખડતાં કૂતરાં માટે આદેશ આપ્યો છે, પણ દિલ્હી પૂરતો પણ તેનો અમલ શક્ય નથી. તેનું કારણ એ કે, રખડતાં કૂતરાની સંખ્યા લાખોમાં છે, જ્યારે શેલ્ટર્સ હોમની સંખ્યા સેંકડોમાં પણ નથી.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી જીવદયાપ્રેમી તરીકે જાણીતાં છે. પ્રાણીઓ પર થતાં અત્યાચારોને રોકવા મેનકા ઝનૂની લડે છે. મેનકા ગાંધીએ આપેલી માહિતી પ્રમાણે, દિલ્હીમાં જ ત્રણ લાખ રખડતાં કૂતરાં છે અને એક શેલ્ટર હોમમાં બહુ બહુ તો 150 કૂતરાને રાખી શકાય એ જોતાં રખડતાં કૂતરાને રાખવા માટે ઓછામાં ઓછાં બે હજાર શેલ્ટર હોમ જોઈએ.
દિલ્લી સરકાર પાસે અત્યારે પાંચ-સાત શેલ્ટર હોમ છે એ જોતાં બે હજાર જેટલાં શેલ્ટર હોમ નવાં જ બનાવવાં પડે. આ શેલ્ટર હોમ બનાવવા માટે જંગી પ્રમાણમાં જગા જોઈએ, ત્રણ લાખ કૂતરાને શેરીઓમાંથી પકડી પકડીને લઈ જવા માટે પણ માણસોની જંગી ફોજ ઉતારવી પડે. તેમને ચૂકવવાના પગાર, કૂતરાંને શેલ્ટર હોમમાં મોકલવા માટે કરવી પડતી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પાછળ તબલાં તૂટી જાય એવો ખર્ચ થઈ જાય.
કૂતરાનો નિભાવ ખર્ચ અનેક ગણો વધારે છે. કૂતરાને રાખવા માટે પાંજરાં બનાવવાં પડે, તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવી પડે અને મણસો પણ રાખવા પડે. મેનકાના અંદાજ પ્રમાણે આ બધા પાછળ દર વરસે 15 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થાય. દિલ્હી સરકાર પાસે માણસો પાછળ ખર્ચવા માટે રૂપિયા નથી ત્યારે કૂતરાં પાછળ 15 હજાર કરોડ કઈ રીતે ખર્ચી શકે?
માત્ર દિલ્હીની આ વાત નથી, પણ કોઈ પણ રાજ્ય સરકાર આ ખર્ચ ના કરી શકે તેથી સુપ્રીમ કોર્ટનો આદેશ અમલમાં મૂકી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું કહીને તેમના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શું કરે ? તેમની પાસે કમાણીનાં પૂરતાં સાધનો નથી ને લોકોને પૂરતી સવલતો આપી શકતી નથી ત્યાં કૂતરાં પાછળ ક્યાં ખર્ચ કરે?
સમસ્યા પાછી એ છે કે, રખડતાં કૂતરાનો ત્રાસ ઓછો કરવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. દુનિયાના ઘણા દેશોમાં આ સમસ્યા છે ને ઘણા દેશો સામૂહિક કત્લેઆમ કરીને કામચલાઉ રસ્તો કાઢે છે, પણ થોડા સમય પછી પાછી સમસ્યા આવીને ઊભી રહી જ જાય છે. ભારતમાં એ સ્થિતિ ના થાય એટલે મનોમંથન કરવું જોઈએ ને નક્કર ઉપાય વિચારવો જોઈએ.
આપણ વાંચો: ફોકસઃ ‘શોલે’ના 50 વર્ષ: ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, છતાં ફિલ્મ સુપરહિટ!