એકસ્ટ્રા અફેર

સુનેત્રાની શપથવિધિ, હંગામા હૈ કયું બરપા…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અજિત પવારના નિધન પછી ભાજપ એનસીપીને નાયબ મુખ્ય મંત્રીપદ આપશે કે નહીં એ સવાલ પુછાવા માંડેલો. આ સવાલનો જવાબ મેળવવા બહુ રાહ ના જોવી પડી ને ભાજપે અજિતદાદાના નિધનના ચાર જ દિવસમાં તેમનાં વિધવા સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રીપદે બેસાડી દીધાં. અજિતદાદાના નિધન પછી તરત જ એનસીપીમાં સુનેત્રાને નાયબ મુખ્ય મંત્રી બનાવવાની માગ શરૂ થઈ ગયેલી.

ભાજપે આ માગણીને સ્વીકારીને અજિતદાદાના નિધનના બે દિવસ પછી જ સુનેત્રા પવારને નાયબ મુખ્ય મંત્રી બનાવવાની તૈયારીનો મેસેજ એનસીપીની નેતાગીરીને પહોંચાડી દીધેલો. એનસીપીની નેતાગીરીએ મોડું કર્યા વિના બીજા જ દિવસે સવારે સુનેત્રાને વિધાનસભા પક્ષનાં નેતા ચૂંટ્યાં ને સાંજ સુધીમાં તો શપથવિધિ પણ પતાવી દેેવાઈ. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સુનેત્રાને સ્ટેટ એક્સાઈઝ ડ્યૂટી, સ્પોર્ટ્સ અને યુથ વેલફેર, લઘુમતીઓનો વિકાસ અને ઔકફ મંત્રાલય સોંપીને ઔપચારિકતા પતાવી દીધી.

અજિત પવાર પાસે નાણાં મંત્રાલય પણ હતું. સુનેત્રાને નાણાં મંત્રાલય અપાયું નથી પણ તેનાથી ફરક પડતો નથી. સુનેત્રા રાજ્યસભાનાં સભ્ય છે પણ તેમાં તેમની રાજકીય કુનેહ કે અનુભવનો કોઈ ફાળો નથી. અજિતદાદાનાં પત્ની હોવાથી તેમને રાજ્યસભાનું સભ્યપદ મળેલું, બાકી સુનેત્રા તો લોકસભાની ચૂંટણીમાં તેમના નણંદ સુપ્રિયા સૂલે સામે હારી ગયેલાં.

બારામતી અજિત પવારનો ગઢ ગણાય છે પણ સુનેત્રા ત્યાં પણ જીતી ના શક્યાં તેના પરથી સ્પષ્ટ છે કે, સુનેત્રા પાસે જનાધાર નથી ને કોઈ રાજકીય મૂડી પણ નથી. અત્યારે પણ સુનેત્રાને નાયબ મુખ્ય મંત્રીપદ અજિતદાદાનાં વિધવા હોવાના નાતે જ મળ્યું છે તેથી સુનેત્રા માટે તો વકરો એટલો નફો જ છે.

જો કે જે હોય તે પણ સુનેત્રાએ મહારાષ્ટ્રનાં પહેલાં મહિલા નાયબ મુખ્ય મંત્રી બનીને ઈતિહાસ રચી દીધો છે એ વાસ્તવિકતા છે. કમનસીબે કેટલાંક લોકોને આ વાત પચી નથી તેથી સુનેત્રાની ટીકા કરી રહ્યાં છે. પતિના મોતને હજુ ચાર દિવસ પણ થયા નથી ત્યાં નાયબ મુખ્ય મંત્રીપદના શપથ લઈને સુનેત્રાએ સત્તાલાલસા બતાવી છે એવી ટીકાઓ થઈ રહી છે. કેટલાંકને વળી હિંદુ સંસ્કૃતિની યાદ આવી ગઈ છે. હિંદુ સંસ્કૃતિમાં મોતના મહિના લગી શોક હોય તેથી સુનેત્રાએ શપથ લેવાથી દૂર રહેવું જોઈએ એવું જ્ઞાન પિરસાઈ રહ્યું છે.

સોશ્યલ મીડિયા નવરાં લોકોનો અડ્ડો છે ને ત્યાં ગમે તે લખી નાખો કોઈ પૂછવાવાળું નથી હોતું તેથી એવી ટીકાઓ થાય તેની નવાઈ નથી. આ નવરી બજારમાંથી મોટા ભાગના અબૂધ ને અજ્ઞાની છે તેથી પણ કૉંગ્રેસના નેતા ઉદિત રાજ પણ આ હઈસો હઈસોમાં જોડાઈ ગયા છે. ઉદિત રાજે પણ જ્ઞાન આપ્યું છે કે, પરિવારમાં કોઈ મૃત્યુ પામે પછી 12-13 દિવસ સુધી શોક પળાય છે તેથી કંઈ કરવામાં આવતું નથી. સામાન્ય લોકો તો આખું વર્ષ તહેવારો પણ ઉજવતા નથી પણ રાજકારણમાં બધી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને કોરાણે મૂકી દેવાય છે. સુનેત્રાએ પણ 13 દિવસ રાહ ના જોઈ અને નાયબ મુખ્ય મંત્રીપદે શપથ ગ્રહણ કરી લીધા.

ઉદિત રાજના બકવાસ સામે ભાજપના નેતા કૂદી પડ્યા છે. ભાજપે ઉદિત રાજના નિવેદનને વલ્ચર પોલિટિક્સ એટલે કે ગિધ રાજકારણ ગણાવ્યું છે. મડદા પર ગીધ ચકરાવા મારવા માંડે એ રીતે કૉંગ્રેસના નેતા અજિત પવારના મોતનો રાજકીય ફાયદો લેવા માટે ચકરાવા મારી રહ્યા છે એવું કહીને ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર પવાર પરિવારનું નહીં પણ આખા મહારાષ્ટ્રનું અપમાન છે, મૃતક અજિતદાદાના આત્માનું પણ અપમાન છે. ભાજપે 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીએ તરત વડાપ્રધાનપદે શપથ લઈ લીધા હતા તેની યાદ અપાવીને કૉંગ્રેસને દેશની માફી માગવા પણ કહ્યું છે.

આપણે ત્યાં હમણાંથી હિંદુ સંસ્કૃતિને નામે ચરી ખાવાની ફેશન ચાલે છે. ઉદિત રાજે વહેતા પાણીમાં હાથ ધોવા માટે ભારતીય સંસ્કૃતિની વાત માંડી કે પછી પહેલાં ભાજપના જ સાંસદ હતા તેથી ભાજપના નેતાઓની જેમ અચાનક તેમનો ભારતીય સંસ્કૃતિપ્રેમ જાગૃત થઈ ગયો એ આપણને ખબર નથી પણ ઉદિત રાજની વાત બકવાસ છે તેમાં મીનમેખ નથી. હિંદુત્વ એક જીવનશેૈલી છે ને તેમાં કોઈ જડ ધાર્મિક નિયમો નથી. હિંદુઓનો કોઈ ચોક્કસ ધર્મગ્રંથ પણ નથી તેથી મૃત્યુ પછી કેટલા દિવસ શોક પાળવો ને શું કરવું તેના કોઈ ચોક્કસ નિયમો નથી. જે નિયમો છે એ પરંપરાના ભાગરૂપે છે, હિંદુત્વના ભાગરૂપે નથી.

આ નિયમો પણ અલગ અલગ છે. બહુમતી હિંદુઓ મૃત્યુ પછી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરે છે પણ હિંદુઓમાં કેટલાક સમુદાય મૃતદેહને દફન પણ કરે છે. દરેક સમુદાયની પોતાની પરંપરા હોય ને તેનું પાલન કરવાનો તેમને અધિકાર છે. આ પરંપરામાં અલગ અલગ દિવસો લગી શોક પળાય છે પણ 13 દિવસ શોક પાળવો કે મહિનો શોક પાળવો કે બાર મહિના શોક પાળવો તેના કોઈ નિયમ નથી. દરેક વ્યક્તિ કે પરિવાર પોતાની રીતે નિર્ણય લે છે.

સુનેત્રાએ પોતે પણ પોતાને ઠીક લાગ્યો એ નિર્ણય લીધો ને આ દેશનું બંધારણ તેમને એ અધિકાર આપે છે તેથી સુનેત્રાએ કશું ખોટું કર્યું નથી ને તેમની ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. આમ પણ શોક વ્યક્તિગત બાબત છે ને શોક હોય તો માણસ બધું પડતું મૂકીને બેસી જાય એવું પણ નથી. આપણને લોકોની વ્યક્તિગત બાબતોની ચૂંથ કરવામાં મજા આવે છે. બલ્કે વિકૃત આનંદ આવે છે ને કેટલાંક લોકો એ આનંદ લઈ રહ્યાં છે પણ તેના કારણે સુનેત્રા ખોટાં સાબિત થતાં નથી.

સુનેત્રાની જેમ ભૂતકાળમાં ઘણાં લોકોએ શપથ લીધા જ છે. સુનેત્રાએ તો પતિના મોતના ચાર દિવસ પછી શપથ લીધા, બાકી રાજીવ ગાંધીએ તો એક દિવસ પણ રાહ નહોતી જોઈ. ભાજપે આ વાત કરી છે ને એ સો ટકા સાચી છે. ઈન્દિરા ગાંધી 31 ઓક્ટોબર, 1984ના રોજ સવારે પોતાના બે અંગરક્ષકો સતવંતસિંહ અને બિયંતસિંહની ગોળીથી મરી ગયાં તેના કલાકો પછી એ જ દિવસે રાજીવ ગાંધીની વડા પ્રધાનપદે શપથ વિધિ થઈ ગઈ હતી.

બીજાં પણ ઘણાં ઉદાહરણ આપી શકાય પણ મૂળ મુદ્દો જ બકવાસ છે ત્યાં ઉદાહરણો આપીને તેમને મહત્ત્વ શું કરવા આપવું? સુનેત્રાને રાજકીય અનુભવ નથી કે કદી વહીવટ કર્યો નથી એ સાચું પણ કઈ વ્યક્તિ ક્યારે ચમકારો બતાવી જાય એ ખબર નહીં. સુનેત્રા પણ પતિના પડછાયામાં પોતાનું હીર ના બતાવી શક્યાં હોય પણ હવે તક મળી છે ત્યારે સમાજનું ભલું કરી શકે એવું બને. આપણી શુભેચ્છાઓ તેમની સાથે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button