એકસ્ટ્રા અફેર: સત્યપાલ મલિકે વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી હતી

-ભરત ભારદ્વાજ
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની વિદાય તાજી જ છે ત્યાં બીજા એક વિવાદાસ્પદ રાજકારણી સત્યપાલ મલિકે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. શિબુ સોરેનની સરખામણીમાં સત્યપાલ મલિક બહુ નાના રાજકારણી હતા ને નરેન્દ્ર મોદીની અમીનજર ના પડી હોત તો અત્યારની પેઢી તેમને ઓળખતી પણ ના હોત. રસપ્રદ વાત એ છે કે, જે મોદીના કારણે સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ બનીને પાછા લાઈમલાઈટમાં આવેલા એ જ મોદીનો વિરોધ કરીને અને બેફામ નિવેદનબાજી કરીને એ દેશભરમાં મોદીના સમર્થકોના અળખામણા અને મોદીવિરોધીઓના લાડકા બની ગયેલા.
મોદીએ તેમને ગણકાર્યા નહીં એટલે એ બાજુ પર ફેંકાઈ ગયેલા છતાં ઠોકાઠોક કરીને લાઈમલાઈટમાં રહેવા માટે મથ્યા કરતા હતા પણ કોઈ તેમને ગણકારતું નહોતું કેમ કે મલિકે વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી હતી. લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા મલિકની 11 મેના રોજ તબિયત વધુ બગડતાં દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ કોઈને મલિક યાદ નહોતા. થોડા સમય પહેલાં ઈડીની રેડ પડી એટલે મલિક પાછા ચર્ચામાં આવેલા ને પાછા ભૂલાઈ ગયેલા. હૉસ્પિટલમાં કોઈ તેમની ખબર પૂછવા પણ નહોતું જતું. એ રીતે મલિક ગુમનામીમાં ધકેલાઈ ગયેલા ને ગુમનામીમાં જ ગુજરી ગયા.
બુધવારે તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મુકાયેલો પણ ગણ્યાગાંઠ્યા લોકો સિવાય કોઈ આવ્યું નહીં. નરેન્દ્ર મોદી શિબુ સોરેનના અંતિમ દર્શન માટે તેમના ઘેર ગયેલા અને હેમંત સોરેનને સાંત્વના પાઠવેલી પણ મલિકને ત્યાં ના ગયા. ભાજપના બીજા કોઈ નેતા પણ ના ફરક્યા. લોધી રોડના સ્વર્ગ આશ્રમમાં મલિકના અંતિમ સંસ્કારમાં પણ ભાજપના કોઈ મોટા નેતા હાજર નહોતા. બલ્કે નજીકના લોકો અને થોડાક ખેડૂત નેતાઓને બાદ કરતાં કોઈ હાજર નહોતું.
મલિક પણ રાજકારણમાં લાંબા સમયથી હતા છતાં તેમના મૃત્યુની બહુ નોંધ ના લેવાઈ તેનું કારણ તેમનો રાજકીય ઈતિહાસ છે. ચૌધરી ચરણસિંહની પાર્ટીમાંથી 1974માં બાગપતમાંથી જીતીને પહેલી વાર ધારાસભ્ય બનનારા મલિક દસ વરસ ચરણસિંહ સાથે રહ્યા પણ પછી સત્તા માટે પક્ષપલટાનો ક્રમ ચાલુ થયો ને મલિકે ગુલાંટબાજી પર ગુલાંટબાજી કરીને પોતાની વિશ્ર્વસનીયતા ગુમાવી દીધી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : સોનિયાનું દોઢડહાપણ, ગાઝા મુદ્દે કૉંગ્રેસનાં બેવડાં ધોરણ…
મલિકે રાજકીય ફાયદા માટે વારંવાર ગુલાંટબાજી કરી અને ગુલાંટબાજી પછી પહેલાં જેની સાથે બેઠા હોય તેની બદબોઈ કરવામાં કોઈ કસર ના છોડી. ચૌધરી ચરણસિંહથી માંડીને વિશ્ર્વનાથ પ્રતાપસિંહ અને મુલાયમસિંહ યાદવથી માંડીને મોદી સુધીના તેમનો હાથ પકડીને રાજકારણમાં આગળ લાવનારા બધાંને મલિકે આ સ્વભાવનો લાભ આપ્યો છે પણ નરેન્દ્ર મોદીને વધારે લાભ મળ્યો. મલિકે મોદી સામે સંખ્યાબંધ આક્ષેપો કર્યા ને મર્યા ત્યાં લગી કરતા રહ્યા પણ કોઈ તેમનો ભરોસો કરવા તૈયાર નહોતું કેમ કે મલિકે મોદી વિરોધ નિવેદનબાજી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલપદેથી હટાવી દેવાયા પછી શરૂ કરી.
મલિક કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યાં લગી મોદીની તારીફમાં કસિદા પઢતા હતા ને જમ્મુ અને કાશ્મીરમાં ઓલ ઈઝ વેલની આલબેલ પોકાર્યા કરતા હતા. મોદી સરકારના ઈશારે તો તેમણે મહેબૂબા મુફતીની સરકારને ઘરભેગી કરી દીધેલી અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું વિસર્જન પણ કરી નાખેલું. બંધારણીય રીતે મલિકનું પગલું યોગ્ય નહોતું પણ એ વખતે મલિકને કોઈ વાંધો નહોતો. જેવા મલિકને કાશ્મીરમાંથી ખસેડી દેવાયા એ સાથે જ તેમને સત્તર વાંધા પડી ગયા ને અઢાર આક્ષેપો કરી નાખ્યા. મોદી સરકારે કરેલાં કહેવાતાં ખોટાં કામ પણ યાદ આવી ગયાં ને મોદી સરકાર દેશના હિતમાં નથી એ પણ યાદ આવી ગયું.
સત્યપાલ મલિક 2023માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલિકે દાવો કર્યો હતો કે, પુલવામામાં આતંકવાદી હુમલો કેન્દ્ર સરકારના અનિર્ણાયક વલણને કારણે થયો હતો. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો માર્યા ગયા હતા. મલિક પુલવામા હુમલા વખતે જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલ હતા.મલિકે દાવો કરેલો કે, સીઆરપીએફના જવાનો પર આતંકવાદી હુમલો થશે એવા ગુપ્તચર તંત્રના અહેવાલના પગલે જવાનો માટે વિમાનની માગ કરાઈ હતી પણ તત્કાલીન ગૃહ પ્રધાન રાજનાથ સિંહે વિમાન ના આપ્યું. એક સાથે આટલા બધા જવાનોનો વિશાળ કાફલો રોડ પરથી ના જઈ શકે તેથી ગૃહ મંત્રાલયને સીઆરપીએફને માત્ર પાંચ એરક્રાફ્ટ આપવા કહેવાયેલું પણ એ ના મળતાં હુમલો થયો તેમાં 40 જવાન શહીદ થયા.
મલિકનો દાવો હતો કે, હુમલા વખતે મોદી જીમ કોર્બેટ પાર્કમાં શૂટિંગ કરતા હતા. શૂટિંગ પતાવીને બહાર આવ્યા પછી તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે આ અમારી ભૂલને કારણે થયું છે પણ તમે ચૂપ રહેજો અને કોઈને કંઈ ન કહેતા. અજિત ડોભાલે પણ કહેલું કે, મોદી સરકાર પાકિસ્તાન પર દોષારોપણ કરીને લોકસભા ચૂંટણીમાં ફાયદો ઉઠાવશે.
મલિકે એવો દાવો પણ કરેલો કે, જમ્મુ-કાશ્મીરના ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન બે ફાઈલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરાઈ હતી. આ પૈકી એક ફાઇલ રાષ્ટ્રીય સ્વયં સેવકના નેતા અને બીજી અંબાણીને લગતી હતી. આ અંગે પોતે મોદીનું ધ્યાન દોર્યું પણ મોદીએ કશું ના કર્યું કેમ કે મોદીને ભ્રષ્ટાચાર સામે કોઈ છોછ નથી. મેઘાલયના રાજ્યપાલ હતા ત્યારે સત્યપાલ મલિકે ધડાકો કરેલો કે, મોદી અને શાહ વચ્ચે બનતું નથી.
મલિકે એવો દાવો પણ કરેલો કે, ખેડૂત આંદોલન મુદ્દે મલિક મોદીને મળવા ગયા ત્યારે મોદી ‘અત્યંત ઘમંડ’માં હતા. મલિકે ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે મોદીએ અહંકારથી સવાલ કર્યો હતો કે, આ ખેડૂતો મારા માટે મરી ગયા છે ? મોદી સાથે ઝગડો થઈ જતાં મલિક અમિત શાહને મળવા ગયા ત્યારે શાહે મોદી વિશે એવું કહેલું કે, મોદીની બુદ્ધિ લોકોના કારણે બહેર મારી ગઈ છે પણ તમે ચિંતા કર્યા વિના મને મળતા રહો, કોઈ પણ વાત હોય તો મને જાણ કરજો. એક દિવસ મોદીને આ વાતો સમજાશે. મલિકે આવો સનસનાટીભર્યો દાવો કરી તો નાખ્યો પણ વીડિયો વાયરલ થયો પછી મલિકે ગુલાંટ લગાવીને એવું કહેલું કે, મોદી સાચા રસ્તે જઈ રહ્યા છે અને શાહે પોતાને કહેલી વાતને ખોટી રીતે રજૂ કરાઈ છે.
મલિકની ગુલાંટબાજી તેમના કેરેક્ટરનું પ્રતિબિંબ પાડનારું હતું ને આ કારણે જ મલિક એ પછી પણ જે કંઈ કહેતા રહ્યા તેની કોઈ અસર ના પડી કે કોઈએ તેમના પર ભરોસો ના કર્યો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પહલગામના આતંકી પાકિસ્તાની નહોતા તેના પુરાવા ક્યાં છે?