એકસ્ટ્રા અફેરઃ સતીશ શાહ ટીવી જગતના ઓરિજિનલ કૉમેડી કિગ

ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે નાના નાના રોલ છતાં અમીટ છાપ છોડનારા ગોવર્ધન અસરાનીની કાયમી વિદાયનો શોક પતે એ પહેલાં સતીશ શાહ પણ વિદાય થઈ ગયા. જાને ભી દો યારો’,દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, હમ આપકે હૈ કૌન’,હમ સાથ સાથ હૈ’, મૈં હૂં ના’,બીવી હો તો ઐસી’, ફના' સહિતની ફિલ્મો અનેયે જો હૈ ઝિંદગી’, ફિલ્મી ચક્કર' અનેસારાભાઈ વર્સિસ સારાભાઈ’ જેવી સુપરહિટ કોમેડી ટીવી સિરિયલોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર સતીશ શાહનું કિડની કામ કરતી બંધ થવાથી 74 વર્ષની વયે નિધન થઈ ગયું.
સતીશ શાહે થોડા સમય પહેલાં કોલકાતામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી અને દોઢ મહિના સુધી કોલકાતા રહ્યા હતા. કિડની સરખી કામ કરતી હતી અને સતીશ શાહ સામાન્ય જિંદગી જીવતા થઈ ગયેલા પણ શનિવારે ખાધા પછી અચાનક પડી ગયા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા એ પહેલાં જ ગુજરી ગયા.
સતીશ શાહના નિધન સાથે ભારતીય મનોરંજન જગતે એક સારો અભિનેતા ગુમાવ્યો છે. સતીશ શાહની ઓળખ એક કોમેડિયન તરીકે સ્થાપિત થઈ કેમ કે તેમણે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં યાદગાર કોમેડી રોલ કર્યા, સતીશ શાહે પોતાની કોમેડીથી લોકોનાં દિલમાં સ્થાન મેળવ્યું હતું પણ વાસ્તવમાં તક મળી ત્યારે ગંભીર ભૂમિકાઓ પણ તેમણે સહજ રીતે ભજવી હતી એ જોતાં તેમને માત્ર કોમેડિયનના દાયરામાં સીમિત કરી દેવા તેમની પ્રતિભા સાથે અન્યાય ગણાશે.
સતીશ શાહે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત પણ અત્યંત ગંભીર પ્રકારની ફિલ્મો બનાવતા ડિરેક્ટર્સની ફિલ્મોથી કરી હતી. સતીશ શાહનો પરિવાર મૂળ કચ્છના માંડવીનો હતો પણ સતીશ શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)માં એક્ટિંગની તાલીમ લીધી હતી. 1970ના દાયકામાં હિન્દીમાં કોમર્શિયલ અને આર્ટ ફિલ્મો એમ બે ફાંટા હતા ને ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાંથી બહાર આવ્યા સતીશ શાહ આર્ટ ફિલ્મો બનાવતા ડિરેક્ટર્સના લાડકા હતા.
સતીશ શાહે શરૂઆતમાં કુંદન શાહ, મુઝફ્ફર અલી, અરવિંદ દેસાઈ, સઈદ મિર્ઝા, અઝીઝ મિર્ઝા જેવા ધુરંધર આર્ટ ફિલ્મ ડિરેક્ટર્સની ફિલ્મોમાં કામ કરેલું. સઈદ મિર્ઝાની અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ (1978), મુઝફ્ફર અલીની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મગમન’ (1979) અને પછી આવેલી યાદગાર ફિલ્મ ઉમરાવ જાન (1981), સઈદ મિર્ઝાની આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યોં આતા હૈ’ (1981) સતીશ શાહની શરૂઆતની ફિલ્મો હતી. ગોવિંદ નિહલાનીનીઅર્ધસત્ય’, `મોહન જોશીની હાઝિર હો’માં પણ શાહે કામ કરેલું.
સતીશ શાહે આ ફિલ્મોમાં નાના નાના રોલ કરેલા પણ ડિરેક્ટર્સને પ્રભાવિત કરેલા તેથી કુંદન શાહે તેમને `જાને ભી દો યારો’ (1982)માં તેમને મ્યુનિસિપલ કમિશનર ડીમેલોનો રોલ આપ્યો હતો. આ ફિલ્મ ડીમેલોના મર્ડર પછીની ઘટનાઓની આસપાસ ફરે છે. નસીરુદ્દીન શાહ અને રવિ બાસવાણી ડીમેલોની લાશને લઈને ફર્યા કરે છે તેમાંથી સર્જાતી ધૂંઆધાર કોમેડીમાં સતીશ શાહે મૃતદેહ તરીકેની એક્ટિંગ કરી હતી.
જાને ભી દો યારો’ સિસ્ટમના ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતી અદ્ભુત ફિલ્મ છે. આ ફિલ્મે નસીરુદ્દીન શાહ, ઓમપુરી, પંકજ કપૂર, નીના ગુપ્તા, સતીશ કૌશિક સહિત સંખ્યાબંધ એક્ટર્સને ઓળખ આપી અને કોમર્શિયલ હિન્દી ફિલ્મોના દરવાજા ખોલી નાખ્યા. સતીશ શાહને પણ રમેશ સિપ્પીની દિલીપ કુમાર-અમિતાભ બચ્ચન સ્ટારરશક્તિ’ (1982)માં નાનો પણ યાદ રહી જાય એવો રોલ મળ્યો અને મેઈન સ્ટ્રીમમાં આવી ગયા પછી કદી પાછું વળીને ના જોયું.
દિલવાલે દુલ્યનિયા લે જાયેંગે',હમ આપકે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મૈં હૂં ના’, ‘બીવી હો તો ઐસી’, ‘ફના’ જેવી સંખ્યાબંધ બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેમણે ચરિત્ર અભિનેતા કરીકે લાંબા અને મહત્ત્વના રોલ કર્યા. 1990ના દાયકામાં તો સતીશ શાહ દરેક મોટા સ્ટારની ફિલ્મમાં હોય જ. શાહરૂખ ખાનની સૌથી સફળ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં પરમિત શેઠી-મંદિરા બેદીના પિતાની ભૂમિકાએ તેમને જાણીતા કર્યા પણ એ સિવાય આમિર ખાન સાથેઅકેલે હમ અકેલે તુમ’, ગોવિંદા સાથે સાજન ચલે સસુરાલ',હીરો નંબર-1′, સલમાન ખાન સાથે જુડવા',હમ સાથ સાથ હૈ’ વગેરે ફિલ્મોમાં પણ હતા.
રીતિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ’માં પણ સતીશ શાહ હતા. 2000ના દાયકામાં મુઝસે દોસ્તી કરોગે’, સાથિયા',ઇશ્ક વિશ્ક’, ચલતે ચલતે',કલ હો ના હો’, મૈં હૂં ના’,મસ્તી’, ફના',ઓમ શાંતિ ઓમ’, રા.વન' સહિતની સફળ ફિલ્મોમાં સતીશ શાહે કામ કર્યું. શાહરુખ ખાન સાથેનીફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ બહુ ચાલી નહોતી પણ કેરેક્ટર એક્ટર તરીકે સતીશ શાહે સૌથી યાદગાર રોલ આ ફિલ્મમાં કરેલો.
નવી પેઢી સતીશ શાહને સારાભાઈ વર્સિસ સારાભાઈ'ના ઈન્દ્રવદન ઉર્ફે ઈન્દુ સારાભાઈ તરીકે ઓળખે છે પણ સતિષ શાહસારાભાઈ વર્સિસ સારાભાઈ’ પ્રસારિત થઈ તેના લગભગ બે દાયકા પહેલાં ટીવીના કોમેડી કિગ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા અને ટીવી જગતના ઓરિજીનલ કોમેડી કિગ હતા. ભારતમાં દૂરદર્શન સિવાય બીજું કશું નહોતું એ જમાનામાં આવી યે જો હૈ ઝિંદગી'માં સતીશ શાહે છાકો પાડી દીધેલો. દૂરદર્શનની સિરિયલો જોઈને મોટી થયેલી પેઢી સતીશ પર ફિદા ફિદા થઈ જાય એવું કામ સતીશ શાહેયે જો હૈ ઝિંદગી’માં કરેલું.
શાહરૂખ ખાનને તક આપનારા કુંદન શાહ એકદમ સ્વચ્છ પારિવારિક કોમેડી સિરિયલ યે જો હૈ ઝિંદગી'ના ડિરેક્ટર હતા અને હિન્દીના મહાન હાસ્યલેખક શરદ જોશી સિરિયલના લેખક હતા. ભારતની પ્રથમ સિચ્યુએશનલ કોમેડી એટલે કે સિટકોમ એવીયે જો હૈ ઝિંદગી’માં શફી ઈનામદાર (રણજિત વર્મા), સ્વરૂપ સંપત (રણજિતની પત્ની રેણુ), રાકેશ બેદી (રણજિતનો સાળો), સુલભા આર્ય (બંગાળી પાડોશણ મંદિરા ભટ્ટાચાર્ય) અને વિજય કશ્યપ (મંદિરાના પતિ તરુણ ભટ્ટાચાર્ય) એટલાં પાત્રો કાયમી હતાં કે જે દરેક એપિસોડમાં આવતાં.
બીજાં કેટલાંક પાત્રોની આવનજાવન થતી રહેતી જ્યારે સતીશ શાહ દરેક એપિસોડમાં આવતા પણ અલગ અલગ પાત્રો ભજવતા. આ દરેક પાત્રમાં સતીશ શાહ જમાવટ કરી જતા તેથી યે જો હૈ ઝિંદગી'માં સતીશ શાહની વર્સેટાઈલ એક્ટિંગ સ્કીલ અને રેન્જનો પહેલી વાર સૌને મળેલો. કુંદન શાહેજાને ભી દો યારો’માં મૃતદેહનો રોલ કરાવીને સતીશ શાહની એક્ટિંગ વેડફી નાખી તેનું પ્રાયશ્ચિત કરતા હોય એમ આ સિરિયલમાં સતીશભાઈ પાસે દરેક એપિસોડમાં નવી જ ભૂમિકા કરાવીને તેમની અભિયન પ્રતિભાને બહાર આવવા મોકળું મેદાન આપ્યું ને સતીશભાઈ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવીને છવાઈ ગયેલા.
હવે સતીશ શાહ આપણી વચ્ચે નથી પણ વરસો સુધી કરોડો લોકોનું મનોરંજન કરીને તેમણે લોકોના હૃદયમાં જે સ્થાન મેળવ્યું એ બીજું કોઈ ના લઈ શકે.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : સરફરાઝ મુસ્લિમ હોવાના કારણે ટીમમાં પસંદ નથી થતો?

