એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: રાધિકાની હત્યામાં લવ જિહાદની ભેળસેળ, આ માનસિકતા ખતરનાક છે

ભરત ભારદ્વાજ

ભારતમાં કોઈ પણ મુદ્દાને હિંદુ-મુસ્લિમનો રંગ આપીને સમાજમાં ઝેર ફેલાવવાનો ખતરનાક ખેલ એક ચોક્કસ વર્ગ ખેલી રહ્યો છે. ગમે તે ઘટના બને, આ ઘટનાને હિંદુ-મુસ્લિમ એંગલ આપીને હળાહળ જૂઠાણાં ફેલાવવા, હિંદુઓમાં ડર પેદા કરવા અને મુસ્લિમો સામે નફરત પેદા કરવા માટે આ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ જાય છે. આ વિકૃત માનસિકતા છે અને આ વિકૃતિનો તાજો દાખલો ગુરુગ્રામ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા અંગે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર ચાલી રહેલો કુપ્રચાર છે.

રાધિકા યાદવની તેના જ સગા પિતા દીપક યાદવે 10 જુલાઈએ ગુરુગ્રામના વઝીરાબાદમાં આવેલા ઘરમાં ચાર ગોળી મારીને હત્યા કરી નાખી. રાધિકા ઘરમાં ખાવાનું બનાવી રહી હતી ત્યારે દીપક યાદવે પાછળથી ચાર ગોળી ધરબીને રાધિકાનું આયખું પૂં કરી નાખ્યું. રાધિકા માત્ર 25 વર્ષની હતી, સ્પોર્ટ્સસ્ટાર હતી તેથી સ્વસ્થ હતી. લાંબું જીવી શકે તેમ હતી પણ તેના બાપે જ તેને ઉપર પહોંચાડી દીધી.

ગુરુગ્રામ પોલીસે દીપક યાદવની ધરપકડ કરી પછી યાદવે હત્યાનો એકરાર કર્યો. યાદવનું કહેવું હતું કે, રાધિકાને અમે એકેડેમીમાં કામ કરવાનું અને ટે્રઈનિંગ લેવાનું બંધ કરવા કહેતા હતા પણ રાધિકા કોઈનું સાંભળતી ન હતી તેથી ગુસ્સે થઈને પોતે તેને ગોળી મારી દીધી. પોલીસે એમ પણ કહ્યું છે કે, દીપક યાદવ પાસે રાધિકાની હત્યા કરવા માટે બીજું કોઈ કારણ એટલે કે `મોટિવ’ નહોતો તેથી યાદવની વાત સાચી લાગી રહી છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ભાગવત ગમે તે કહે, ભાજપ પાસે મોદીનો વિકલ્પ જ ક્યાં છે?

ગુરુગ્રામ પોલીસે સત્તાવાર રીતે આપેલી આ માહિતી છે પણ સોશિયલ મીડિયાના મહાજ્ઞાનીઓ દીપકે દીકરીની હત્યા કેમ કરવી પડી એ માટે બહુ જોરદાર થિયરી લઈ આવ્યા અને આ થિયરીને સોશિયલ મીડિયા પર રમતી પણ કરી દીધી. આ થિયરી મહાસત્ય હોય એમ કેટલીક ટીવી ચેનલો પર એ ચાલી પણ ગઈ ને એક વિકૃત બાપે કરેલા અપરાધને હિંદુ-મુસ્લિમ રંગ આપી દેવાયો. આ થિયરી પ્રમાણે, રાધિકાને ઈમાનુલ હક નામના એક મુસ્લિમ છોકરાએ લવ જિહાદ કરીને ફસાવી હતી. દીપક યાદવને આ વાતની ખબર પડી જતાં તેમણે દીકરીને સમજાવી પણ પ્રેમમાં પાગલ દીકરી ના માની એટલે અકળાઈને દીપક યાદવે રાધિકાને ગોળી મારી દીધી.

આ થિયરીને સાચી ઠેરવવા માટે સોશિયલ મીડિયા પર ફરતા કરાયેલા મેસેજ પ્રમાણે, રાધિકાના જીવનમાં બધું બરાબર ચાલતું હતું. બહુ અમીર માણસ એટલે કે દીપક યાદવે દીકરીની ટે્રનિંગ પાછળ અઢી કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, બેટીને ટે્રનિંગ એકેડેમી ખોલાવીને કેરીયર સેટ કરી દીધી હતી. પછી અચાનક ચોક્કસ ઉદ્દેશ સાથે કામ કરતી કોમના નેટવર્કની છોકરી પર નજર પડી ગઈ અને તેમણે પોતાના એક `મોમ્બીજ’ને કામે લગાડી દીધો ને હવે બધું બરબાદ થઈ ગયું છે. દીકરી મરી ગઈ, એકેડેમી પતી ગઈ, બાપ જેલમાં અને માતા તકલીફમાં છે. ઈનામુલ મજામાં હતો, છે અને મજામાં રહેશે. તેનું નેટવર્ક તેને નવી રાધિકા શોધી આપશે અને એ કામ પર લાગી જશે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: કટોકટીની ટીકા: થરૂરે કૉંગ્રેસને આયનો બતાવી દીધો…

સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર જેને લવ જિહાદનો સૂત્રધાર ગણાવાઈ રહ્યો છે એ ઈનામુલ હક એક ગાયક અને કલાકાર છે. ઈનામુલ સોશિયલ મીડિયા પર પોતાનાં ગીત રિલીઝ કરે છે. આવા એક ગીતમાં રાધિકાએ કામ કરેલું. તેમાંથી ફોટા અને વીડિયો કાઢી કાઢીને રાધિકા અને ઈનામુલ વચ્ચે અફેર હોવાના દાવા આ ગેંગ કરી રહી છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

રાધિકા અને ઈનામુલ વચ્ચે કોઈ અફેર નહોતું એવું પોલીસે કહ્યું છે અને રાધિકાની ખાસ ફ્રેન્ડ હિમાંશિકા સિંહ રાજપૂતે પણ કહ્યું છે. ઈનામુલે પણ તેના નામે લવ જિહાદની વાતો વહેતી થઈ પછી સામેથી ચેનલો પર આવીને ખુલાસો કર્યો છે કે, રાધિકા સાથે અફેરની વાત તો છોડો પણ પોતે તેને સારી રીતે ઓળખતો પણ નહોતો. ઈનામુલ દિલ્હીમાં ટેનિસ પ્રીમિયર લીગમાં રાધિકાને બે વર્ષ પહેલાં મળેલો. ઈનામુલ એ વખતે તાપસી પન્નુની ટીમ પંજાબ પેટ્રિયટ્સની સોશિયલ મીડિયા ટીમનો હેડ હતો જ્યારે રાધિકા ટીમની ખેલાડી હતી. સોશિયલ મીડિયા માટે પોસ્ટ્સ બનાવવા ઈનામુલની ટીમ ગયેલી ત્યારે રાધિકા સહિતની ખેલાડીઓ સાથે મુલાકાત થઈ હતી.

રાધિકાએ પોતાને એક્ટિંગ અને એન્ટરટેઈનમેન્ટમાં રસ હોવાનું કહીને તક આપવા કહેલું તેથી રાધિકાનો ફોન નંબર ઈનામુલની ટીમે લીધો હતો. થોડાક સમય પછી એક મ્યુઝિક વીડિયોનું કામ આવ્યું ત્યારે રાધિકાનો સંપર્ક કરાયેલો પણ પહેલાં એ પસંદ નહોતી થઈ કેમ કે રાધિકા બહુ નાની લાગતી હતી. પછી હીરો બદલાયો ને ઈનામુલને લેવાયો ત્યારે તેની સાથે જોડી જમાવી શકે એવી છોકરી તરીકે રાધિકા પસંદ થઈ હતી.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: બિહારમાં મતદાર સુધારણા, પંચે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું

રાધિકા અને ઈનામુલે ગુરુગ્રામના સ્ટુડિયોમાં છ કલાક શૂટિગ કર્યું ત્યારે રાધિકાની માતા સેટ પર હાજર હતી. બીજાં કલાકારોનાં પરિવારજન પણ હાજર હતાં તેથી કોઈ વાત નહોતી થઈ. ઈનામુલના દાવા પ્રમાણે, વીડ઼િયોના પ્રમોશન માટે રાધિકા સાથે ફોન પર વાત થઈ એ સિવાય બંને વચ્ચે પછી કદી વાત નથી થઈ કે કદી બંને મળ્યાં પણ નથી. ઈનામુલે પોતાનો ફોન, સોશિયલ મીડિયા, લેપટોપ કે બીજું જે કંઈ તપાસ માટે જોઈતું હોય એ આપવાની ખુલ્લી ઓફર ટીવી ચેનલો પર કરી છે. પોલીસ તપાસમાં ક્યાંય ઈનામુલનું નામ આવ્યું નથી કે રાધિકાના પરિવારે ઈનામુલનો ઉલ્લેખ કર્યો નથી પણ સોશિયલ મીડિયા પર ઈનામુલ વિલન બની ગયો છે.

બીજી તરફ રાધિકાની ફ્રેન્ડ હિમાંશિકા સિંહ રાજપૂતે રાધિકા અને તેના માતા-પિતાના તેના તરફના વર્તન અંગે ચોંકાવનારી વાતો કરી છે. આ વાતોનો સાર એ છે કે, રાધિકાના માતા-પિતા ખૂબ પ્રતિબંધો મૂકતા હતા અને રાધિકાને ઘરમાં ગૂંગળામણ થતી હતી. હિમાંશિકાના કહેવા પ્રમાણે, લવ જિહાદની વાત જ બકવાસ છે કેમ કે રાધિકા ઘર અને પ્રેક્ટિસ સિવાય બીજે ક્યાંય જતી નહોતી. તેની એકેડેમી હોવાની વાત પણ ખોટી છે. રાધિકા ટેનિસ કોર્ટ્સ ભાડે રાખીને કોચિંગ આપતી તેની સામે પણ તેનાં માતા-પિતાને વાંધો હતો.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં

ભારતમાં લવ જિહાદ ચાલે છે એ સત્ય છે પણ દરેક ઘટનામાં લવ જિહાદની વાત ઘુસાડવી માનસિક વિકૃતિ છે. આ વાતો દ્વારા એક હિંદુ દીકરી રાધિકાનું ચારિત્ર્યહનન કરાઈ રહ્યું છે. દીપક યાદવનું કૃત્ય અક્ષમ્ય છે અને લવ જિહાદના નામે તેના કૃત્યને યોગ્ય ઠેરવવાની માનસિકતા બતાવાઈ રહી છે એ ખતરનાક છે. દીકરીને ગુલામ બનાવીને રાખવાની આ માનસિકતાને પોષવામાં આવશે તો ભારત પણ અફઘાનિસ્તાન બની જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button