એકસ્ટ્રા અફેરઃ પ્રજ્વલ રેવન્નાને જનમટીપ, શિકારી ખુદ યહાં શિકાર હો

ભરત ભારદ્વાજ
અંતે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને 47 વર્ષની નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઈ ગઈ. રેવન્ના સામે નોકરાણી પર બળાત્કાર અને ગુનાહિત ધાકધમકી તથા તેની દીકરીની અશ્ર્લીલ તસવીરો લીક કરવા સહિત અનેક કલમો હેઠળ આરોપો મુકાયેલા, આ તમામ કેસમાં પ્રજ્વલ દોષિત ઠર્યો છે.
પ્રજ્વલ રેવન્ના ધનિક પરિવારનો નબીરો છે અને રાજકીય રીતે પણ વગદાર છે. પ્રજ્વલના દાદા ભૂતપૂર્વ વડા પ્રધાન હતા ને કાકા કુમારસ્વામી અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે. કર્ણાટકના રાજકારણમાં વરસોથી દેવગૌડા પરિવારનું વર્ચસ્વ છે.
ભારતમાં સમરથ કો નહીં દોષ ગુંસાઈનો ખેલ ચાલે છે. જેની પાસે પૈસા છે, પાવર છે એ ગમે તેવો મોટો અપરાધ કરીને પણ છટકી જાય છે તેથી પ્રજ્વલ જેલમાં ધકેલાયો ત્યારથી તેને સજા થશે કે કેમ એ વિશે શંકા હતી પણ બેંગલૂરુની સ્પેશિયલ કોર્ટે પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર બદલ આજીવન કેદની સજા ફટકારીને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ જાળવી લીધો.
પ્રજ્વલ પાસે હજુ પોતાની સજા સામે હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. ભારતમાં હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ પણ ભ્રષ્ટાચારથી અલિપ્ત નથી તેથી રેવન્નાને તેનાં કર્મોની સજા મળી છે એવું કહેવું થોડુંક વહેલું છે. ભારતમાં નીચલી અદાલતો ન્યાય કરે પણ હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પૈસા વેરીને આરોપી છૂટી જાય એવું સંખ્યાબંધ કેસોમાં બને છે. પ્રજ્વલના કેસમાં પણ એવું બની શકે પણ અત્યારે તો પ્રજ્વલ દોષિત ઠરી ગયો છે ને સજા થઈ ગઈ છે તેનો આનંદ છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : માલદીવ્સના હૃદયપરિવર્તનનો યશ મોદીને જાય છે
કોર્ટે પ્રજ્વલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને રેવન્નાની હવસનો ભોગ બનેલી પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે. કોર્ટે રેવન્નાને દોષિત ઠેરવ્યો પછી રેવન્નાએ કોર્ટમાં ઓછી સજા માટે અપીલ કરીને પોતે કંઈ ખોટું કર્યું નથી એ જ રેકર્ડ વગાડ્યા કરી હતી પણ કોર્ટે પ્રજ્વલનાં રોદણાંને ગણકાર્યાં નથી. તેનું કારણ એ કે, પ્રજ્વલ સામે જડબેસલાક પુરાવા હતા.
પ્રજ્વલના કિસ્સામાં શિકારી ખુદ યહાં શિકાર હો ગયા જેવો ઘાટ છે ને શિકારીનો શિકાર પણ તેની બંદૂકથી થઈ ગયો. પ્રજ્વલે હવસલીલા ચાલુ રહે એ માટે કામલીલાનું વીડિયો રેકોર્ડિંગ કરેલું એ જ તેની સામેનો મોટો પુરાવો બની ગયો ને પ્રજ્વલ ફિટ થઈ ગયો.
રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી 47 વર્ષીય નોકરાણીને રેવન્નાએ 2021થી 2024 દરમિયાન ઘણી વાર હવસનો શિકાર બનાવીને બળાત્કાર કર્યો હતો. આ નોકરાણી પ્રજ્વલની માની સગી થતી હતી પણ પ્રજ્વલ એટલો નીચ કે તેણે પરિવારની મહિલાને પણ છોડી નહોતી. પ્રજ્વલે નોકરાણી સાથેના શરીર સંબંધનો વીડિયો પણ બનાવેલો. આ વીડિયો બતાવીને નોકરાણીની દીકરીને પણ બ્લેકમેઈલ કરતો અને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કરતો.
પ્રજ્વલ નોકરાણીની દીકરી સાથે બદકામ કરવામાં સફળ થયેલો કે નહીં એ સ્પષ્ટ નથી પણ પ્રજ્વલ વીડિયો કોલ કરીને યુવતીને કપડાં ઉતારીને નગ્ન થવા મજબૂર કરતો તેના પુરાવા છે. મા-દીકરી આ અત્યાચારોથી ત્રાસી ગયાં પછી બંનેએ ગયા વર્ષે એપ્રિલમાં રેવન્ના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પ્રજ્વલની હવસનો શિકાર બનેલી મહિલાએ બળાત્કારનો ભોગ બની ત્યારે પહેરેલી સાડી સાચવી રાખેલી કે જેના પર પ્રજ્વલના વીર્યનાં ડાઘ હતા.
રેવન્નાએ 2021થી 2024 સુધી વારંવાર બળાત્કાર કર્યો અને કોઈને કહે તો વીડિયો લીક કરવાની ધમકી પણ આપી એ બધાંનું રેકોર્ડિંગ હતું. વીડિયો રેકોર્ડિંગ અને સાડીના જડબેસલાક પુરાવાના કારણે પ્રજ્વલ છટકી શકે તેમ નહોતો. કર્ણાટકમાં અત્યારે કૉંગ્રેસની સરકાર છે ને હવસનો નગ્ન નાચ કર્યા પછી પણ પ્રજ્વલને સજા ના થાય તો કૉંગ્રેસ સરકારની આબરૂનો ફજેતફાળકો થઈ જાય એટલે તપાસમાં પણ પ્રજ્વલ છટકી ના શકે તેની પૂરી કાળજી રખાયેલી. ભાજપ અને જેડીએસની જુગંલબંદી છે પણ પ્રજ્વલનો કાંડ એટલો ભયાનક છે કે ભાજપ તેને બચાવવા જાય તો પોતે જ દાઝી જાય તેથી ભાજપ સાવ દૂર રહ્યો તેમાં પ્રજ્વલને બરાબરનો બૂચ વાગી ગયો.
આ સજા સાથે પ્રજ્વલે પોતાના પાવરનો ઉપયોગ કરીને વરસો સુધી ચલાવેલી હવસલીલા અને મહિલાઓ પરના અત્યાચારોનાં કુકર્મ બદલ તેને સજા મળશે અને બાકીની જિંદગી જેલમાં જ જાય એવી આશા જાગી છે. પ્રજ્વલ સામે બળાત્કારના કુલ 4 કેસ નોંધાયા છે. તેમાંથી આ પહેલો કેસ છે કે જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. બાકીના કેસોમાં પણ પ્રજ્વલને આ જ રીતે સજા થાય એ જરૂરી છે કેમ કે તેના ગુના ક્ષમાને લાયક નથી.
પ્રજ્વલ રેવન્ના સામે 50થી વધુ મહિલાઓને હવસનો શિકાર બનાવીને જાતીય શોષણ કરવાનો આરોપ છે. અત્યાર સુધીમાં પ્રજ્વલ સામે બળાત્કાર, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના આરોપમાં 4 જ એફઆઈઆર નોંધાઈ છે પણ તેની હવસલીલાનો ભોગ બનેલી યુવતીઓની સંખ્યા અનેક ગણી વધારે છે.
ગયા વરસે કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલાં પ્રજ્વલ રેવન્નાની 3000 જેટલી સેક્સ ટેપ અને ફોટોની પેન ડ્રાઈવ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રજ્વલ હાસ્સન લોકસભા બેઠકનો ઉમેદવાર હતો. હાસ્સનમાં 26 એપ્રિલે મતદાન હતું પણ તેના બે દિવસ પહેલાં ફરતી કરાયેલી પેન ડ્રાઈવમાં પ્રજ્વલના 3000 જેટલા પોર્ન વીડિયો, અંગત પળોના ફોટા વગેરે હતા.
કર્ણાટકમાં અનેક મહિલાઓને હવસનો શિકાર બનાવનારા પ્રજ્વલની સેક્સ લીલાના વીડિયોએ સૌને ભારે આઘાત આપી દીધો હતો. પ્રજ્વલના કેસની તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત આઘાતજનક હતી. પ્રજ્વલે પોતાના ઘરની નોકરાણી સહિતની લાચાર અને નિ:સહાય મહિલાઓને જ નહીં પણ ઘણી સરકારી અધિકારી મહિલાઓને પણ હવસનો શિકાર બનાવી હતી. મહિલા અધિકારીઓ સાથેની સેક્સ લીલાની તસવીરો અને વીડિયો દ્વારા પ્રજ્વલ તેમને બ્લેકમેઈલ કરતો અને ખંડણી લેતો, ધાર્યાં કામ કરાવતો હતો. એ રીતે જોઈએ તો પ્રજ્વલે આ આખો ખેલ હવસ સંતોષવા માટે જ નહીં પણ પૈસાની ભૂખ અને સત્તાના દુરુપયોગ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પણ કરેલો.
પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજ્વલનું કામ લોકોનાં કામ કરીને તેમનું કલ્યાણ કરવાનું હતું. તેના બદલે આ માણસ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતો હતો. પ્રજ્વલે સેંકડો મહિલાઓની જિંદગી તો બરબાદ કરી જ પણ તેમને ખોટું કરવા મજબૂર પણ કરી એ જોતાં આ માણસ માફીને લાયક જ નથી અને બાકીની જિંદગી જેલમાં જ સબડવો જોઈએ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ઉપરાષ્ટ્રપતિપદે નાયડુ જેવા તટસ્થ માણસની પસંદગી થવી જોઈએ