એકસ્ટ્રા અફેરઃ પંચાલ સામે પાટીલના દેખાવનું પુનરાવર્તન મોટો પડકાર

ભરત ભારદ્વાજ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખપદે કોણ આવશે એ સસ્પેન્સનો અંતે અંત આવી ગયો અને જગદીશ પંચાલ ઉર્ફે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે એ નક્કી છે. શુક્રવારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનાં હતાં ને એક માત્ર જગદીશ પંચાલે ફોર્મ ભરતાં પંચાલની તાજપોશી નક્કી છે.
શનિવારે સત્તાવાર રીતે જગદીશ પંચાલના નામની જાહેરાત થાય એ સાથે જ ગુજરાત ભાજપમાં પાટિલ યુગ પૂરો થશે અને પંચાલ યુગ શરૂ થશે. ભાજપ સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે પ્રમુખની વરણી કરે છે તેથી 2027ના નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જગદીશ પંચાલના નેતૃત્વમાં લડાશે એ સ્પષ્ટ છે પણ એ પહેલાં નજીકના ભવિષ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચાલની પહેલી કસોટી થશે.
પંચાલ કેવા પ્રદેશ પ્રમુખ સાબિત થાય છે એ તો નિવડ્યે ખબર પડશે પણ પંચાલની પ્રદેશ પ્રમુખપદે પસંદગી એક હકારાત્મક બાબત છે. આપણે ત્યાં રાજકારણમાં જ્ઞાતિવાદ એ હદે પ્રબળ બન્યો છે કે, હવે કોઈ પણ હોદ્દા માટે પસંદગી કરવાની આવે ત્યારે જ્ઞાતિનાં સમીકરણો જ ધ્યાનમાં લેવાય છે. જે જ્ઞાતિની મતબેંક મોટી હોય એ જ્ઞાતિના નેતાને જ તક મળે એવો વણલખ્યો નિયમ જ થઈ ગયો છે. તેના કારણે સાવ નાની વસતી ધરાવતી જ્ઞાતિના દમદાર નેતાઓને પણ તક નથી મળતી.
ભાજપે આ નિયમ પાળ્યો નથી એ હકારાત્મક બાબત છે કેમ કે જગદીશ વિશ્વકર્મા કોઈ મોટી મતબેંક ધરાવતી જ્ઞાતિમાંથી નથી આવતા. ગુજરાતમાં માંડ લાખેક મતદારો ઘરાવતી પંચાલ જ્ઞાતિના નેતાને ભાજપનું સુકાન સોંપાય એ સારી વાત છે.
સૂંઠના ગાંગડે ગાંધી થઈ ગયેલા કહેવાતા રાજકીય વિશ્લેષકો એવી વાતો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતદારોને સાચવવા માટે ભાજપે વિશ્વકર્માની પસંદગી કરી છે. આ વાત હાસ્યાસ્પદ છે કેમ કે પંચાલ ઓબીસીના મોટા નેતા નથી કે ઓબીસી મતદારોમાં પણ તેમની પંચાલ જ્ઞાતિનું કોઈ પ્રભુત્વ નથી.
ગુજરાતમાં કોળી અને ઠાકોર એ બે મોટી જ્ઞાતિના મતદારો ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે મતદારો ધરાવે છે. જગદીશ પંચાલના ઈશારે કોળી કે ઠાકોર મતદારો ભાજપ પર હેત વરસાવી દે એ વાતમાં જરાય માલ નથી. જગદીશ પંચાલની જ્ઞાતિ ઓબીસીમાં આવે છે તેથી ભલે તેમને ભલે ઓબીસીના ચોકઠામાં ફિટ કરાય પણ એ ઓબીસી નેતા નથી.
જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખપદે વરણી સાથે જ ગુજરાત ભાજપમાં જૂની પેઢીનું બોર્ડ સાવ પતી ગયું છે. જગદીશ પંચાલ ગુજરાતમાં ભાજપને મજબૂત કરવા માટે લોહી-પરસેવો એક કરનારી કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી, નીતિન પટેલ સહિતની પેઢીના નહીં પણ 2000 પછી ઉભરેલા નેતા છે.
ભાજપે ગુરુવારે પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો પછી એવી વાતો વહેતી થયેલી કે ભાજપ પ્રદીપસિંહ જાડેજા, નીતિન પટેલ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જૂના જોગીઓમાંથી કોઈને સુકાન સોંપશે પણ આ વાતો માત્ર વાતો સાબિત થઈ છે. ભાજપે જૂની પેઢીના કોઈ નેતાને યાદ સુધ્ધાં ના કર્યા ને સીધો પંચાલ પર કળશ ઢોળી દીધો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પ જીદે ચડે તો અમેરિકનોની હાલત બગડી જાય
વિદાય લઈ રહેલા સી.આર. પાટીલ તો બહુ મોડે ઉભર્યા પણ પાટિલ પણ ભાજપની આગલી પેઢીના નેતા જ છે. પાટિલ સુરતમાં કાશીરામ રાણાની છત્રછાયામાં ઉછર્યા ને ભાજપે 1995માં કેશુભાઈ પટેલની પહેલી સરકાર રચી ત્યારે જેમને મહત્ત્વનાં બોર્ડ-નિગમોનાં ચેરમેનપદ સોંપાયાં તેમાં પાટીલ એક હતા તેથી પાટીલનો દબદબો ભલે નરેન્દ્ર મોદીના સમયમાં વધ્યો પણ પાટીલ નેતા જૂની પેઢીના જ છે.
જગદીશ પંચાલ તો લાઈમલાઈટમાં જ 2012માં પહેલી વાર ધારાસભ્ય બન્યા પછી આવ્યા, બાકી એ પહેલાં જગદીશ પંચાલ ભાજપના બીજા લાખો કાર્યકરોની જેમ બુથ ઈન્ચાર્જ તરીકે જ કામ કરતા હતા.
જગદીશ પંચાલની વરણી સાથે આનંદીબેન પટેલ જૂથનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ ગયું છે. એક સમયે આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચે અમદાવાદ પર વર્ચસ્વ માટે જંગ ચાલતો પણ અમિત શાહ રાષ્ટ્રીય સ્તરે ગયા પછી ધીરે ધીરે આનંદીબેનની નજીક મનાતા નેતાઓ હાંસિયામાં ધકેલાતા ગયા.
આનંદીબેન પટેલ શાહની નજીક મનાતા વિજય રૂપાણીને ખસેડાવીને પોતાના જૂથના ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીપદે બેસાડવામાં સફળ રહ્યાં ત્યાં સુધી આનંદીબેન પટેલ જૂથનું વર્ચસ્વ હતું પણ ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહની પંગતમાં બેસી ગયા પછી આનંદીબેનનું જૂથ નોંધાં અને નધણિયાતું થઈ ગયું છે.
સી.આર. પાટીલ આનંદીબેન કે અમિત શાહ બંનેમાંથી કોઈ જૂથના નહોતા પણ નરેન્દ્ર મોદીની નજીક હોવાથી સંતુલન સાધવા તેમને પ્રદેશ પ્રમુખપદ સોંપાયેલું. જગદીશ પંચાલ અમિત શાહની નજીક છે એ જગજાહેર છે તેથી હવે ગુજરાતમાં સરકાર અને સંગઠન બંને પર અમિત શાહનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું છે, આનંદીબેન પટેલ જૂથના માણસો શોધ્યા નથી જડતા.
જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખ તો બની ગયા પણ તેમના માટે પડકારો ઓછા નથી અને સૌથી મોટો પડકાર સી. આર. પાટીલે ભાજપને અપાવેલી જંગી સફળતાને જાળવવાનો છે. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને છાકો પાડી દીધો હતો.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભાજપ 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીએ કૉંગ્રેસને 149 બેઠકો જીતાડી એ રેકોર્ડ નહોતા તોડી શક્યા. પાટીલે એ પરાક્રમ કરી બતાવ્યું અને કૉંગ્રેસ સાવ 17 બેઠકો પર સમેટાઈ ગઈ જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો મળી. ગુજરાતમાં હવે પછી વિધાનસભાની ચૂંટણી સવા બે વરસ પછી થવાની છે ત્યારે પંચાલ માટે પાટીલના આ દેખાવનું પુનરાવર્તન કરવાનો પડકાર પણ હશે અને દબાણ પણ હશે.
પંચાલ માટે બીજો મોટો પડકાર આમ આદમી પાર્ટીને ખાળવાનો પણ છે. ગુજરાતમાં ભાજપનું વરસોથી એકહથ્થુ શાસન છે અને ભાજપે કૉંગ્રેસને લગભગ સાફ કરી નાખી છે. આ સાફસૂફીમાં ભાજપનું કૉંગ્રેસીકરણ થઈ ગયું એ અલગ વાત છે પણ ભાજપે કૉંગ્રેસના ભુક્કા કાઢી નાખ્યા છે એ વાત સાચી છે.
2022ની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીના પણ ભુક્કા કાઢી નાખેલા પણ વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત પછી સૌરાષ્ટ્રમાં આપ કાઠું કાઢી રહી હોવાની હવા જામી છે. સૌરાષ્ટ્રમાં પાટીદારો ભાજપથી નારાજ હોવાની પણ ચર્ચા છે. આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી પણ ગોપાલ ઈટાલિયા પડકાર બની રહ્યો છે એ સાચું છે.
ઈટાલિયા સૌરાષ્ટ્રમાં ફરી વળીને આમ આદમી પાર્ટીને બેઠી કરવા મથી રહ્યા છે એ જોતાં 2027ની ચૂંટણી સુધીમાં ભાજપ માટે સમસ્યા સર્જી શકે એ જોતાં પંચાલ માટે આ પણ મોટો પડકાર છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: મોહસિન નક્વી સીધાદોર: વાર્યા ના વળે એ હાર્યા વળે