એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારત પાકિસ્તાન સામે હારેલું? અમેરિકા સત્યનો અવતાર નથી

ભરત ભારદ્વાજ

અમેરિકાની સંસદ એટલે કે કૉંગ્રેસના એક રિપોર્ટના કારણે ઓપરેશન સિંદૂરનો મુદ્દો ફરી ચર્ચામાં છે. યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન યુએસસીસીના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મે 2025માં પહલગામ હુમલા પછી ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો હતો અને ભારત સામેના ચાર દિવસના યુદ્ધમાં પાકિસ્તાનને મોટી લશ્કરી સફળતા મળી હતી. ભારત સરકાર ઓપરેશન સિંદૂરમાં ભારતને મોટી જીત મળી હતી એવા દાવા કરે છે તેનાથી બિલકુલ વિપરિત દાવો આ રિપોર્ટમાં કરાયો છે. બલકે ભારત જીત્યું હતું એવા દાવાનો છેદ જ ઉડાવી દેવાયો છે તેથી ભારતીયો માટે આ રિપોર્ટ આઘાતજનક છે.

બીજી આઘાતજનક વાત એ છે કે, આ રીપોર્ટમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ આતંકવાદી હુમલા તરીકે નથી કરાયો પણ બળવાખોર હુમલા (ઈનસર્જન્ટ એટેક) તરીકે કરાયો છે. ભારતે પહલગામમાં પાકિસ્તાની પીઠ્ઠુ આતંકવાદી સંગઠનો દ્વારા હુમલો કરાયેલો એવું છડેચોક કહીને પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરેલી પણ અમેરિકન રીપોર્ટ તો પહલગામ હુમલાને આતંકવાદી હુમલો માનવા જ તૈયાર નથી તેનાથી વધારે આઘાતજનક બીજું શું કહેવાય? ભારત સરકારે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતનાં કોઈ ફાઈટર જેટ તૂટ્યાં નહીં હોવાનો દાવો કરેલો પણ આ રિપોર્ટ પ્રમાણે, ભારતનાં ઓછામાં ઓછાં 3 ફાઈટર જેટ આ હુમલામાં સાફ થઈ ગયાં હતાં. આ રિપોર્ટ પ્રમાણે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર ચુકાદો: રાજ્યપાલો બેલગામ બનશે

આ રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે, પાકિસ્તાને ભારતનાં રાફેલ ફાઈટર જેટ તોડી પાડ્યાં હોવાનું જૂઠાણું ચીને ફેલાવ્યું હતું કેમ કે પાકિસ્તાને ચીનનાં મિસાઈલ અને શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન પાસે ચીનનાં જે-10 અને જે-35 ફાઇટર જેટ ઉપરાંત ચીનની એચકયુ-9 એર ડીફેન્સ સિસ્ટમ, ઙક-15 મિસાઇલો સહિતનાં શસ્ત્રો છે. આ શસ્ત્રો દુનિયામાં શ્રેષ્ઠ છે અને ફ્રાન્સ સહિતના અમેરિકાના સાથી દેશોનાં ફાઇટર જેટનો તેની સામે કોઈ ક્લાસ નથી એવું સાબિત કરવા માટે ચીન એવાં પડીકાં ફરતાં કરી રહ્યું છે કે, પાકિસ્તાને ભારતનાં રાફેલ ફાઈટર જેટને ઉડાવી દીધાં.

આ રિપોર્ટ 800 પાનાંનો છે ને મૂળ તો ચીન અને અમેરિકાના સંબંધો પરના કમિશને બનાવેલો છે તેથી તેમાં બીજું બધું બહુ પિષ્ટપિંજણ કરાયું છે. તેમાંથી મોટા ભાગનું ચીનની લુચ્ચાઈઓ વિશે છે તેથી આપણને તેની સાથે ઝાઝી લેવાદેવા નથી. આપણા માટે મહત્વનો મુદ્દો ઓપરેશન સિંદૂરને લગતો છે.

અમેરિકા એવું માનતું હોય કે, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન જીત્યું હતું તો આપણા માટે આ વાત બહુ આઘાતજનક કહેવાય કેમ કે આપણે તો છેલ્લા છ મહિનાથી એવું જ માની રહ્યા છીએ કે, ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી અને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આપણી સરકારે આ વાત કરી હતી અને આપણા આર્મીએ પણ આ જ વાત કરી હતી પણ આ રિપોર્ટ તો એવું કહે છે કે, આપણે ભ્રમમાં છીએ ને ખરેખર ભારત નહીં પણ પાકિસ્તાન જીત્યું હતું. આપણી સરકાર કે આર્મીએ કરેલી ઘણી ખરી વાતોને પણ આ રિપોર્ટ ખોટો ગણાવે છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ભાજપ મધ્ય પ્રદેશ ફોર્મ્યુલાથી વરસમાં નીતિશને ઘરભેગા કરી શકે

આ રિપોર્ટ સાચો જ હોય એ જરૂરી નથી કેમ કે અમેરિકનો કંઈ દેવના દીકરા નથી કે રાજા હરિશ્ચંદ્રનો અવતાર પણ નથી કે સાચું જ બોલે. અમેરિકા દુનિયામાં સૌથી લુચ્ચું પ્રાણી છે અને પોતાનાં હિતોને સાચવવા નરાતર જૂઠ બોલવામાં કે ખોટી વાતો ફેલાવવામાં અમેરિકાને કોઈ છોછ નથી. બલકે જૂઠાણાં ફેલાવવા માટે અમેરિકાનું આખું તંત્ર કામ કરે છે. અમેરિકાએ જાત જાતનાં કમિશન બનાવ્યાં છે જે આવા રિપોર્ટ બનાવીને પોતાને ના ફાવે એવા દેશોની મેથી મારે છે. માનવાધિકારથી માંડીને આતંકવાદ સુધીના મુદ્દે અમેરિકાની સંસદનાં કમિશન આ જ કામ કરે છે.

અમેરિકા પોતાના રિપોર્ટ વિશ્વસનીય લાગે એ માટે તેમને નિષ્પક્ષતાનાં વાઘાં પહેરાવે છે. યુએસસીસીને પણ એવાં વાઘાં પહેરાવવા માટે રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષના સાંસદોને તેમાં રખાયા છે. આ કમિશન ચીન અને અમેરિકાના આર્થિક અને સુરક્ષા સંબંધો પર નજર રાખે છે, સંતુલિત રીતે દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યું હતું.જે દર વર્ષે ચીન શું કરી રહ્યું છે અને વિશ્વ પર એની શું અસર પડી રહી છે તેનો અહેવાલ તૈયાર કરે છે. સાથે સાથે ચીન દ્વારા ઊભા કરાતા પડકારોનો સામનો કેવી રીતે કરવો એ અંગે ભલામણો પણ કરે છે.

ટૂંકમાં આ કમિશનનું મુખ્ય કામ અમેરિકાનાં હિતો સાચવવાનું છે ને અત્યારે અમેરિકાને ભારત નહીં પણ પાકિસ્તાન સાથે સારાસારી રાખવાથી ફાયદો થશે એવું લાગે છે તેથી પાકિસ્તાનનાં વખાણ કરી દેવાયાં છે. પાકિસ્તાનીઓ ભારતને યુદ્ધમાં હરાવવાની અતૃપ્ત ઈચ્છાથી વરસોથી પિડાય છે. અમેરિકાએ પાકિસ્તાનની આ નબળાઈનો લાભ લેવા તેને ફુલણજી કાગડો બનાવવા માટે ભારત સામે જીત્યું હોવાનો રિપોર્ટ બનાવડાવી દીધો હોય એ પૂરી શક્યતા છે તેથી આ રીપોર્ટને સાચો માનીને આપણે દુ:ખી થવાની જરૂર નથી પણ ભારત સરકાર આ રિપોર્ટ સામે ચૂપ છે એ જોઈ ચોક્કસ દુ:ખ થાય છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ બિહારમાં હાર, કૉંગ્રેસનું ‘નાચ ના જાને આંગન ટેઢા’

અમેરિકાના કમિશનનો રિપોર્ટ ભારત સરકારને જૂઠ્ઠી સાબિત કરે છે. ભારત સરકારે ઓપરેશન સિંદૂરમાં જીતનો ખોટો દાવો કરેલો એવું સાફ શબ્દોમાં કહે છે એ જોતાં આ રિપોર્ટ અંગે માત્ર ચોખવટ જ નહીં પણ આકરી પ્રતિક્રિયા પણ જરૂરી છે. અમેરિકાનો રિપોર્ટ કહે છે એ પ્રમાણે ભારતનાં 3 ફાઈટર જેટ તૂટ્યાં હતાં કે નહીં એ ચોખવટ પણ થવી જોઈએ કેમ કે ભારતની પ્રજાને એ જાણવાનો અધિકાર છે.

આ રિપોર્ટ સામે ચીને તરત રીએક્શન આપીને રિપોર્ટને જ મોટું જૂઠાણું ગણાવ્યું છે ત્યારે ભારત સરકારની ચૂપકીદી ખટકે છે. આ ચૂપકીદીના કારણે એવી છાપ ઊભી થઈ રહી છે કે, અમેરિકાનો રિપોર્ટ સાચો છે અને ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન જ જીત્યું હતું. ભારત સરકારે આ જૂઠાણાને ખોટું સાબિત કરવું જ જોઈએ.

આ રિપોર્ટ એ વાતનો પુરાવો છે કે, ભારત ગમે તે કરે પણ અમેરિકાને ભારતનાં નહીં પણ પોતાનાં હિતો સાચવવામાં જ રસ છે. આ કારણે અમેરિકા ભારતને નીચાજોણું કરાવીને પાકિસ્તાનને થાબડવાની ગંદી રમત રમી રહ્યું છે. અમેરિકાને પાકિસ્તાન પાસેથી રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનિજો જોઈએ છે તેથી તેના માટે પાકિસ્તાનને ભારત સામે વિજેતા જાહેર કરવામાં પણ તેને છોછ નથી. અમેરિકાની આ ગંદી રમત જોયા પછી હવે તો આપણી આંખ ઉઘડવી જ જોઈએ. ક્યાં સુધી દોસ્તીની દુહાઈઓથી ખુશ થઈશું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button