એકસ્ટ્રા અફેરઃ નૌગામનો બ્લાસ્ટ, વિસ્ફોટકોને કાશ્મીર કેમ લઈ જવાયા?

ભરત ભારદ્વાજ
દિલ્હીમાં 13 લોકોનો ભોગ લેનારા બૉમ્બ વિસ્ફોટને લગતી ઘણી બધી બાબતોના જવાબ હજુ મળી રહ્યા નથી ત્યાં જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટે નવું રહસ્ય ઊભું કર્યું છે.
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરના રોજ રાત્રે 11:22 વાગ્યે થયેલા વિસ્ફોટમાં 9 લોકો માર્યા ગયાં હતાં અને 32 લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા નવ લોકોમાં એક ઇન્સ્પેક્ટર, ફોરેન્સિક ટીમના ત્રણ સભ્યો, ક્રાઇમ બ્રાન્ચના બે ફોટોગ્રાફર, બે મહેસૂલ અધિકારીઓ અને એક દરજીનો સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીરના ડીજીપી એટલે કે નલિન પ્રભાતે દાવો કર્યો છે કે, બ્લાસ્ટ અકસ્માતે થયો હતો. દિલ્હીમાં બ્લાસ્ટના એક દિવસ પહેલાં ફરીદાબાદમાંથી 2900 કિલો વિસ્ફોટકો પકડાયાં હતાં. આ વિસ્ફોટકો શ્રીનગર લવાયાં હતા અને તેમના સેમ્પલિંગ દરમિયાન વિસ્ફોટકો ફૂટ્યાં તેમાં 9 લોકો ઉપર પહોંચી ગયા.
કાશ્મીરના પોલીસ વડાએ બ્લાસ્ટ અંગે જે વાતો કરી એ એકદમ હમ્બગ છે અને તેમની વાતો પરથી લાગે છે કે, દાળમાં કંઈક કાળું છે. સેમ્પલિંગ દરમિયાન વિસ્ફોટ કઈ રીતે બ્લાસ્ટ થયો ત્યાંથી માંડીને હરિયાણાના ફરીદાબાદમાં પકડાયેલા વિસ્ફોટકો શ્રીનગર શું કરવા લવાયાં ત્યાં સુધીના મુદ્દે સત્તાવાર રીતે કરાયેલી ચોખવટો ગળે ઉતરે એવી જ નથી.
સેમ્પલિંગ વખતે વિસ્ફોટકો કઈ રીતે ફૂટી ગયાં એ અંગે તો પોલીસ વડા કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા જ નથી પણ બીજી વાતો પણ ગોળ ગોળ કરી છે એ જોતાં આખો મામલો શંકાસ્પદ બની ગયો છે. સૌથી મોટો સવાલ તો ફરીદાબાદમાં પકડાયેલા વિસ્ફોટકો શ્રીનગર શુ કરવા લવાયાં એ જ છે. 9-10 નવેમ્બરના રોજ દરોડા દરમિયાન ફરીદાબાદમાંથી 2900 કિલો વિસ્ફોટકો પકડાયાં હતાં અને 4 ડોક્ટર પણ પકડાયા હતા.
પોલીસનું કહેવું છે કે, તમામ પ્રોટોકોલનું પાલન કરીને ટાટા 407 વાહનમાં નાની બેગમાં આ વિસ્ફોટકોને કાશ્મીર લઈ જવામાં આવ્યા હતા કેમ કે 19-20 ઓક્ટોબરે નૌગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસની પ્રોપર્ટી સાથે ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકો જોડાયેલા હતા. આ કારણે તેમનાં સેમ્પલ લેવા માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
આ આખી વાત જ ગધેડાને તાવ આવી જાય એવી છે. સામાન્ય રીતે કોઈ પણ કેસમાં પકડાયેલા મુદ્દામાલને જ્યાંથી પકડાયો હોય ત્યાં જ રાખવામાં આવે છે. તેની સાથે સંકળાયેલા બીજા કેસોની તપાસ કરતા અધિકારી આવીને તપાસ કરે, ચકાસણી કરે એ શિરસ્તો છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર (સીઆરપીસી)ની કલમ 451 હેઠળ મુદ્દામાલને એક જગાએથી બીજી જગાએ ખસેડી શકાય છે પણ એ માટે કોર્ટની પરવાનગી જરૂરી છે. ફરીદાબાદનાં વિસ્ફોટકો ખસેડવા માટે એ મંજૂરી લેવાઈ હશે એવું માની લઈએ તો પણ સવાલ એ છે કે ખરેખર એવી જરૂર હતી ખરી ? બિલકુલ નહોતી. આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં વિસ્ફોટકો લઈ જવા જેવી મૂર્ખામી બીજી કોઈ ના કહેવાય.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ બિહારમાં ભાજપ નીતીશને કોરાણે મૂકીને સરકાર રચી શકે
શ્રીનગરમાં કેસ નોંધાયો હતો તો શ્રીનગરના પોલીસ અધિકારી ફરીદાબાદ આવીને સેમ્પલ લઈ શક્યા હોત કે મુદ્દામાલની ચકાસણી કરી શક્યા હોત. ખાલી સેમ્પલ લેવા માટે સાડા આઠસો કિલોમીટર દૂર વિસ્ફોટકો મોકલવાની જરૂર શું હતી એ જ સમજાતું નથી. દિલ્હી ફરીદાબાદથી માંડ 30 કિલોમીટર દૂર છે અને આ કેસ આતંકવાદનો છે એ જોતાં બધો મુદ્દામાલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપીને દિલ્હી ભેગો કરી દેવાયો હોય તો પણ હજુ સમજાય પણ વિસ્ફોટકોને શું કરવા કાશ્મીર મોકલાયાં એ સમજવું અઘરું છે. વાહન, ઢોર કે બીજો કોઈ મુદ્દામાલ હોય તેને 407 મિનિ ટ્રકમાં મોકલાય એ સમજાય પણ વિસ્ફોટકો જેવો મોતનો સામાન શું કરવા કાશ્મીર મોકલાયો એ ખબર પડતી નથી તેથી આખો મામલો ભેદી લાગે છે.
દિલ્હીમાં 13 લોકોનો ભોગ લેનારા વિસ્ફોટકો ફરીબાદાબમાંથી પકડાયેલાં વિસ્ફોટકોના જથ્થાના જ હતા એવું કહેવાય છે. આ મોતનો સામાન આતંકવાદીઓ કે અસામાજિક તત્ત્વો પોલીસ સ્ટેશન પર ત્રાટકીને લૂંટી જાય એ ખતરો હોવા છતાં પોલીસ સ્ટેશનમાં કઈ રીતે રાખી શકાય એ પણ મુદ્દો છે. ટાટા 407માં સાડા આઠસો કિલોમીટર દૂર લઈ જતી વખતે રસ્તામાં તેને લૂંટી લેવાનો કે ઉડાવી દેવાનો પ્રયત્ન થઈ શકે છતાં આ ખતરો કેમ ઉઠાવાયો એ સવાલનો જવાબ પણ મળતો નથી.
જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડા આ ધડાકાને અકસ્માતમાં ખપાવે છે પણ નિષ્ણાતોનું કહેવું છે કે, આ રીતે સેમ્પલિંગ દરમિયાન વિસ્ફોટકો ફૂટી જ ના શકે. નિષ્ણાતોના મતે, એકલા એમોનિયમ નાઈટ્રેટથી કે બીજા કોઈ પણ તત્ત્વથી કદી વિસ્ફોટ ના થઈ શકે. આ રીતે વિસ્ફોટ થઈ શકતાં હોય તો પરમાણુ બોમ્બ બનાવવા માટે મોટાં મોટાં રીએક્ટર કે બીજી સવલતો ઊભી કરવાની જરૂર જ ના પડે. યુરેનિયમ કે પ્લુટોનિયમને એનરિચ કરી નાખો એટલે બોમ્બ તૈયાર થઈ જાય પણ એવું થતું નથી.
સામાન્ય બૉમ્બને ફોડવા માટે પણ ડિટોનેટર અને ફ્યુઝ તો જોઈએ જ અને તેના વિના બ્લાસ્ટ ના થઈ શકે. હિંદી ફિલ્મોમાં માચીસ ફેંકીને બ્લાસ્ટ કરી દેવાય છે એવું વાસ્તવિક રીતે ના થઈ શકે. માચિસ કે બીજી રીતે આગ લાગવાથી વિસ્ફોટ શક્ય જ નથી. સામાન્ય આગ લાગવાથી બ્લાસ્ટ થઈ જતા હોય તો બોમ્બ બનાવનારા લોકોની જરૂર શું ? ગમે તે કોઈ બૉમ્બ બનાવી લે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં 358 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કર્યા તેમાં ડેટોનેટર પણ હતા પણ એ વિસ્ફોટકો સાથે જોડાયેલાં નહોતાં તેથી વિસ્ફોટ ના થઈ શકે તો પછી નૌગામ પોલીસ સ્ટેશનમાં કઈ રીતે બ્લાસ્ટ થયો ?
આ તો બે સૌથી મહત્ત્વના સવાલ છે પણ બીજા પણ ઘણા નાના નાના સવાલોના જવાબ છે જેના જવાબ મળતા નથી. નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં એક દરજીનું પણ મોત થયું છે. વિસ્ફોટકો જેવા સંવેદનશીલ વિષયની તપાસમાં દરજી શું કરતો હતો? ખબર નથી.
નૌગામ પોલીસ સ્ટેશનનો બ્લાસ્ટ રહસ્યમય છે પણ આ રહસ્ય કદી બહાર નહીં આવે કેમ કે ભારતમાં લોકોના જીવની કોઈ કિંમત નથી. બ્લાસ્ટ થયો ને 9 લોકો મરી ગયાં તો મરી ગયાં, તેના માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાં કે કાર્યવાહી કરવાની આપણે ત્યાં પરંપરા જ નથી. દેશનાં લોકોને સલામત રાખવાની જવાબદારી સરકારની પણ છે અને સુરક્ષા એજન્સીઓની પણ છે પણ આ જવાબદારી ના નિભાવાય તો તેમનું કશું કોઈ ઉખાડી શકતું નથી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: કોલકાતામાં ટીમ ઈન્ડિયાનું ધોળકું, શરમજનક હાર નવી વાત નથી


