એકસ્ટ્રા અફેર: કાવડ યાત્રાના બહાને મુસ્લિમ તુષ્ટિકરણ, દિગ્વિજય નહીં સુધરે

- ભરત ભારદ્વાજ
લાંબા સમયની શાંતિ પછી કૉંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર દિગ્વિજયસિંહ પાછા વરતાયા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે તેથી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂ થતી કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. દિગ્વિજયસિંહે કાવડ યાત્રાના બહાને પાછો મુસ્લિમ તુષ્ટિકરણનો ખેલ માંડી દીધો છે અને કાવડ યાત્રા ટાણે જ તેમણે વખારમાંથી કાઢીને એક તસવીર મૂકી દીધી છે કે જેમાં રસ્તા પર નમાઝ પઢી રહેલા એક મુસ્લિમને એક પોલીસવાળો લાત મારી રહ્યો છે.
દિગ્વિજયે આ તસવીરની સાથે રોડ પર મુકાયેલી કાવડોની તસવીર પણ મૂકી છે. `એક દેશ, બે કાયદા’ હેડિગ હેઠળ મુકાયેલી બે તસવીરો દ્વારા દિગ્વિજયસિંહે આક્ષેપ કર્યો છે કે, યોગી આદિત્યનાથ સરકાર બેવડાં ધોરણો બતાવી રહી છે કેમ કે કાવડ યાત્રા માટે રસ્તા ખોલી દેવાયા છે જ્યારે રસ્તા પર નમાઝ પઢી રહેલા મુસ્લિમો પર અત્યાચારો કરાય છે.
દિગ્વિજયસિંહની આ સોશ્યલ મીડિયા પોસ્ટ એ વાતનો પુરાવો છે કે, કૂતરાની પૂંછડી વાંકી વાંકી ને વરસો લગી પાઈપમાં રાખો તોય સીધી ના જ થાય. સાથે સાથે દિગ્વિજય સહિતના નેતાઓને મુસ્લિમ તુષ્ટિકરણ માટે હિંદુઓની લાગણી પર પ્રહાર કરવામાં ને જૂઠાણાં ચલાવવામાં પણ કોઈ છોછ નથી નડતો એ પણ સાબિત થયું છે.
દિગ્વિજયે મૂકેલી મુસ્લિમને લાત મારતી પોલીસની તસવીર દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારની છે અને ચાર મહિના જૂની છે. આ વર્ષના માર્ચમાં આ ઘટના બની પછી આ પોલીસને સસ્પેન્ડ કરી દેવાયો હતો. દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે ને કેન્દ્રમાં ભાજપની સરકાર છે.મુસ્લિમ શ્રદ્ધાળુ સાથે ખરાબ વ્યવહાર કરનારા પોલીસને ભાજપની સરકારે જ સજા આપી હતી પણ દિગ્વિજયે એ વાત ગુપચાવીને મુસ્લિમો પર ભાજપ શાસનમાં અત્યાચારો થાય છે એવું સદંતર જૂઠાણું ચલાવ્યું છે.
દિગ્વિજયે રોડ પર કાવડો મુકાયેલી હોવાની તસવીર મૂકી છે એ પણ વિકૃત માનસિકતાનો પરચો છે. રસ્તા પર નમાઝ પઢવાથી ટ્રાફિક જામ થાય છે અને લોકોને તકલીફ પડે છે તેથી તેનો વિરોધ થાય છે પણ કાવડ યાત્રાના કારણે પણ એવું જ થાય છે છતાં કોઈ પગલાં નથી લેવાતાં એવું દિગ્વિજય સ્થાપિત કરવા મથે છે પણ આ પણ મોટું જૂઠાણું છે.
કાવડ યાત્રાના કારણે કોઈને તકલીફ નથી પડી રહી અને વાહનવ્યવહાર શાંતિથી ચાલી રહ્યો છે એવું દિગ્વિજયે મૂકેલી તસવીરમાં જ દેખાય છે એ જોતાં રસ્તા પર નમાઝ પઢવાથી થતી તકલીફો સાથે તેને સરખાવી ના શકાય. બીજું એ કે કાવડ યાત્રાનો રૂટ વરસોથી નક્કી જ છે અને આ રૂટ સાથે હિંદુઓની ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે તેથી તેને બદલી ના શકાય. લોકોને આ વાતની ખબર જ હોય છે તેથી લોકો વૈકલ્પિક રૂટ પસંદ કરે છે. તેના કારણે પણ તકલીફ નથી પડતી. બીજું એ કે, મુસ્લિમોના તાજિયા વખતનાં જુલૂસ કે બીજા કાર્યક્રમોના કારણે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય જ છે. આ દેશના હિંદુઓ સહિષ્ણુ છે તેથી મુસ્લિમોની શ્રદ્ધાને લગતી બાબતોને કારણે પડતી તકલીફો સહન કરે જ છે ને?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ‘નાટો’ની પ્રતિબંધોની ધમકી: ભસતાં કૂતરાં કરડે નહીં
ઉત્તર ભારતમાં કાવડ યાત્રાની પરંપરા બહુ જૂની છે અને કરોડો હિંદુઓની શ્રદ્ધા તેની સાથે જોડાયેલી છે. તેની વિરુદ્ધ બોલવાથી હિંદુઓ રાજી થાય ખરા ? કાવડ યાત્રા સાથે હજારો ગામો જોડાયેલાં છે. મહાદેવ એટલે કે ભગવાન શિવની કાવડ યાત્રા શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂ થાય છે. 15 દિવસ સુધી ચાલતી કાવડ યાત્રા દરમિયાન કાવડિયા તરીકે ઓળખાતા લોકો પગપાળા ઉત્તરાખંડના હરિદ્વાર, ગૌમુખ, ગંગોત્રી સહિતનાં ગંગા નદીના કિનારે આવેલાં તીર્થસ્થાનોમાં આવે છે. હિંદુઓનાં આ ધર્મસ્થાનોમાંથી કાવડિયા મોટા કળશોમાં ગંગાજળ ભરીને તેને કાવડમાં લટકાવીને પોતપોતાનાં ગામ જાય છે.
ગંગા નદીના જળથી કાવડિયાના ગામ તથા આસપાસના શિવમંદિરમાં અભિષેક કરે છે. કાવડ યાત્રાનું સૌથી મોટું સ્થાન હરિદ્વાર છે. મોટા ભાગના કાવડિયા ગંગાજળ લેવા માટે હરિદ્વારમાં ઊમટે છે કેમ કે હરિદ્વાર ઉત્તર ભારતની ચાર ધામ યાત્રાનું એક તીર્થસ્થાન છે અને હિંદુઓમાં હરિદ્વાર માટે સૌથી વધારે ભક્તિભાવ છે.
કાવડ યાત્રાનું કેન્દ્રસ્થાન ઉત્તરાખંડ હોવાથી ભલે ઉત્તરાખંડમાં લાખો કાવડિયા ઊમટતા પણ તેની અસર સૌથી વધારે ઉત્તર પ્રદેશને થાય છે. ઉત્તરાખંડની સરહદ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ બે રાજ્યોને અડકે છે તેથી હિમાચલ પ્રદેશથી પણ કાવડિયા ઉત્તરાખંડમાં પ્રવેશે છે પણ વધારે કાવડિયા ઉત્તર પ્રદેશની સરહદેથી પ્રવેશે છે. છેક મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનથી કાવડિયા આવે છે.
આ બધા કાવડિયા ઉત્તર પ્રદેશની સરહદેથી પ્રવેશે છે તેથી સૌથી વધારે હલચલ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ બહુ લાંબી છે. યુપીના બિજનૌર, સહારનપુર, મુઝફ્ફરનગર અને મેરઠ એ ચાર જિલ્લામાંથી ઉત્તરાખંડમાં ઘૂસી શકાય છે. આ વિસ્તાર મેદાની પ્રદેશ છે તેથી ઠેર ઠેર કાવડિયાઓ છાવણીઓ નાંખીને પડ્યા હોય છે. લાખોની સંખ્યામાં આવતા આ કાવડિયાઓ ઉત્તર ભારતનાં ગામેગામના પ્રતિનિધિ છે ત્યારે તેમની વિરૂધ્ધ બોલવામાં કોઈ ફાયદો જ નથી.
દિગ્વિજયની હરકત એ વાતનો પુરાવો છે કે, કૉંગ્રેસીઓ ભૂતકાળમાંથી કશું શીખ્યા નથી અને હિંદુઓની લાગણી દુભાવવામાં ને દુભાવવામાં પતી ગયા તોય સાન ઠેકાણે આવતી નથી. તેમને હજુય એવું જ લાગે છે કે, હિંદુઓને ગાળો દેવાથી ને મુસ્લિમોના પગોમાં આળોટવાથી પાછી સત્તા મળશે.
દિગ્વિજયસિંહ કૉંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર છે. કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ પડી ગઈ અને હિંદુઓ કૉંગ્રેસથી દૂર ભાગવા માંડ્યા તેના મૂળમાં દિગ્વિજયસિંહ સહિતના નેતાઓ છે. આ નેતાઓને મુસ્લિમો માટે ખરેખર પ્રેમ છે કે નહીં એની તેમને ખબર પણ પોતાની જાતને મુસ્લિમોના હમદર્દ તરીકે સ્થાપિત કરવાની એક તક આ નેતા છોડતા નથી. એ લોકો મુસ્લિમોના હમદર્દ બને તેમાં પણ આપણને વાંધો નથી પણ તકલીફ એ છે કે, હિંદુઓને ગાળો દેવાથી મુસ્લિમો રાજી થાય છે એવા ભ્રમમાં એ લોકો જીવે છે. તેના કારણે હિંદુઓની લાગણી દુભાય એવા લવારા કર્યા કરે છે ને તેમાં ને તેમાં કૉંગ્રેસ મુસ્લિમ પાર્ટી તરીકે ચિતરાઈ ગઈ છે, હિંદુઓ કૉંગ્રેસના નામથી ભડકે છે છતાં આ નેતા છાસવારે આ જ બકવાસ કરવા બેસી જાય છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : યમનમાં નિમિષા બચી જાય તો મોટો ચમત્કાર ગણાય