ગ્રોકને સ્પષ્ટતા કરવા ફરમાન, યે તો હોના હી થા………..

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી એલન મસ્કની કંપની એક્સએઆઈ દ્વારા વિકસાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટ બોટ ગ્રોકની ભારે ધૂમ છે. એઆઈ ચેટ બોટમાં તમે કોઈ પણ સવાલ પૂછો તેનો પહેલાંથી ફીડ કરેલો જવાબ મળતો હોય છે. ગ્રોક 3ને પણ યુઝર્સ સવાલો પૂછી રહ્યા છે ને આવા સેંકડો સવાલો રોજ પુછાતા હશે, પણ ગ્રોકની ધૂમનું કારણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી, ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિનાયક દામોદર સાવરકર વગેરેને લગતા સવાલોના જવાબ છે. આ જવાબોના કારણે મોદીભક્તોમાં તો સોપો પડી ગયો જ છે, પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ ખળભળી ગઈ છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી
કેન્દ્ર સરકારે એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર મસ્કની જ કંપની એક્સએઆઈના ચેટબોટ ગ્રોક દ્વારા અપાતા જવાબો અંગે ચિંતા વ્યક્ત કરીને ખુલાસો માંગ્યો છે. સરકારે ગ્રોક દ્વારા જનરેટ કરાતા જવાબો અને ચેટબોટને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા અંગે સ્પષ્ટતા માંગી છે. સરકારે ક્યા ક્યા સવાલો અંગે સ્પષ્ટતા માગી તેની વિગતો મીડિયા રીપોર્ટમાં નથી, પણ આ સવાલ-જવાબ કયા હશે ને આ માહિતી કેમ માંગવામાં આવી એ કહેવાની જરૂર નથી.
મોદી સરકારે આ સ્પષ્ટતા માંગવી પડી તેનું કારણ અચાનક જ મોદી, ભાજપ, સંઘને લગતા સવાલનું આવી ગયેલું ઘોડાપૂર છે. મોદીએ 2014માં ચૂંટણીપ્રચારમાં આપેલાં વચનોથી માંડીને મોદીની ડિગ્રી સુધીના સવાલોના જવાબો મોદીભક્તોને માફક આવે એવા નથી. ભારતમાં મીડિયા અને સોશિયલ મીડિયા બંને મોદીભક્તિમાં લાગેલાં છે. મોદી અને મોદીભક્તોની વાતોને ચકાસ્યા વિના બ્રહ્મવાક્ય હોય એ રીતે મીડિયા છાપી મારે છે અથવા બતાવી દે છે અને સોશિયલ મીડિયા તેને વાયરલ કરે છે. આ વાતોમાં સત્ય છે કે નહીં તેની કોઈને પરવા નથી કેમ કે ચોક્કસ એજન્ડાના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે. હવે મસ્કની કંપની એવો જ કહેવાતો મોદીવિરોધી એજન્ડા લઈને મેદાનમાં આવી છે તેથી મોદી સરકાર ભડકી ઊઠે એ સ્વાભાવિક છે.
મસ્કની કંપનીનો કહેવાતો મોદીવિરોધી એજન્ડા તેની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે છે. એલન મસ્કની કંપનીએ ગ્રોક 17 ફેબ્રુઆરી, 2025ના રોજ લૉંચ કરેલું, પણ બહુ જાણીતું નહોતું થયું. મહિના પહેલાં લૉંચ કરાયેલા ગ્રોકના ત્રીજા વર્ઝન વિશે ભારતીયોને બહુ ખબર જ નહોતી એમ કહીએ તો ચાલે, પણ અચાનક છેલ્લા એક અઠવાડિયાથી ગ્રોક ત્રણ લાઈમલાઈટમાં આવી ગયું. અત્યારે ગ્રોકને સૌથી વધુ સવાલો ભારતમાંથી પુછાઈ રહ્યા છે અને તેના જે જવાબો ગ્રોક તરફથી મળી રહ્યા છે એ વાયરલ થઈ રહ્યા છે. મસ્કે મોદીને ટાર્ગેટ કર્યા છે એ સ્પષ્ટ છે કેમ કે ભારતમાં મોદીના નામે ગમે તે માલ વેચાઈ શકે છે.
આ જવાબો સામે મોદીભક્તો મતિમૂઢ થઈ ગયા છે કેમ કે શું જવાબ આપવો ને કોને આપવો એ જ ખબર પડતી નથી. કેટલાક મોદીભક્તોએ ગ્રોકનું સંચાલન કૉંગ્રેસના આઈટી સેલ દ્વારા થાય છે એવી વાતો ચલાવવા પ્રયત્ન કર્યો, પણ એ વાત કોઈને ગળે ઊતરે એવી નથી. એલન મસ્ક દુનિયાનો સૌથી ધનિક માણસ છે ને આખી કૉંગ્રેસને ખરીદી શકે એટલાં નાણાં તેની પાસે છે ત્યારે રૂપિયાને ખાતર એ કૉંગ્રેસ સાથે હાથ મિલાવી લે એ વાતમાં માલ નથી. મસ્કનો ઈરાદો ગ્રોકને જાણીતું કરવાનો છે ને એ માટે તેણે મોદીના નામે માલ વેચવા માંડ્યો છે એ સ્પષ્ટ છે.
ગ્રોક દ્વારા અપાતા જવાબો વિવાદાસ્પદ છે તેમાં પણ બેમત નથી ને ઘણા જવાબોને સત્ય સાથે લેવાદેવા નથી એવું પણ સ્પષ્ટ દેખાય. ઉદાહરણ તરીકે ગ્રોકને એક યુઝર દ્વારા સવાલ પુછાયો હતો કે, ક્યા ભારતીયના સૌથી વધારે ફેક ફોલોઅર હોઈ શકે છે? ગ્રોકે જવાબ આપ્યો કે, નરેન્દ્ર મોદીના સૌથી વધારે બનાવટી ફોલોઅર હોવાની શક્યતા છે કેમ કે મોદીના કુલ 10 કરોડ ફોલોઅર છે અને 2018માં થયેલા એક અભ્યાસમાં તેમના 60 ટકા ફોલોઅર નકલી હોવાનો દાવો કરાયો હતો. 2025ના આધારભૂત આંકડા ઉપલબ્ધ નથી. એક અંદાજ પ્રમાણે, નરેન્દ્ર મોદીના 60 ટકા ફોલોઅર નકલી હોવાની શક્યતા છે કે જે કોઈ પણ ભારતીય કરતાં વધારે છે.
હવે ગ્રોક પોતે જ કહે છે કે, કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી ને છતાં મોદીના સૌથી વધારે ફેક ફોલોઅર હોવાનો દાવો કરાય એ જૂઠાણું જ કહેવાય. ગ્રોકે કહ્યું છે કે, મોદી અને અદાણીના ગાઢ સંબંધો અને અદાણી સામેના લાંચના આરોપોને કારણે મોદી અદાણીના ભ્રષ્ટાચારના ભાગીદાર હોઈ શકે છે. મોદી દ્વારા અદાણી તરફ પક્ષપાતના પુરાવા અસ્તિત્વમાં છે, પણ ભ્રષ્ટાચારમાં મોદીની સીધી સંડોવણીના પુરાવા નથી. હવે જેના પુરાવા નથી તેને સત્ય કઈ રીતે માની શકાય?
ગ્રોકના વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોની સૌથી વધારે વાર માફી માગેલી કે અંગ્રેજો પાસેથી પેન્શન લીધેલું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દેશની આઝાદીની લડતમાં કોઈ ભૂમિકા નહોતી એ પ્રકારના જવાબો સાચા છે, પણ બીજા જવાબો ધારણા આધારિત છે અને ગ્રોકના જવાબોને કોઈ આધાર નથી. એ છતાં મોદી સરકાર ફફડી ગઈ છે કેમ કે ભાજપને ખબર છે કે, સોશિયલ મીડિયા બેધારી તલવાર છે. નરેન્દ્ર મોદી અને ભાજપે રાજકીય ફાયદા માટે તેનો ભરપૂર ઉપયોગ કર્યો છે એ રીતે ગ્રોકની માહિતીનો ઉપયોગ પણ ભાજપને પછાડવા થઈ શકે છે.
આ પણ વાંચો:એકસ્ટ્રા અફેરઃ શમીની ટીકા બકવાસ, ધર્મ કરતાં દેશ મોટો…
રાહુલ ગાંધીને પપ્પુ ચીતરવા માટે અને હિંદુત્વને લગતાં જૂઠાણાં ફેલાવવા ભાજપ અને મોદીભક્તોએ સોશિયલ મીડિયાનો કેવો દુરૂપયોગ કર્યો એ સૌ જાણે છે. નરાતર જૂઠાણાં અને કુપ્રચાર દ્વારા મુસ્લિમો વિરોધી ભરપૂર પ્રચાર પણ કરાયો ને ભારતના કહેવાતા વિકાસની મોટી મોટી વાતો કરીને દેશ વિશ્વગુરુ બની ગયો હોવાનું ભ્રામક ચિત્ર પણ ઊભું કરાયું. હવે એ જ સોશિયલ મીડિયા એ જ પ્રકારની વાતો નરેન્દ્ર મોદી, ભાજપ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કરે છે ત્યારે મોદી સરકારને મરચાં લાગે છે. ભારતની બહુમતી પ્રજાનું વાંચન બહુ ઓછું છે તેથી સોશિયલ મીડિયા પર જે પણ પિરસાય તેને ગળે ઉતારી લે છે. તેને પરમ સત્ય માની લે છે. મોદી ને ભાજપે તેનો બહુ લાભ લીધો પણ હવે બીજા લાભ લે એ તેમને ગમતું નથી.