એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ લાલુના મહાભ્રષ્ટ પરિવારને કેમ કશું થતું નથી?

ભરત ભારદ્વાજ

ભારતમાં સૌથી ભ્રષ્ટ રાજકારણી પરિવારોમાંથી એક લાલુપ્રસાદ યાદવના પરિવારનો પગ પાછો કુંડાળામાં પડ્યો છે અને કોર્ટે આખા પરિવાર સામે લેન્ડ ફોર જોબ કેસ’માં આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે.લેન્ડ ફોર જોબ કેસ’ વરસોથી ગાજે છે પણ આ દેશમાં ન્યાયતંત્ર રગશિયાં ગાડાની જેમ ચાલે છે એટલે અત્યાર લગી આરોપો જ નહોતા ઘડાયા. સીબીઆઈએ કૌભાંડમાં સંડોવાયેલા 103 આરોપીઓ સામે તપાસ કરેલી પણ તેમાંથી પાંચનાં મોત થઈ જતાં બાકીના 98 લોકોની ભૂમિકાનો રિપોર્ટ પણ આપી દીધેલો પણ લાલુના પરિવારે કૌભાંડ સાથે પોતાને કંઈ લેવાદેવા નથી એવો દાવો કરીને અરજી કરી નાંખેલી તેમાં મુદતો પડ્યા કરતી હતી.

શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અચાનક જ લાલુના પરિવારની અરજી ફગાવીને 46 લોકો સામે આરોપો ઘડવાનું ફરમાન કરી નાંખ્યું જ્યારે 52 લોકોને નિર્દોષ છોડી મૂક્યા. કોર્ટે એવી ટીકા પણ કરી કે, લાલુ યાદવ અને તેમનો પરિવાર કોઈ ક્રિમિનલ ગેંગની જેમ કામ કરી રહ્યા હતા અને લોકોને ખંખેરીને ભ્રષ્ટાચાર કરવા વ્યાપક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. લાલુ પ્રસાદ યાદવે પોતાના પરિવાર ( એટલે કે દીકરીઓ, પત્ની અને દીકરાઓ માટે જમીનો સહિતની સ્થાવર મિલકતો હડપ માટે સરકારી નોકરીને સોદાબાજીના હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો તેથી પ્રાથમિક દૃષ્ટિએ જ લાલુ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા છે.

કોર્ટે સીબીઆઈ દ્વારા લાલુ યાદવ અને તેમના પરિવાર સામે મુકાયેલા પુરાવા સાચા હોવાનું પણ સ્વીકાર્યું છે તેથી લાલુ યાદવ અને તેમના પરિવારનાં લોકો સહિત કુલ 46 આરોપીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(2) અને 13(1)(મ) હેઠળ આરોપો ઘડાયા છે. હવે બધાં સામે ટ્રાયલ ચાલશે અને તેનો નિવેડો ક્યારે આવશે એ ખબર નથી પણ લાલુ પ્રસાદ અને તેમના પરિવારની ભ્રષ્ટ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરાઈ ગયું છે.

લાલુના પક્ષ રાષ્ટ્રીય જનતા દળે લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા તેને કાવતરું ગણાવ્યું છે. આરજેડીનું કહેવું છે કે, મોદી સરકાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને યાદવ પરિવારને પરેશાન કરી રહી છે, બાકી અમારા મુખિયા તો દૂધે ધોયેલા છે. આ કેસ કોર્ટમાં છે એટલે ઝાઝું કહેવામાં માલ નથી પણ અમે કાનૂની રીતે લડીને કેન્દ્ર સરકારના કારસાનો જવાબ આપીશું.

આરજેડીનું રીએક્શન ધાર્યા પ્રમાણેનું છે ને તેમની પાસેથી બીજી અપેક્ષા પણ શું રખાય? લાલુની પાર્ટી થોડી એવું સ્વીકારશે કે લાલુના ખાનદાને ભ્રષ્ટાચાર કર્યો છે અને સીબીઆઈની તપાસ એકદમ સાચી છે? પોતાના મુખિયા ચોર છે એવું કઈ પાર્ટી સ્વીકારે? ના જ સ્વીકારે પણ તેના કારણે લાલુ કે તેમનો પરિવાર દૂધે ધોયેલો સાબિત થતો નથી. આ કેસમાં લાલુના પરિવારે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ કોર્ટ નક્કી કરશે તેથી તેના વિશે અત્યારથી કશું કહેવું કે જજ બની જવું યોગ્ય નથી પણ અત્યાર લગી બહાર આવેલી વિગતો અને લાલુની મેલી મથરાવટી જોતાં લાલુએ ખેલ કર્યો જ હશે એ માનવાને પૂરતાં કારણો છે.

લેન્ડ ફોર જોબ સ્કેમ 2004 થી 2009ની વચ્ચે થયેલું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ દેશના રેલવે મંત્રી હતા ને ડો. મનમોહનસિંહની સરકાર હતી. લાલુએ એ વખતે રેલવેની નોકરીઓમાં મોટા પાયે બિહારીઓની ભરતી કરી નાંખેલી. ગામડાંમાં રહેતા ખેડૂતોના દીકરાઓ પાસે લાંચ આપવાના માટે રોકડ નાણાં ના હોય તેથી ખેપાની લાલુએ તેનો જબરો તોડ શોધી કાઢેલો. સુભાષચંદ્ર બોઝે આઝાદીના જંગ વખતે એલાન કરેલું કે, તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા. લાલુએ નારો આપેલો કે, તુમ મુઝે જમીન દો, મૈં તુમ્હેં નૌકરી દૂંગા.

લાલુના દલાલો ગામડાંમાં જઈને લોકોને કહેતા કે, તમારા પરિવારનાં છોકરાંને રેલવેમાં નોકરી જોઈતી હોય તો પોતાની જમીનો લાલુ પરિવારના નામે કરી દો. આ રીતે સંખ્યાબંધ પરિવારો પાસેથી જમીનો લખાવી લેવાઈ અને તેના બદલામાં પરિવારમાંથી કોઈ ને કોઈને નોકરી આપી દેવાઈ. લાલુ એટલા પાકા કે, તમામ કેસોમાં નોકરી આપતાં પહેલાં જ જમીનો ટ્રાન્સફર કરવામાં આવી હતી કે જેથી કોઈ ફરી ના જાય.

મોટા ભાગના કિસ્સાઓમાં ગિફ્ટ ડીડ તૈયાર કરીને જમીન લાલુના પરિવારને ભેટમાં અપાઈ હતી. જેમણે વેચાણના દસ્તાવેજો કર્યા એ લોકોનું કહેવું હતું કે, લાલુ પરિવાર તરફથી રોકડમાં ચુકવણી કરવામાં આવી હતી. હવે રોકડમાં ચુકવણીના કોઈ દસ્તાવેજી પુરાવા ના હોય તેથી ખેડૂત પરિવારોની વાત સાચી માનીને જમીનો લાલુના પરિવારને આપી દેવાઈ.

લાલુની દીકરીઓ મીસા ભારતી અને હેમા યાદવના નામે ટ્રાન્સફર કરાયેલી જમીનો સાવ નજીવી કિમતના ચેક આપીને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રીતે નોકરી આપવા માટે કોઈ સરકારી પ્રક્રિયાનું પાલન નહોતું કરાયું અને નોકરી મેળવનારામાંથી ઘણાંને તો પોતાના નામ લખતાં પણ નહોતાં આવડતાં પણ જબ સૈયાં ભયે કોટવાલ ફિર ડર કાહે કા? લાલુ પોતે મંત્રી હતા ને મંત્રાલયના અધિકારીઓ તેમના પાલતુ હતા એટલે આખો ખેલ પાર પડી ગયો. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી વિપક્ષી નેતાઓના ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ તેમાં આખો ભાંડો ફૂટ્યો પછી સીબીઆઈને તપાસ સોંપાઈ. આ તપાસ લગભગ 10 વર્ષથી ચાલતી હતી ને છેક હવે તેમાં આરોપો ઘડાયા છે.

લાલુના પરિવાર સામે આરોપો તો ઘડાઈ ગયા પણ તેમને સજા થવાના ચાન્સ કેટલા છે એ પણ વિચારવા જેવું છે. બિહારના રાજકારણ પર છેલ્લા સાડા ત્રણ દાયકાથી છવાયેલા લાલુપ્રસાદ યાદવ અને તેમનો પરિવાર બેફામ ભ્રષ્ટાચાર માટે વગોવાયેલો છે. લાલુ પ્રસાદ 1990માં બિહારના મુખ્યમંત્રી બન્યા પછી સળંગ 15 વર્ષ લગી બિહારમાં એકહથ્થુ સત્તા ભોગવી હતી. આ એકહથ્થુ સત્તાનો દુરુપયોગ કરીને યાદવ પરિવારે બેફામ ભ્રષ્ટાચાર કરીને અબજો રૂપિયા ઘરભેગા કર્યા છે.

લાલુએ મુખ્યમંત્રી બનતાં જ 1990ના દાયકામાં ઘાસચારા કૌભાંડ કરેલું ને અબજો રૂપિયા ઘરભેગા કરી દીધેલા. લાલુ 1990માં પહેલી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા કે તરત શરૂ થયેલા ઘાસચારા કૌભાંડની વરસો લગી તો કોઈને ગંધ પણ નહોતી આવી. 1996માં તેમનાં પાપ છાપરે ચડીને પોકાર્યાં પછી તેમણે બિહારની ગાદી છોડવી પડેલી પણ મહાખેલાડી લાલુએ પોતાની સાવ અભણ બૈરી રાબડી દેવીને ગાદી પર બેસાડીને બિહાર પર વર્ચસ્વ જમાવી રાખ્યું. એ પછીનાં વરસોમાં રાજકીય તડજોડ કરીને લાલુ ટકી રહ્યા છે. આ દરમિયાન તેમની સામે કેસો થયા, તેમાં સજા પણ થઈ પણ અબજોના ભ્રષ્ટાચાર બદલ બે-ચાર વર્ષની સજા કંઈ ના કહેવાય.

લાલુ લેન્ડ ફોર જોબ સ્કેમ ઘાસચારા કૌભાંડ પછી કરેલું. એક મહાકૌભાંડમાં વગોવાયા પછી પણ લાલુ એવી હિંમત કરી કેમ કે લાલુને ખબર છે કે, આ દેશમાં ભ્રષ્ટાચાર કરનારને કંઈ થતું નથી. ન્યાયતંત્રમાં રૂપિયા ખવડાવીને કેસોને લંબાવી શકાય છે, જામીન મેળવી શકાય છે ને પોતાની રાજકીય દુકાન પણ ચલાવી શકાય છે. લેન્ડ ફોર જોબ સ્કેમમાં પણ એવું જ થવાનું. વરસોના વરસો કેસ ચાલશે ને તેજસ્વી તથા લાલુનાં સંતાનો ઘરડાં થઈ જશે ને એ પછી સજા થાય તો પણ તેનો શો અર્થ?

આ પણ વાંચો…કૌભાંડમાં બદનામ લાલુપ્રસાદ યાદવના આરંભિક વિવાદો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button