એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન, મહિલા ક્રિકેટરોની મહાન સિદ્ધિ

ભરત ભારદ્વાજ

ભારતની દીકરીઓએ વીમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી ભારત ટોસ હારેલું પણ મેચ જીતી ગયું.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી પછી ભારતે 7 વિકેટ ગુમાવીને 298 રન કરેલાં પણ 299ના ટાર્ગેટ સામે આફ્રિકાની છોકરીઓ વામણી સાબિત થઈ. ભારતની દીકરીઓએ 15 ઓવર થતાં સુધીમાં જ બે વિકેટો પાડીને આફ્રિકાને દબાણમાં લાવી દીધેલું ને આફ્રિકાની ટીમ આ દબાણમાંથી બહાર આવી જ ના શકી. નિયમિત અંતરે વિકેટો પડતી ગઈ ને છેવટે 46મી ઓવરમાં 246 રને આફ્રિકાના વાવટા સંકેલાઈ જતાં ભારત ચેમ્પિયન બની ગયું.

પુરુષો માટેનો વન ડે વર્લ્ડ કપ પહેલી વાર 1975માં રમાયેલો ને તેના બે વર્ષ પહેલાં 1973માં વીમેન્સ વર્લ્ડ કપની શરૂઆત થયેલી પણ ભારતે તેમાં ભાગ લીધો ન હતો. 1978માં ડાયના એડલજીની કેપ્ટન્સીમાં ભારતની ટીમ પહેલી વાર વર્ડ કપ રમી પણ અત્યાર સુધી કદી ચેમ્પિયન નહોતી બની. 2005માં ભારતની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચેલી પણ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.

2017માં ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવીને ભારતની ટીમ ફાઈનલમાં પહોંચેલી પણ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી તેથી બધાં ઉચાટમાં હતાં પણ આ વખતે આપણી દીકરીઓએ કોઈ ચૂક ના કરી અને ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી લીધી. ભારતીય ટીમ માટે આ સિદ્ધિ મોટી છે કેમ કે ઈન્ડિયા વુમન્સ સિનિયર ટીમ પહેલી વાર આઈસીસી ટ્રોફી જીતી છે. આપણી મહિલા ટીમ પહેલાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી પણ હારી ગયેલી.

ફાઈનલમાં ભારતને જીતાડવામાં ઘણાં બધાંનું યોગદાન છે પણ સૌથી શાનદાર દેખાવ દીપ્તિ શર્મા અને શેફાલી વર્માનો છે. દીપ્તિ શર્માએ ફાઈનલમાં 58 રન ફટકાર્યા અને પાંચ વિકેટ લઈને અકલ્પનિય ઓલરાઉન્ડ પરફોર્મન્સ કર્યું. શેફાલીએ 87 રન ફટકાર્યા અને પછી 2 વિકેટ લીધી. સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન બનાવીને મહત્ત્વનું યોગદાન આપ્યું.

ભારતને ચેમ્પિયન બનાવવામાં જેમિમાહ રોડ્રિગ્ઝ અને શેફાલી વર્માના યોગદાનની ખાસ નોંધ લેવી પડે. જેમિમાહે સાત વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ સામે સેમી ફાઈનલમાં અણનમ સદી ફટકારી તેમાં ભારત 339 રનનો સ્કોર ચેઝ કરીને ફાઈનલમાં પહોંચ્યું હતું. ફાઈનલમાં ઓપનર શેફાલી વર્માએ 78 બોલમાં 87 રનની ધમાકેદાર ઈનિંગ રમીને ભારતનો સ્કોર 300 રનની નજીક પહોંચાડ્યો.

રસપ્રદ વાત એ છે કે, જેમિમાહ અને શેફાલી બંને નસીબના જોરે ટીમમાં આવી હતી. જેમિમાહે વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ઈંગ્લેન્ડ સામે 66 રન કરીને સારી શરૂઆત કરેલી પણ વર્લ્ડ કપની પહેલી મેચમાં ઝીરોમાં ઉડેલી. જેમિમાહે વર્લ્ડકપની 4 મેચમાં માત્ર 65 રન કરેલા ને તેમાં બે વાર તો ઝીરોમાં આઉટ થતાં પડતી મૂકી દેવાઈ હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત માટે જીત અનિવાર્ય હતી તેથી જેમિમાહને પાછી લેવાઈ.

આ મેચમાં જેમિમાહે 76 રન બનાવીને ટીમની જીતમાં યોગદાન આપ્યું અને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રનની ઇનિંગ્સ રમીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. જેમિમાહએ ફાઇનલમાં 24 રન જ કર્યા પણ સેમી ફાઈનલમાં પોતાનું કામ કરી દીધેલું.

શેફાલી વર્મા તો વર્લ્ડ કપ માટેની ટીમમાં જ નહોતી. શેફાલી વર્માને ખરાબ ફોર્મને કારણે એક વર્ષ પહેલાં જ વન-ડે ટીમમાંથી ઘરભેગી કરી દેવાઈ હતી અને વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ પસંદ કરવામાં આવી નહોતી પણ શેફાલીનું નસીબ જોર કરતું હશે કે 26 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં નિયમિત ઓપનર પ્રતિકા રાવલ ઘાયલ થતાં શેફાલીને પ્રતિકાના સ્થાને લેવાઈ હતી. એ જ શેફાલીએ ફાઇનલ મેચમાં 87 રનની ઇનિંગ્સ રમી અને બે મહત્ત્વની વિકેટ પણ લીધી. ટીમમાં જ નહોતી એવી શેફાલી પ્લેયર ઑફ ધ ફાઈનલ બની.

ક્રિકેટમાં કોઈ એક ખેલાડી અકલ્પનિય રમત બતાવીને એકલા હાથે ટીમને જીતાડી દે એવું ભાગ્યે જ બને છે. બાકી તો ટીમના તમામ ખેલાડી નાનું-મોટું યોગદાન આપે તો જ ટીમ જીતી શકે ને આ ફાઈનલે આ વાત સાબિત કરી દીધી, કેટલાક અપવાદોને બાદ કરતાં ક્રિકેટ ટીમ ગેઈમ છે એ સાબિત કરી દીધું.

સેમી ફાઈનલમાં ભારતીય ટીમ જેમિમાહ રોડ્રિગ્ઝની યાદગાર ઈનિંગના કારણે ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું પણ જેમિમાહને ટીમની બીજી છોકરીઓનો પણ સાથ મળ્યો હતો. પહેલાં હરમનપ્રીત કૌર સાથે તોતિંગ ભાગીદારી અને પછી દીપ્તિ શર્મા, રીચા ઘોષ અને અમનજીત કૌર સાથે નાની નાની પણ ઓછા બોલમાં વધારે રનની મહત્ત્વની ભાગીદારીઓના જોરે જેમિમાહે ભારતને જીત અપાવી હતી.

ભારત સામેની ફાઈનલમાં સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે જેમિમાહ જેવી જ યાદગાર ઈનિંગ રમી પણ તેને સામે કોઈનો સાથ ના મળ્યો તેમાં સાઉથ આફ્રિકન ટીમ ના જીતી શકી. લૌરા વોલ્વાર્ટે 98 બોલમાં 11 ચોગ્ગા અને 1 સિક્સર સાથે 101 રન કરીને આફ્રિકા માટે જરૂરી ઝડપી રમત બતાવી પણ બીજી કોઈ ખેલાડી સામે ટકી ના શકી તેમાં લૌરા વોલ્વાર્ટની મહેનત પર પાણી ફરી વળ્યું.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: આપણાથી ક્લાઉડ સીડિંગ પણ સફળતાથી થતું નથી!

લૌરા વોલ્વાર્ટે 40મી ઓવરમાં સદી પૂરી કરી એ પહેલાં આફ્રિકાની 6 વિકેટો ખખડી ચૂકી હતી. લૌરા વોલ્વાર્ટે 50-50 રનની ત્રણ ભાગીદારીઓ બીજી ખેલાડીઓ સાથે કરી પણ 299 રનનો સ્કોર ચેઝ કરવા શરૂઆતમાં જ કમ સે કમ એક સદીની ભાગીદારી જોઈએ પણ આફ્રિકાની કોઈ ખેલાડી ટકી જ ના શકી તેથી લૌરા વોલ્વાર્ટની સદીની પણ કોઈ કિંમત ના રહી.

લૌરા વોલ્વાર્ટે સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પણ આવી જ યાદગાર ઈંનિંગ રમી હતી અને 169 રન બનાવ્યા હતા. માત્ર 143 બોલમાં 20 ચોગ્ગા અને 4 સિક્સર સાથે 169 રન ઝીંકીને લૌરા વોલ્વાર્ટે આફ્રિકાના સ્કોરને 300ને પાર કરાવેલો પણ એ વખતે ઓપનિંગમાં તઝમિન બ્રિટ્સે 116 રનની ભાગીદારી કરેલી ને પાછળથી મારીઝેન કેપ સાથે 89 રનની ભાગીદારી કરેલી. ફાઈનલમાં ભારતીય છોકરીઓએ એવી મોટી ભાગીદારી જ ના થવા દીધી તેમાં લૌરા વોલ્વાર્ટે સતત બીજી સદી ફટકારી હોવા છતાં આફ્રિકાને ના જીતાડી શકી.

ઈન્ડિયન વીમેન્સ ક્રિકેટ ટીમ માટે 2025ની આ વર્લ્ડ કપ જીત મોટી સિદ્ધિ તો છે જ પણ ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ શકે છે. 1983માં કપિલદેવના નેતૃત્વમાં ભારતે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો પછી ભારતમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ ઊભો થયો. પહેલાં ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવા કોઈ તૈયાર નહોતું થતું. તેના બદલે ક્રિકેટ પાછળ નાણાં ખર્ચવા પડાપડી થવા માંડી અને આજે ભારત ક્રિકેટમાં મહાસત્તા છે.

ક્રિકેટના કારણે ભારતમાં જબરદસ્ત ઈકોનોમી ઊભી થઈ છે. વીમેન્સ વર્લ્ડકપની જીત મહિલા ક્રિકેટમાં પણ આ રીતે જ નાણાંની રેલમછેલલ કરાવે અને ભારતને વીમેન્સ ક્રિકેટમાં પણ સુપર પાવર બનાવે એવી આશા રાખી શકાય.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો: ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું, હવે આફ્રિકાનો વારો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button