એકસ્ટ્રા અફેર

ભારતે અત્યાર સુધી વેનેઝુએલા પાસેથી ક્રૂડ કેમ ના ખરીદ્યું?

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

ભારત અને અમેરિકા વચ્ચે અંતે ટ્રેડ ડીલ એટલે કે વ્યાપાર કરારનું બધું નક્કી થઈ ગયું. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તો સોમવારે જ તેની જાહેરાત કરી નાખેલી પણ ભારતે ટ્રમ્પની વાતમાં હાજીયો નહોતો પૂરાવ્યો તેથી અવઢવ હતી. મંગળવારે સાંજે આપણા વ્યાપાર પ્રધાન પિયૂષ ગોયલે ટ્રમ્પની વાત સાચી હોવાનું જાહેર કર્યું પણ ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલની શરતો શું છે તેનો ફોડ ના પાડ્યો તેના કારણે હજુ અવઢવ તો છે જ.

ગોયલે કરારની શરતોની વાત કરવાના બદલે રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરે છે તેની પારાયણ શરૂ કરી દીધી. રાહુલ ગાંધીને ખોટા સાબિત કરવા માટે ગોયલે અમેરિકા સાથેના ટ્રેડ ડીલથી ખેડૂતો, માછીમારો, ઉદ્યોગો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઈ) વગેરેને બખ્ખાં થઈ જશે એ બધી વાતો પણ કરી પણ ખરેખર ડીલમાં શું છે તેની માંડીને વાત ના કરી. ગોયલે મોદીભક્તિ કરીને દાવો કર્યો કે, મોદીએ પોતાના ડોનલ્ડ ટ્રમ્પ સાથેના ગાઢ સંબંધો અને દોસ્તીનો ઉપયોગ કરીને ભારત માટે શક્ય શ્રેષ્ઠ કરાર કર્યો છે.

મીડિયાએ બહુ ઘોંચપરોણા કર્યા પછી ગોયલે મગનું નામ મરી ના જ પાડ્યું ને કરારની વિસ્તૃત વિગતો તો ના જ આપી. માત્ર એટલું બોલ્યા કે, કરારને લગતી ટેક્નિકલ પ્રક્રિયાઓ પૂરી થઈ જાય પછી ઔપચારિક રીતે સંયુક્ત જાહેરાત કરાશે. આ જાહેરાત ક્યારે કરાશે એ આપણને ખબર નથી પણ કોમેડી એ છે કે, કરારની વિગતો પૂરેપૂરી જાહેર થઈ નથી ત્યાં તો બહુમતી મીડિયાએ કરારને ઐતિહાસિક ગણાવીને તેનાં વખાણ શરૂૂ કરી દીધાં છે.

ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં ઘમાઘમ જેવો માહોલ થઈ ગયો છે. ભારતને આ કરારથી કેવો જબરદસ્ત ફાયદો થશે ને ચીન-પાકિસ્તાન આ કરારથી બઘવાઈ ગયાં છે ત્યાંથી શરૂ કરીને ભારતના ક્યા ક્યા ઉદ્યોગોને ઘી-કેળાં થઈ જશે ત્યાં સુધીની વાતોનાં વડાં તળાવા માંડ્યાં છે. આ વાતો કેવી દમ વગરની છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદીમાં ભારતને થનારા કહેવાતા ફાયદાની વાતો છે. આ કરારમાં ટ્રમ્પે એક શરત એવી મૂકી છે કે, ભારત રશિયા કે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદી શકે. એક આડ વાત પણ કરી લઈએ.

અમેરિકાના જાણીતા મીડિયા પર્સન ટકર કાર્લસને એવી કોમેન્ટ કરી છે કે, ભારત બહુ મોટો દેશ છે અને અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડના ખરીદવાની ફરજ ના પાડી શકે. આ પ્રકારની ફરજ પાડવી કે શરતો મૂકવી એ કોઈ પણ દેશના સાર્વભૌમત્વનું અપમાન છે. ટકરભાઈની વાત સો ટકા સાચી છે પણ આ વાત આ દેશને સમજાવી જોઈએ ને?

ખેર, મૂળ વાત પર પાછા આવીએ. ટ્રમ્પની ફાલતુ દલીલ એવી છે કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે તેના કારણે રશિયાનું અર્થતંત્ર બચી ગયું છે તેથી યુક્રેન પર બોમ્બ ઝીંક્યા કરે છે. આડકતરી રીતે ટ્રમ્પ રશિયાના યુક્રેન સામેના યુદ્ધ માટે ભારત સહિતના ક્રૂડ ઓઈલ ખરીદતા દેશોને દોષિત ઠેરવી રહ્યા છે.

ચીન, બ્રાઝિલ વગેરે દેશો પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે જ છે પણ એ બધા દેશો ટ્રમ્પને ઘોળીને પી ગયા છે તેથી તેમના બકવાસને ગણકારતા નથી. આપણે ટૅરિફના કારણે રઘવાયા થયા તેમાં અમેરિકાના પગમાં આળોટી ગયા એટલે હવે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરીશું ને તેના બદલે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ખરીદીશું.

અત્યાર લગી આપણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા નહોતા કેમ કે વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી ફાયદાનો સોદો નથી. હવે અમેરિકાનું ફરમાન છે એટલે આપણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ લેવું પડશે. મોદી સરકારે અમેરિકાનું ફરમાન માથે ચડાવ્યું છે એટલે અચાનક આપણા મીડિયાને વેનેઝુએલા પાસેથી ભારત ક્રૂડ ઓઈલ લેવાના ફાયદાનું બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે અને વેનેઝુએલા પાસેથી ક્રુડની ખરીદીના શું ફાયદા થશે તેની વાતોનો મારો શરૂ થઈ ગયો છે. આ વાતો મોં-માથા વિનાની છે પણ આ વાતની એ લોકોને કોઈ શરમ નથી.

ભારત પહેલાં વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ નહોતું ખરીદતું કેમ કે વેનેઝુએલાના ક્રૂડની ક્વોલિટી સારી નથી. વેનેઝુએલાનું ક્રૂડ હેવી ક્વોલિટીનું હોવાથી તેને રીફાઈન કરવું અઘરું છે. ભારત પાસે સારી રીફાઈનરીઓ હોવાથી તેને રીફાઈન તો કરી શકાય પણ તેનો ખર્ચ વધારે આવે ને કચરો પણ વધારે નિકળે. વેનેઝુએલાના ક્રૂડમાં સલ્ફરનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી તેમાંથી બનતાં પેટ્રોલ-ડીઝલ સારી એવરેજ ના આપે. બીજું એ કે, વેનેઝુએલાથી ક્રૂડને ભારત લાવવાનો ટ્રાન્સપોર્ટેશનને ખર્ચ પણ બહુ મોંઘો પડે.

એક અંદાજ પ્રમાણે, બેરલદીઠ લગભગ 4 ડોલરનો ખર્ચ વધી જાય. અત્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડનો ભાવ 60 ડોલરની આસપાસ છે એ જોતાં વેનેઝુએલાનું ક્રૂડ સાઉદી અરેબિયા, ઈરાક સહિતના દેશો કરતાં પાંચેક ટકા મોંઘું પડે. અત્યારે બીજો મોટો પ્રશ્ન અમેરિકાની દખલગીરીનો પણ છે. પહેલાં વેનેઝુએલા સ્વતંત્ર હતું પણ હવે તેના ક્રૂડ પર અમેરિકાનો કબજો છે તેથી અમેરિકાની શરતે ને ભાવે ક્રૂડ લેવું પડે.

રશિયા અને ઈરાન પાસેથી ક્રૂડની ખરીદીમાં આપણે આપણી શરતે ખરીદી કરતા હતા. ચૂકવણી રૂપિયામાં કરી શકતા ને આપણી ચીજો પણ બંને દેશોને આપી શકતા હતા. અમેરિકા તો ઉપરથી આપણને મૂંડી લેશે. ટેન્કરોના ઈન્સ્યોરન્સથી માંડીને ટ્રાન્સપોર્ટેશ સુધીનું બધું અમેરિકન કંપનીઓનું લેવું પડશે તેથી ખર્ચ વધશે. એ છતાં વેનેઝુએલાનું ક્રૂડ ખરીદવાથી ભારતને ફાયદો થશે એવી વાતો ચલાવાય છે. હે રામ!

અને આ તો હજુ શરૂઆત છે. આ કોરસ હજુ ઉગ્ર બનશે ને પછી શું શું જોવું પડશે તેનું ટ્રેલર પણ અત્યારે બતાવાઈ જ દેવાયું છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે 32 મિનિટની વાતચીત પછી કરાર અંગે સૈદ્ધાંતિક સહમતિ સધાઈ હતી. તેને કારણે કેટલાંક મીડિયાએ એવી હાસ્યાસ્પદ વાત પણ કરી નાખી છે કે, મોદીએ 32 મિનિટમાં તો ટ્રમ્પને ઘૂંટણિયે પાડી દીધા.

ગોયલે પોતે સ્વીકાર્યું છે કે, ડોનલ્ડ ટ્રમ્પે લાદેલી ટૅરિફના કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડ્યો હતો તેથી ભારત પાસે અમેરિકા સાથે ટ્રેલ ડીલ કર્યા વિના છૂટકો નહોતો. એ છતાં મોદીએ ટ્રમ્પને ઘૂંટણિયે પાડી દીધા એવા દાવા કરાય તેને ચાપલૂસીની ચરમસીમા ગણવી કે બુદ્ધિનું પ્રદર્શન? ભલા માણસ, સરકાર સત્તાવાર રીતે કરારની વિગતો જાહેર કરે તેની રાહ તો જુઓ? વિગતો જાહેર કરાય પછી કરવાં હોય એટલાં વખાણ કરજો પણ અત્યારે તો વગર લગ્ને મંગળિયાં ગાઈને ભૂંડા ના દેખાશો.

આ પણ વાંચો…ભારત વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button