એકસ્ટ્રા અફેર: મદરેસાઓમાં નફરતના પાઠ ભણાવાય તો દેશ સામે મોટો ખતરો

- ભરત ભારદ્વાજ
જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીના નિવેદનના પગલે જિહાદ અંગે ચર્ચા છેડાયેલી છે ત્યારે મદનીને જવાબ આપવા બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન મેદાનમાં આવતાં આખી ચર્ચા રસપ્રદ બની ગઈ છે. મદનીએ જિહાદને પવિત્ર શબ્દ ગણાવીને કહેલું કે, જિહાદનો અર્થ ધર્મયુદ્ધ થાય છે પણ લવ જિહાદ, થૂક જિહાદ, જમીન જિહાદ જેવા શબ્દોનો પ્રયોગ કરીને આ પવિત્ર શબ્દોને બદનામ કરાઈ રહ્યા છે. ઈસ્લામ અને મુસ્લિમોના દુશ્મનો જિહાદ જેવા ઈસ્લામના પવિત્ર વિચારોને હિંસા, દુરૂપયોગ, ગરબડ વગેરે સાથે જોડીને આ શબ્દોની પવિત્રતા ખતમ કરવા કરી રહ્યા છે. મદની આડકતરી રીતે મીડિયા અને હિંદુવાદીઓ જિહાદ શબ્દને વિકૃત રીતે રજૂ કરી રહ્યા છે એવું સ્થાપિત કરવા મથી રહ્યા છે એ સ્પષ્ટ છે.
થોડા સમય પહેલાં હજારો કિલો વિસ્ફોટકો સાથે ચાર મુસ્લિમ ડોક્ટરો પકડાયા તેના કારણે ભણેલાગણેલા લોકો આતંકવાદ તરફ કેમ વળી રહ્યા છે એ મુદ્દો ચર્ચામાં છે જ ત્યાં મદનીએ આ નિવેદન દ્વારા આડકતરી રીતે આતંકવાદને સમર્થન આપી દીધું હતું કેમ કે મદનીએ દાવો કરેલો કે, જુલ્મ હશે ત્યાં જિહાદ થશે જ. મદનીએ સીધા શબ્દોમાં ના કહ્યું પણ તેમના કહેવાનો અર્થ એ જ છે કે, ભારતમાં મુસ્લિમો પર જુલ્મ થઈ રહ્યા છે તેથી મુસ્લિમો આતંકવાદ ભણી વળી રહ્યા છે.
આરિફ મોહમ્મદ ખાને મદનીને જવાબ આપતાં કહ્યું છે કે, ગરીબ પર થતા અત્યાચાર કે ઉત્પીડન સામે અવાજ ઉઠાવવો જિહાદ છે તેમાં બેમત નથી પણ મદનીના ચેલકા એવા કટ્ટરવાદી મુસ્લિમો મુસ્લિમ બાળકોને જિહાદની જે પરિભાષા શીખવી રહ્યા છે તેને ઈસ્લામ સાથે કંઈ લેવાદેવા નથી. ખાને દેવબંદમાં ભણાવાતાં કેટલાંક પુસ્તકોનો હવાલો આપીને કહ્યું છે કે, આ કટ્ટરવાદીઓનાં પુસ્તકોમાં લખેલું છે કે, કોઈ વ્યક્તિ ઈસ્લામને ના માનતો હોય તો તેની સામે લડવું એ જિહાદ છે. મતલબ કે, મુસલમાનોએ દુનિયાભરના તમામ બિન-મુસ્લિમો સામે લડવું જોઈએ. ખાને એમ પણ કહ્યું છે કે, જિહાદનો મતલબ માનવતાનું રક્ષણ છે અને કુરાન બળજબરીથી ધર્માંતરણની તરફેણ નથી કરતો પણ દેવબંદ સહિતની કટ્ટરવાદી સંસ્થાઓ બળજબરીથી ધર્માંતરણની તરફેણ કરે છે.
ખાને બીજી પણ ઘણી વાતો કરી છે ને બધી વાતો માંડવાનો અર્થ નથી પણ તેમણે મદની સહિતના મુસ્લિમ કટ્ટરવાદીઓનો અસલી ચહેરો લોકો સામે ખુલ્લો કરી દીધો છે. ઈસ્લામના આ બની બેઠેલા ઠેકેદારો ઈસ્લામના સિદ્ધાંતોના નામે લોકોને સાવ ઊંધા પાટે ચડાવે છે એ વાત નવી નથી. ખાન સાહેબે પણ એ જ વાત કરી છે પણ તેમની વાતનું વજન એ રીતે વધારે પડે કે, એ પોતે મુસ્લિમ છે અને ઈસ્લામના જાણકાર છે. મદની સહિતના લોકો કુરાન, હદીસ, શરિયત વગેરેના નામે લોકોને રીતસર બેવકૂફ બનાવે છે એ વાત એક હિંદુવાદી નેતા કહે તો તેને ઈસ્લામ અને મુસલમાનો તરફના દ્વેષમાં ખપાવી દેવાય પણ એક મુસ્લિમ વિદ્વાન કહે તો તેને ગંભીરતાથી લેવી જ પડે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃકોમનવેલ્થ ગેમ્સથી ગુજરાતના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળશે
મદની જિહાદ જેના પવિત્ર શબ્દોના દુરૂપયોગ માટે ઈસ્લામના કહેવાતા દુશ્મનો પર દોષનો ટોપલો ઢોળે છે. આ દુશ્મનો કોણ છે તેનો ફોડ મદનીએ નથી પાડ્યો પણ આડકતરી રીતે તેમણે ભાજપના નેતા, હિંદુવાદી સંગઠનો, મીડિયા વગેરેને દોષિત ગણાવી દીધાં છે. મદનીની આ વાત હાસ્યાસ્પદ છે કેમ કે જિહાદ પવિત્ર શબ્દો છે એવું બધા સ્વીકારતા હતા જ પણ જિહાદને આતંકવાદ સાથે જોડવાનું કામ મુસ્લિમ કટ્ટરવાદીઓએ જ કર્યું છે. આતંકવાદ ફેલાવીને નિર્દોષ લોકોની હત્યા કરવાને જિહાદ નામ બીજા કોઈએ નથી આપ્યું પણ મુસ્લિમ સંગઠનોએ જ આપ્યું છે. આ સંગઠનોના આતંકવાદીઓ જિહાદને નામે હત્યાકાંડો કરી રહ્યા છે તેથી બીજા કોઈના પર દોષારોપણ ના કરી શકાય.
દુનિયાભરમાં કટ્ટરવાદીઓ જિહાદની વ્યાખ્યા પોતાની સગવડ પ્રમાણે કરે છે પણ અરબી ભાષામાં જિહાદનો અર્થ સંઘર્ષ થાય છે, યુદ્ધ નથી થતો. અરબી ભાષામાં યુદ્ધ માટે ગઝવા અથવા મગાઝી શબ્દો વપરાય છે. જિહાદ એટલે કે સંઘર્ષમાં તમામ પ્રકારના સંઘર્ષ આવી ગયા. હદીસમાં દિલથી. જીભથી, હાથથી અને તલવારથી એ ચાર પ્રકારે જિહાદ કરી શકાય એવું લખાયેલું છે પણ કટ્ટરવાદી મુસ્લિમો જિહાદ તલવારથી જ થાય એવું મુસ્લિમોના માનસમાં ઠસાવે છે. મુસલમાનો પોતાના અંદરની બુરાઈઓના શેતાન સામે લડે એ દિલથી થતી જિહાદ છે ને સત્ય બોલે એ જીભથી થતી જિહાદ છે. અન્યાય કે ખોટું થતું હોય ત્યારે કોઈને બચાવવા લડે એ હાથથી થતી જિહાદ છે પણ આ બધી જિહાદની કોઈ વાત નથી કરતું. બલકે મુસ્લિમોને ભડકાવવા માટે જૂઠાણાં ચલાવાય છે એ જોતાં તો આ કટ્ટરવાદીઓ સામે જ જિહાદની જરૂર છે.
જિહાદની વ્યાખ્યા શું છે એ બધી વાતો કરતાં વધારે મહત્ત્વનો મુદ્દો વાસ્તવિકતા શું છે એ છે ને આરિફ મોહમ્મદ ખાને દેવબંદ સહિતના મદરેસાઓમાં શું ભણાવાય છે તેની વાત કરીને એ તરફ આખા રાષ્ટ્રનું ધ્યાન દોર્યું છે. મદરેસાઓ આતંકવાદને પોષવાનાં કેન્દ્રો છે એવા આક્ષેપો સતત થાય જ છે ને ખાને એ જ વાતને દોહરાવી છે પણ સાથે સાથે તેના પુરાવા પણ આપ્યા છે.
ભારતમાં જ મુસ્લિમ બાળકોને બિન-મુસ્લિમોને દુશ્મન માનવાના પાઠ ભણાવાતા હોય તો એ ગંભીર વાત કહેવાય કેમ કે આ પ્રકારના શિક્ષણ દ્વારા નફરતનાં બી રોપાય છે અને તેના કારણે ભવિષ્યમાં બહુ મોટો સામાજિક સંઘર્ષ ફાટી નીકળશે. મુસ્લિમોની ભાવિ પેઢી બિન મુસ્લિમોને દુશ્મન માનવાની માનસિકતા સાથે જ મોટી થતી હોય તો તેના કારણે ભવિષ્યમાં આંતરિક સંઘર્ષ થઈ શકે ને દેશની સુરક્ષા સામે ખતરો પેદા થઈ શકે.
આપણી સરકારે આ ખતરાને ગંભીરતાથી લેવો જોઈએ અને દેવબંદ સહિતની મદરેસાઓમાં ભણાવાતા નફરતના પાઠ બંધ કરાવવા જોઈએ. મદરેસાઓમાં મુલ્લા-મૌલવીઓ મૌખિક રીતે બાળકોનાં માનસમાં ઝેર રેડે છે તેને રોકવું શક્ય નથી પણ કમ સે કમ પુસ્તકોમાંથી તો આ વાતો કાઢી જ નાખવી જોઈએ. ધર્મના શિક્ષણના નામે લોકોને પતાવી દેવાની વાતો શીખવાડાય એ બિલકુલ ના ચાલે.
મુસ્લિમોએ પણ આ અંગે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. ઈસ્લામ બીજા ધર્મનાં લોકોને નફરત કરવાનું કે તેમની સામે લડવાનું શીખવતો નથી જ્યારે દેવબંદ સહિતના મદરેસા આવા ખોટા પાઠ ભણાવે એ ઈસ્લામ વિરોધી કહેવાય. મુસ્લિમોએ પોતાનાં સંતાનોને ઈસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધનું શિક્ષણ આપતાં આવાં પરિબળોથી પોતાનાં સંતાનોને દૂર રાખવાં જોઈએ.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: મદની સહિતના નેતા મુસ્લિમોમાં અસલામતી કેમ પેદા કરે છે?

