એકસ્ટ્રા અફેર: સલવા જુડૂમનો બચાવ કઈ રીતે થઈ શકે ?

- ભરત ભારદ્વાજ
આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બહુ નિરસ હોય છે કેમ કે માત્ર સંસદસભ્યો જ મતદાર હોય છે. સંસદમાં જેની પાસે બહુમતી હોય તેનો ઉમેદવાર જીતતો હોય છે તેથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જરાય ગરમાગરમી જોવા મળતી નથી પણ આ વખતે માહોલ અલગ છે ને તેનું કારણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરેલા આક્ષેપો છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સી.પી. રાધાકૃષ્ણન સામે કૉંગ્રેસની આગેવાની હેઠળના યુપીએના બી. સુદર્શન રેડ્ડી ઊભા છે.
શાહે આક્ષેપ મૂક્યો છે કે, જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી નકસલવાદના સમર્થક છે અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમણે ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદને સમર્થન આપતો ચુકાદો આપ્યો હતો. શાહના કહેવા પ્રમાણે, જસ્ટિસ રેડ્ડીએ સલવા જુડૂમ વિદ્ધ ચુકાદો ન આપ્યો હોત તો 2020 સુધીમાં ડાબેરી ઉગ્રવાદનો અંત આવી ગયો હોત અને નકસલવાદનો ખાતમો બોલી ગયો હોત.
શાહના આક્ષેપના પગલે ભાજપ પણ કૂદી પડ્યો છે. ભાજપે એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં ફરતો કર્યો છે કે જેમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ આવા બીજા ચુકાદાની પણ વાતો કરીને જસ્ટિસ રેડ્ડી ભારતવિરોધી માનસિકતા ધરાવે છે એવો દાવો કરાયો છે. જસ્ટિસ રેડ્ડીએ તેમના કાર્યકાળ દરમિયાન ભોપાલ ગેસ દુર્ઘટના, આર્મી મેડિકલ કોલેજમાં એડમિશન સહિતના કેસોમાં આપેલ ચુકાદાનો ઉલ્લેખ કરીને જસ્ટિસ રેડ્ડી અર્બન નકસલ સમર્થક હોવાનો દાવો કરાયો છે.
જસ્ટિસ રેડ્ડીએ 2024માં ઈઝરાયલમાં થતી ભારતની તમામ નિકાસ રોકવાની માગ કરીને હમાસ તરફ સહાનુભૂતિ દર્શાવી હતી એવો દાવો કરાયો છે તો સાથે સાથે ભારત વિરોધી માનસિકતા ધરાવતાં લોકો સાથે તેમની સાંઠગાંઠ હોવાનો દાવો પણ કરાયો છે. જસ્ટિસ રેડ્ડી પોતાને કોઈ પક્ષ સાથે લેવાદેવા નથી એવું કહે છે પણ વાસ્તવમાં એ કૉંગ્રેસના કાર્યકર તરીકે વર્તતા રહ્યા છે એવો પણ ભાજપનો દાવો છે. આ બધા દાવાઓનો સાર એ છે કે, જસ્ટિસ રેડ્ડી દેશના ઉપરાષ્ટ્રપતિ બનવાને જરાય લાયક નથી અને કૉંગ્રેસ તેમને આગળ કરીને દેશવિરોધી માનસિકતા બતાવી રહી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : જસ્ટિસ રેડ્ડી યોગ્ય પસંદગી પણ જીતશે નહીં
ભાજપનો આઈટી ડિપાર્ટમેન્ટ કુપ્રચાર અને જૂઠાણાં ફેલાવવામાં માહિર છે તેથી ભાજપ દ્વારા આવા વીડિયો ફરતા કરાય તેથી આશ્ચર્ય થતું નથી પણ દેશના ગૃહ મંત્રી આ પ્રકારની વાતો કરે ત્યારે આશ્ચર્ય પણ થાય અને આઘાત પણ લાગે. અમિત શાહની વાતનો સાર એ છે કે, જસ્ટિસ રેડ્ડીએ સેલવા જુડૂમ અંગેનો ચુકાદો આપીને દેશવિરોધી કૃત્ય કર્યું છે કેમ કે સેલવા જુડૂમ અંગેના ચુકાદાથી નકસલવાદીઓને રક્ષણ મળી ગયું. આ વાત સાચી નથી કેમ કે સેલવા જુડૂમ પર પ્રતિબંધ મૂકીને સુપ્રીમ કોર્ટે કશું ખોટું કર્યું નહોતું. બલ્કે દેશને જંગલ રાજ તરફ જતો બચાવ્યો હતો, બંધારણીય જોગવાઈઓનું જતન કર્યું હતું. આ વાતને સમજવા માટે સેલવા જુડૂમ કઈ બલા છે એ પહેલાં સમજવું પડે.
સલવા જુડૂમ નકસલવાદથી સૌથી વધારે પ્રભાવિત છત્તીસગઢમાં 2005માં શરૂ કરાયેલું એક સંગઠન હતું અને તેનો ઉદ્દેશ માઓવાદી ઉગ્રવાદીઓ સામે લડવાનો હતો. છત્તીસગઢના આદિવાસીઓની ગોંડી ભાષામાં સલવા જુડુમનો અર્થ શાંતિ અભિયાન થાય છે પણ આ સંગઠન શાંતિ માટે નહીં પણ જંગ માટે રચાયું હતું. ભાજપ સરકારે બનાવેલા આ સંગઠનમાં આદિવાસી યુવાનોની ભરતી કરીને તેમને `સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ’ (SPO) બનાવી દેવાયા હતા. આ યુવાનોને બંદૂકો સહિતનાં શસ્ત્રો અને હથિયારો આપીને નકસલવાદીઓ સામે લડવા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા હતા.
માઓવાદીઓ અને નક્સલવાદીઓ સામે લડવા માટે બનાવાયેલું આ સંગઠન ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કરીને કેટલાક માનવાધિકારવાદીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સલવા જુડૂમની રચના અને તેની પ્રવૃત્તિઓની બંધારણીય માન્યતા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી અને જસ્ટિસ એસ.એસ. નિજજરની ખંડપીઠે ડિસેમ્બર 2011માં સલવા જુડૂમને ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ટિપ્પણી કરી હતી કે, આદિવાસી યુવાનોની સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ તરીકે નિયુક્ત ભરતી કરીને તેમને હથિયારો આપવાં ભારતીય બંધારણની સમાનતાનો અધિકાર આપતી કલમ 14 અને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપતી કલમ 21નું ઉલ્લંઘન કરે છે.
ચુકાદામાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, નક્સલવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે રાજ્ય સરકારે બંધારણીય રીતે બનાવેલા કાયદેસરનાં પોલીસદળોનો ઉપયોગ કરવો જોઈએ, નાગરિકોને હથિયારો પકડાવીને બનાવેલા સંગઠનનો ઉપયોગ ના કરી શકાય. કોર્ટે સલવા જુડૂમ અને તેના સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ પાસેથી શસ્ત્રો પાછાં લઈને સલવા જુડૂમનું વિસર્જન કરવા પણ આદેશ આપ્યો હતો. જસ્ટિસ રેડ્ડીની ખંડપીઠે આર્થિક અસમાનતા અને સામાજિક અન્યાયને દૂર કરવા પર ધ્યાન આપવા કહેલું કે જેથી નકસલવાદ બંધ થાય.
સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં ખોટું શું હતું ? કંઈ જ નહીં. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને બંધારણીય જોગવાઈઓ પ્રમાણે પોલીસ ફોર્સને નકસલવાદ સામે લડવા માટે ઉતારવાની સલાહ આપી હતી અને આ સલાહ સો ટકા સાચી હતી. ભારતમાં કોઈ પણ રાજ્યની આંતરિક સુરક્ષાની જવાબદારી પોલીસની જ છે ને છત્તીસગઢ ભારતમાં જ છે તેથી આ વાત છત્તીસગઢને પણ લાગુ પડે જ. માનો કે, નકસલવાદ સામે લડવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ના હોય તો નવી ભરતી કરવી જોઈએ.
સલવા જુડૂમમાં જેમને `સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ’ બનાવી દેવાયા એ આદિવાસી યુવકોની પોલીસમાં ભરતી કરીને તેમને કાયદેસર રીતે શસ્ત્રો આપી જ શકાય કે નહીં? રાજ્ય સરકારે તેના બદલે સામાન્ય લોકોને હથિયારો આપીને પોલીસને સમાંતર એક ફોર્સ જ બનાવી દીધી. આ ફોર્સને હથિયારો અપાયાં પણ તેમની જવાબદારી શું એ નક્કી ના કરાયું. જેની જવાબદારી નક્કી ના હોય એવું સશસ્ત્ર સંગઠન આ દેશમાં ઊભું જ કઈ રીતે થઈ શકે ?
નકસલવાદ ગંભીર સમસ્યા છે એ વાત સાચી, તેની સામે લડવા વધારે સજજ થવું પડે એ વાત પણ સાચી પણ તેના માટે થઈને લોકોને હથિયાર થોડાં આપી દેવાય ? સરકારે આપેલાં હથિયારોનો ઉપયોગ નકસલવાદ સામે લડવાને બદલે વ્યક્તિગત હિસાબો સરભર કરવા થવા લાગેલો ને તેનો ઉપાય પણ સરકાર પાસે નહોતો. સલવા જુડૂમ એક રીતે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ હતું ને એટલે જ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવી દીધું હતું. કમનસીબે સલવા જુડૂમનાં કરતૂતોની વાત કરવાના બદલે અત્યારે સારા ને સાચા ચુકાદાની ટીકા થઈ રહી છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ચૂંટણી પંચે રાહુલના ગંભીર આક્ષેપોના જવાબ તો આપ્યા જ નહીં