એકસ્ટ્રા અફેરઃ ચીનનાં એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો...
એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ચીનનાં એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો…

ભરત ભારદ્વાજ

ભારતના ચીન સાથેના સંબંધો સારા થયા હોવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવા વચ્ચે એક ચોંકાવનારો મીડિયા રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, ચીને તિબેટમાં લુન્ઝે એરબેઝ પર 36 હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સ બનાવ્યાં છે. ચીને લુન્ઝેમાં હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સની સાથે સાથે નવા વહીવટી બ્લોક્સ અને નવા એપ્રોનનું બાંધકામ પણ કર્યું છે. લુન્ઝે એરબેઝ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશની એકદમ નજીક છે.

અરુણાચલ પ્રદેશના વ્યૂહાત્મક શહેર તવાંગથી લગભગ 107 કિલોમીટર દૂર આવેલા લુન્ઝે એરબેઝમાં ચીને સીએચ-4 ડ્રોનનો ખડકો પણ કર્યો છે. ચીનના લશ્કરી ખડકાનો પર્દાફાશ સેટેલાઈટ તસવીરોના કારણે થયો છે. વિશ્વમાં વંતોર સીક્યુરિટી ઈન્ટેલિજન્સમાં ટોચની એજન્સી મનાય છે. અગાઉ મેક્સર તરીકે ઓળખાતી વંતોરે લીધેલી સેટેલાઈટ તસવીરોમાં ચીને ભારત સાથેની સરહદે તાણી બાંધેલાં લશ્કરી બાંધકામ સ્પષ્ટ દેખાય છે.

હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સનો મતલબ જેટ ફાઈટર્સને રાખવા માટેનાં બંકર થાય છે. દુશ્મન દેશ ગમે તેવા હુમલા કરે પણ જેને કશું ના કરી શકે એવા બંકરને હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સ કહે છે. ચીને લુન્ઝેમાં આવા હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સની સાથે સાથે નવા વહીવટી બ્લોક્સ અને નવા એપ્રોનનું બાંધકામ પણ કર્યું છે.

એરપોર્ટ એપ્રોનને રેમ્પ અથવા ટાર્મેક પણ કહેવાય છે. એરપોર્ટ એપ્રોનમાં વિમાન પાર્ક કરવામાં આવે છે, લોડ કરવામાં આવે છે, અનલોડ કરવામાં આવે છે, રિફ્યુઅલ કરવામાં આવે છે અને સૈનિકોને ચડાવવામાં પણ આવે છે. ટર્મિનલ બિલ્ડિંગ અને રનવે વચ્ચે આવેલા એપ્રોનમાં રખાયેલાં જેટ ફાઈટર ગમે ત્યારે આક્રમણ કરવા તૈયાર સ્થિતિમાં હોય છે. એપ્રોનમાં વિમાનની સર્વિસિંગ માટે ગ્રાઉન્ડ કામગીરી પણ થાય છે. ચીનનાં ઈઇં-4 ડ્રોન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર ધરાવે છે અને 16,000 ફૂટથી વધુ ઊંચાઈથી બૉમ્બ ફેંકી શકે છે.

ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન લાઇનથી લગભગ 40 કિલોમીટર ઉત્તરમાં આવેલા લુન્ઝે એરબેઝ પર ચીન આ બધું બાંધકામ કરે કે ડ્રોનનો ખડકલો કરે તેનો અર્થ એ થયો કે, ચીન ભારતની સરહદે મોટા પ્રમાણમાં લશ્કરી થાણાં ઊભાં કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ ચીનની સરકાર પોતાના સૈનિકો અને વિમાનોને લુન્ઝે એરબેઝ પર ભારત દર્શન કરાવવા માટે તો નથી જ ખડકી રહી તેથી ભારત માટે આ ચિંતાનો વિષય છે.

ચીન ભારત સાથેની સરહદે લશ્કરી ખડકલો કરે તેનો મતલબ એ થયો કે, ચીન ગમે ત્યારે ભારત પર આક્રમણ કરી શકાય ને ભારતના વિસ્તારોમાં બૉમ્બમારો કરી શકાય એવી તૈયારી કરીને બેઠું છે. ચીનનો ખરેખર ઈરાદો શું છે એ આપણને ખબર નથી પણ આવા મોટા પ્રમાણમાં લશ્કરી બાંધકામો કરવા પાછળ ચીનની કોઈ ગણતરી તો હશે જ.

સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ચકમક ઝર્યા જ કરે છે ને એ સંજોગોમાં ચીનનાં હેલિકૉપ્ટર્સ કે ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસીને ધડબડાટી બોલાવી શકે એવી વ્યવસ્થા ચીને અકારણ તો નહીં જ કરી હોય. ચીનની માનસિકતા બીજા દેશોનું પચાવી પાડવાની છે અને ભારતના તો ઘણા બધા વિસ્તારો પર ચીનનો પહેલેથી ડોળો છે જ એ જોતાં ચીન ગમે ત્યારે ભારત પર હલ્લાબોલ કરી નાંખે એવો ખતરો વધી ગયો છે.

ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડા એર ચીફ માર્શલ બી એસ ધનોઆ (નિવૃત્ત) એ તો સાફ શબ્દોમાં કહ્યું છે કે, ચીન આ બધી તૈયારી કરીને હુમલો કરવાની તૈયારી જ કરી રહ્યું છે. એર ચીફ માર્શલના કહેવા પ્રમાણે, આ બધું રાતોરાત થયું નથી. ચીને ભારતને કે દુનિયાના બીજા દેશોને ગંધ ના આવે એ રીતે બાંધકામ કરી નાંખ્યું ને શસ્ત્ર સરંજામ પણ ખડકી નાંખ્યો તેનો અર્થ એ થયો કે, દારૂગોળો અને બળતણ મોકલવા માટે પહેલેથી આ વિસ્તારમાં ભૂગર્ભ ટનલો બનાવી રાખી હશે.

એર ચીફ માર્શલ બી એસ ધનોઆના કહેવા પ્રમાણે, મેં 2017માં ડોકલામમાં ભારતના 20 સૈનિકોની હત્યા ચીનાઓએ કરી એ વખતે જ મેં મારા સ્ટાફને કહ્યું હતું કે, અત્યારે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સનાં પ્લેન તિબેટમાં તૈનાત નથી પણ જે દિવસે ચીન તિબેટમાં તેમના એરફિલ્ડમાં મજબૂત એરક્રાફ્ટ શેલ્ટર બનાવવાનું શરૂ કરશે એ દિવસે સ્પષ્ટ થઈ જશે કે ચીન આપણી સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તિબેટમાં એરબેઝ મજબૂત થતાં જ ચીન બાંયો ચડાવશે. એર ચીફ માર્શલની ગણતરી સાચી હોય તો ચીન ભારત પર હુમલો કરવાની તૈયારીમાં છે એ વિશે કોઈ શંકા જ રહેતી નથી.

ભારત માટે મોટી સમસ્યા એ છે કે, ચીન માત્ર એક એરબેઝને સજ્જ નથી કરી રહ્યું પણ એક સાથે છ-છ એરબેઝને યુદ્ધ માટે સજ્જ કરી રહ્યું છે. ટીંગરી, લુન્ઝે, બુરાંગ, યુટિયન અને યારકાંત એરબેઝને ચીન યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે. ટીંગરી, લુન્ઝે અને બુરાંગ એરબેઝ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની એકદમ નજીક લગભગ 150 કિમી.ની અંદર આવેલા છે. આ એરબેઝ પર ચીનની તાકાત વધે તેના કારણે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદાખમાં ભારતીય એરબેઝને ખતરો વધ્યો છે.

આ છ એરબેઝ પર ધમધોકાર કામ ચાલી રહ્યું છે તેના સેટેલાઈટ ઈમેજ એપ્રિલમાં જ બહાર આવી ગયેલી એ છતાં ચીને કામ ચાલુ રાખ્યું તેનો મતલબ એ થયો કે ચીન પોતાના બદઈરાદાને પાર પાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઉત્તરમાં લેહથી પૂર્વમાં ચાબુઆ સુધી ભારતીય એરફોર્સના 15 મુખ્ય એરબેઝ આવા છે. તેના કારણે ભારતનો હાથ ઉપર હતો પણ હવે ચીન પોતાના એરબેઝને મજબૂત કરીને ભારતીય એરબેઝને પોતાની રેન્જમાં લાવી રહ્યું છે.

ચીનની આ તૈયારીઓ વચ્ચે આપણી સરકાર કશું કરી નથી રહી એ કમનસીબી છે. કેન્દ્ર સરકારે ચીનના બાંધકામ અંગે પ્રતિક્રિયા પણ નથી આપી. સરકાર રિએક્શન ના આપે એ ચાલે પણ સામે બીજી તૈયારીઓ ચાલી રહી છે તેનો અણસાર પણ મળે તો લોકોનો જુસ્સો બુલંદ રહે પણ આપણી સરકાર એવું પણ કશું કરી રહી નથી.

ભારતીય એરફોર્સ મજબૂત છે પણ ચીનની તાકાત રાક્ષસી છે. ચીને વિકસાવેલાં ડ્રોન તો ગમે ત્યાં ઘૂસી જાય છે. ચીન તરફથી ઊભા થયેલા આ ડ્રોન ખતરાનો ભારત પાસે કોઈ જવાબ અત્યારે નથી. 2029માં જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત સ્કાય ગાર્ડિયન ડ્રોન ઈન્ડિયન આર્મીને મળશે ત્યારે ભારત પાસે ચીનનાં ડ્રોનનો જવાબ હશે પણ 2029ને હજુ ચાર વર્ષની વાર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button