એકસ્ટ્રા અફેરઃ લશ્કરી કાર્યવાહી વિના પીઓકે પાછું ના મળે

ભરત ભારદ્વાજ
ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાન પાસેથી કઈ રીતે પાછું લેવું એ મુદ્દો લાંબા સમયથી ચર્યાય છે. પહલગામ હુમલા પછી ભારતીય લશ્કરે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે ભારત પાસે પીઓકે આંચકી લેવાની તક હતી પણ અમેરિકાના દબાણ હેઠળ ભારતે યુદ્ધવિરામ કરી નાખીને એ તક વેડફી નાખી એવા આક્ષેપો વચ્ચે ભાજપના નેતા ડંફાશો માર્યા કરે છે.
દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એવી જ ડંફાશ મારતાં કહ્યું છે કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) કોઈપણ લડાઈ કે હુમલા વિના આપોઆપ ભારતને પરત મળી જશે. રાજનાથના કહેવા પ્રમાણે પીઓકેનાં લોકો પોતે જ આઝાદીની માગ કરી રહ્યા છે અને એક દિવસ આ લોકો પોતે જ કહેશે કે, અમે પણ ભારતીય છીએ. રાજનાથ સિંહ પહેલાં પણ આ વાત કરી ચૂક્યા છે અને મોરક્કોમાં ભારતીય સમુદાયને સબોધતાં તેમણે આ વાત દોહરાવી.
રાજનાથે પોતે આ વાત પહેલાં કરેલી તેનો સ્વીકાર કરીને એમ પણ કહ્યું કે, પોતે પાંચ વર્ષ પહેલાં કાશ્મીરમાં આર્મીના એક કાર્યક્રમમાં આ જ વાત કરી હતી અને પોતે આ વાત પર મક્કમ છે. રાજનાથે યુદ્ધ વિના પીઓકે ભારતમાં ભળી જશે એવું કહ્યું એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં.
આ પાંચ વર્ષમાં પીઓકે ભારતને મળી જશે કે આપોઆપ ભારતમાં ભળી જશે એવા કોઈ અણસાર દેખાયા નથી છતાં આપણે આશા રાખીએ કે, રાજનાથસિંહનો આશાવાદ સાચો પડે. પીઓકે ભારતનો જ હિસ્સો છે અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે આ વિસ્તાર પચાવી પાડ્યો છે.
આપણા શાસકોની કાયરતાના કારણે આપણે આ વિસ્તારમાંથી 77 વર્ષ પછી પણ પાકિસ્તાનને ખદેડી શક્યા નથી એ જોઈને રંજ થાય પણ એક ભારતીય તરીકે ભારતનો જેના પર અધિકાર છે એ વિસ્તાર પાછો મળે એવું આપણે ઈચ્છીએ જ તેમાં બેમત નથી.
આ કારણે રાજનાથસિંહનો આશાવાદ ગમે એવો છે પણ આશાવાદથી કંઈ થતું નથી. રાજનાથ કહે છે એ રીતે લોકો ભડકીને શાસકોને ખદેડી મૂકે એ શક્ય છે. દુનિયાના સંખ્યાબંધ દેશોમાં એવું થયું છે. ગયા વરસે બંગ્લાદેશમાં લોકોએ શેખ હસીનાને ભગાડી મૂકેલાં ને હમણાં નેપાળમાં કે. પી. શર્મા ઓલીને લોકોએ ભગાડી મૂક્યા.
બીજા દેશોમાં પણ એ રીતે લોકોએ ભડકીને ક્રાંતિ કરી નાખી હોય એવી ઘટનાઓ બની જ છે તેથી પીઓકેમાં પણ એવું બને એવો આશાવાદ ખોટો નથી પણ સામે વાસ્તવિકતા પણ સમજવી જરૂરી છે. દુનિયામાં બંગ્લાદેશ, નેપાળ કે બીજા જે પણ દેશમાં લોકોએ શાસકોને ભગાડ્યા તેમાં અને પીઓકેની સ્થિતીમાં બહુ ફરક છે. બીજા દેશોમાં રાજકારણીઓ કે પછી લશ્કરી સરમુખત્યારો સત્તા પર ચડી બેઠા હતા ને લોકોએ તેમને ભગાડ્યા છે.
પીઓકેમાં પાકિસ્તાનના આર્મીનો કબજો છે. આ આર્મી સામે લડવું કપરું છે કેમ કે પાકિસ્તાની લશ્કર પાસે દયા જેવું કશું નથી. પાકિસ્તાન આર્મી પોતાની સામેના કોઈ પણ બળવાને નિર્દયી રીતે કચડી નાંખવામાં માને છે. આ સંજોગોમાં લોકોનો પ્રચંડ આક્રોશ ઊભો થાય તો પણ તેને બહારથી મદદ ના મળે તો પાકિસ્તાન આર્મી આ બળવાને દબાવી જ દે.
પાકિસ્તાન આર્મી લોકોના આક્રોશને દબાવી ના દે એ માટે પાકિસ્તાન આર્મીને યુદ્ધમાં વ્યસ્ત કરીને હરાવવું જરૂરી છે. ભારતે બંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું ત્યારે પણ આ જ સમીકરણ હતાં ને અત્યારે પણ આ જ સમીકરણ છે. બંગાળીઓ પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન (હાલનું બંગ્લાદેશ)ને અલગ કરવા 1950ના દાયકાથી લડતા હતા પણ પાકિસ્તાનું લશ્કર તેમને દબાવી દેતું હતું.
પાકિસ્તાન સામે લડતા શેખ મુજીબુર રહેમાન અને તેમના સમર્થકોને જેલભેગા કરી દેવાતા. પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને બંગાળીઓની લડતને કચડી નાખવા ભારે અત્યાચારો કર્યા હતા. મુજીબુર રહેમાને લોકોને પૂરી તાકાતથી લડી લેવાનું એલાન કર્યું તેથી બંગાળીઓ રસ્તા પર ઉતર્યા ને બંગ્લાદેશમાં પ્રચંડ આંદોલન ઉભું થયું પણ આ આંદોલનના કારણે બંગ્લાદેશનું સર્જન નથી થયું પણ ભારતે ખુલ્લેઆમ મદદ કરી પછી પાકિસ્તાન આર્મીએ બાંગ્લાદેશમાંથી ભાગવું પડ્યું.
મુજીબુરના આંદોલનને કચડી નંખવા 25 માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર યાહ્યાખાને લશ્કરને છૂટો દોર આપી દીધો હતો. યાહ્યા ખાને વિરોધને કચડી નાખવા લશ્કરને જે કરવું હોય એ કરવાની છૂટ આપી. બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી. બંગ્લા પ્રજા પર પાકિસ્તાની લશકરે બેફામ અત્યાચાર શરૂ કર્યા. મુજીબુરના સમર્થકોને ખતમ કરવા પાકિસ્તાની લશ્કરે ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યું તેમાં 30 લાખ લોકોની હત્યા કરી ને હજારો યુવતીઓ પર રેપ કરેલા.
આ અત્યાચારથી ત્રસ્ત મુજીબુર રહેમાનના સમર્થકોએ બંગાળીઓનું રક્ષણ કરવા હથિયાર ઉઠાવ્યાં અને 10 એપ્રિલે બંગ્લાદેશમાં પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચાઈ. આ સરકારે મોહમ્મદ અતાઉલ ગોની ઉસ્માનીને કમાન્ડર બનાવીને મુક્તિ બાહિની રચી પછી પણ પાકિસ્તાન આર્મી સામે ઝીંક ઝીલવાની તેની તાકાત નહોતી.
પાકિસ્તાની લશ્કરના અત્યાચારોના કારણે ભારત પર હસ્તક્ષેપ કરવા દબાણ સર્જાયું પણ ભારત સીધી રીતે દખલગીરી કરી શકે તેમ નહોતું તેથી ઈન્દિરાએ મુત્સદ્દીગીરી વાપરીને મુક્તિ બાહિનીને પાછલા બારણે મદદ કરવા માંડી. ભારતીય લશ્કરની મદદથી મુક્તિ બાહિનીએ ગેરીલા સ્ટાઈલમાં હુમલા કરીને પાકિસ્તાની લશ્કરની ઉંઘ હરામ કરી નાંખી હતી પણ પાકિસ્તાની લશ્કરને ખદેડીને બંગ્લાદેશની રચના નહોતું કરી શકી.
લગભગ છ મહિના સુધી મુક્તિ બાહિનીને મદદ કરીને ભારતીય લશ્કરે પાકિસ્તાની લશ્કરને પરેશાન કર્યું પણ તેના કારણે બંગ્લાદેશનુ સર્જન ના થયું. જનરલ યાહ્યાખાને ધીરજ ના ગુમાવી હોત તો કદાચ આ આંતરિક જંગ ચાલ્યા જ કરત પણ યાહ્યા ખાને ધીરજ ગુમાવીને ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી નાખી. ભારતીય લશ્કરે આ તક ઝડપી લીધી અને ત્રણ દિવસમાં તો પાકિસ્તાન આર્મીનો ખેલ ખતમ કરી નાખ્યો.
અત્યારે પણ પીઓકે પાછું લેવું હોય તો આ જ ફોર્મ્યુલા છે. પીઓકેનાં લોકો છેલ્લા બે દાયકાથી સતત પાકિસ્તાન આર્મી સામે લડે છે. 2005માં આવેલા ભૂકંપે ભયંકર તારાજી સર્જી ત્યારથી લોકોએ બાંયો ચડાવી છે પણ કશું થતું નથી કેમ કે પીઓકેની 40 લાખની વસતીમાં 10 લાખ તો પાકિસ્તાની છે ને બાકીના 30 લાખનું પાકિસ્તાન આર્મીને ખદેડવાનું ગજું જ નથી. લોકોને મદદ કરવા ભારતીય લશ્કરે મેદાનમાં આવવું જ પડે. પીઓકે ભારતનો જ ભાગ છે તેથી ભારતીય લશ્કર મદદ કરે તો કશું ખોટું નથી પણ તેના માટે શાસકોમાં હિંમત હોવી જોઈએ ને?
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાનના પીઠ્ઠુ મલિકની વાતનો કોણ ભરોસો કરે?