કેજરીવાલનાં પત્ની ને રેખા ગુપ્તાના પતિમાં શું ફરક?
એકસ્ટ્રા અફેર

કેજરીવાલનાં પત્ની ને રેખા ગુપ્તાના પતિમાં શું ફરક?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનને આલિશાન બનાવવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કર્યું તેનો વિવાદ શમ્યો નથી ત્યાં રેખા ગુપ્તાએ બોલાવેલી સત્તાવાર બેઠકમાં તેમના પતિદેવ મનિષ ગુપ્તા હાજર રહ્યાનો નવો ડખો ઉભો થયો છે.

રેખા ગુપ્તાના પોતાના મતવિસ્તાર શાલિમાર બાગનાં વિકાસ કાર્યોની સમીક્ષા માટે ગુપ્તાએ અધિકારીઓ સાથે બોલાવેલી બેઠકમાં ગુપ્તાજી સદેહે હાજર તો રહ્યા પણ અધિકારીઓને સૂચનાઓ પણ આપી એવો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.

બહુ વખણાયેલી પંચાયત વેબ સિરીઝમાં મહિલા સરપંચ બનતાં નિના ગુપ્તા શોભાના ગાંઠિયા જેવાં સરપંચ હોય છે. તેમના બદલે તેમના પતિ બનતા રઘુવીર યાદવ જ નિર્ણયો લે છે અને પંચાયતની બેઠકોમાં હાજર રહે છે, બધો કારભાર એ સરપંચના પતિ જ કરે છે.

આ વેબ સિરીઝને હવાલો આપીને આપના નેતાઓએ કટાક્ષ કર્યો છે કે, ભાજપે દિલ્હીને ફુલેરા ગ્રામ પંચાયત બનાવી દીધી છે. આપનું કહેવું છે કે, મુખ્યમંત્રીના પતિની સરકારી બેઠકમાં ગેરહાજરી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભાજપ દ્વારા દેશની રાજધાનીમાં, લોકશાહી અને બંધારણીય વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી રહી છે. વંશવાદી રાજકારણ માટે કૉંગ્રેસની સતત ટીકા કરતી ભાજપે સમજાવવું જોઈએ કે, આ વંશવાદી રાજકારણ નથી?

ભાજપે રેખા ગુપ્તાના પતિદેવની સરકારી બેઠકમાં હાજરીનો બચાવ કરીને કહ્યુ છે કે, રેખા ગુપ્તાના પતિદેવ ગુપ્તાના મતવિસ્તારની દેખરેખ રાખે છે તેથી બેઠકમાં હાજર રહે તેમાં કશું ખોટું નથી. ભાજપે તો ભૂતકાળમાં ક્યા ક્યા મુખ્યમંત્રીનાં સગાં તેમના મતવિસ્તારની દેખરેખ રાખતાં હતાં તેની વિગતો પણ આપી છે.

ભાજપના આઈટી સેલના કર્તાહર્તા અમિત માલવિયે ટ્વિટ કરી છે કે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને નિશાન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ કંઈક વધારે નક્કર મુદ્દા શોધવો જોઈએ. રેખા ગુપ્તા પોતાના મતવિસ્તારની સમીક્ષા બેઠક કરી રહ્યા હતાં તેમાં મનિષ ગુપ્તા હાજર હતા કેમ કે આ મતવિસ્તારની દેખરેખ તેમના પતિ રાખે છે.

ભૂતકાળમાં શીલા દીક્ષિતના મતવિસ્તારની દેખરેખ તેમનાં બહેન રમા ધવન કરતાં હતાં અને સુનિતા કેજરીવાલ અરવિંદ કેજરીવાલના મતવિસ્તારની દેખરેખ રાખતા હતા. ભાજપે ફુલેરા પંચાયતના કટાક્ષ સામે વળતો કટાક્ષ એ પણ કર્યો છે કે, મનિષ ગુપ્તા બેઠકમાં હાજર હતા પણ સુનિતા કેજરીવાલની જેમ મુખ્યમંત્રીનાી ખુરશી પર બેઠા ન હતા કે ગેરકાયદે આદેશો આપતા નથી.

કેજરીવાલના સમયમાં સીનિયર અધિકારીઓને “મુખ્યમંત્રી મેડમના નિર્દેશ મુજબ” કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું એવું કશું મનિષ ગુપ્તાએ કર્યું નથી. માલવિયે તો મહિલા કાર્ડ રમીને એવો દાવો પણ કર્યો છે કે, રેખા ગુપ્તાને મહિલા છે અને સારું કામ કરીને અરવિંદ કેજરીવાલને સામાન્ય સાબિત કરી રહી છે.

ભાજપનો બચાવ સાવ વાહિયાત છે એ કહેવાની જરૂર નથી કેમ કે નિયમ પ્રમાણે મનિષ ગુપ્તા મતવિસ્તારની દેખરેખ રાખતા હોય તો પણ તેમને હાજર ના રાખી શકાય. ભૂતકાળમાં કેજરીવાલ કે શીલા દીક્ષિતે નિયમભંગ કરીને ખોટું કર્યું તેને આધાર બનાવીને ભાજપ પોતાને નિયમભંગનો અધિકાર છે એવું માને એ બકવાસ કહેવાય.

લોકો પહેલાં કૉંગ્રેસ ને પછી આમ આદમી પાર્ટીથી કંટાળ્યાં એટલે ભાજપને ફરી સત્તા આપી છે. ભાજપ એ લોકોએ ખોટા કરેલાને આધાર બનાવીને પોતે પણ ખોટું કરવાનો હોય તો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતાં ભાજપ કઈ રીતે અલગ કહેવાય ?

રેખા ગુપ્તાના પતિ સરકારી બેઠકમાં હાજર ના રહી શકે કેમ કે, રેખા ગુપ્તાના પતિ કોઈ હોદ્દા પર નથી. મનિષ ગુપ્તા તો વેપારી છે અને શાલિમાર બાગ વિસ્તારમાં કપડાંની દુકાન ચલાવે છે. ભાજપ સાથે તેમને કંઈ લેવાદેવા નથી એવું તો ના કહી શકાય પણ ભાજપમાં એ કોઈ હોદ્દા પર નથી એ સ્પષ્ટ છે. એ જ રીતે રેખા ગુપ્તાએ તેમને પોતાના મતવિસ્તારની દેખરેખ રાખવા માટે નિમણૂક કરી છે કે નહીં એ પણ સ્પષ્ટ નથી.

ભાજપ ભેરવાયો છે એટલે મનિષ ગુપ્તાને રેખા ગુપ્તાની વિધાનસભા બેઠકના પ્રતિનિધિ બનાવી દીધા હોય એવું બની શકે, બાકી સામાન્ય રીતે રાજકીય કાર્યકરની આ કામ માટે નિમણૂક થતી હોય છે. કોઈ પણ મંત્રી કે બીજા હોદ્દા પર બેઠેલા જનપ્રતિનિધીના મતવિસ્તારની દેખરેખ રાખનારે લોકોને મળવાનું હોય છે ને સરકારી પ્રોજેક્ટ્સ, વિકાસનાં કામો તથા કલ્યાણ યોજનાઓનો લાભ લોકોને મળે છે કે નહીં તેનો રિપોર્ટ આપવાનો હોય છે.

તેના આધારે જન પ્રતિનિધિ સરકારી તંત્ર પાસે જવાબ માગી શકે. પણ પોતાના પ્રતિનિધિને સમીક્ષા બેઠકમાં બેસાડીને અધિકારીઓને ફરમાનો ના અપાવી શકે. વિધાનસભા મતવિસ્તારની દેખરેખ રાખનારને મંત્રી સરકારી બેઠકોમાં હાજર રાખતા હોય છે. નિયમ પ્રમાણે હાજર ના રાખી શકાય પણ આપણે ત્યાં નિયમની કોઈને પડી નથી ને નિયમો તો તોડવા માટે જ બનાવાય છે એમ માનીને સૌ વર્તે છે. ભાજપ પણ એ રીતે જ વર્તી રહ્યો છે અને નિયમોની ઐસીતસી કરી રહ્યો છે.

ભાજપે કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ અધિકારીઓને ફરમાન કરતાં હતાં ને મુખ્યમંત્રીની ખુરશીમાં બેસી જતાં હતાં એવી ટીકા કરી છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ સુનિતા કેજરીવાલ એવું કરતાં હોય તો તેમના અને રેખા ગુપ્તાના પતિના વર્તનમાં ફર્ક માત્ર મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસવાનો છે.

મનિષ ગુપ્તા મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા વિના સુનિતા કેજરીવાલ કરતાં હતાં એ જ કામ કરી રહ્યા છે એ જોઈને ભાજપના નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જેની ટીકા કરીને સત્તા હાંસલ કરી તેના જ રસ્તે ચાલવું પડે એ ખરેખર શરમજનક કહેવાય

ભાજપ કૉંગ્રેસના વંશવાદની ટીકા કરે છે અને રેખા ગુપ્તાના વંશવાદને પોષે છે એ વાત પણ ખોટી નથી. રેખા ગુપ્તા ગામડાની મહિલા સરપંચની જેમ વર્તીને પોતાના પતિને આગળ કરે એ વંશવાદ જ કહેવાય. ભાજપ આ પ્રકારના વર્તનને પોષે ને તેનો ખુલ્લેઆમ બચાવ કરે એ શરમજનક કહેવાય.

કૉંગ્રેસના કારણે દેશના રાજકારણનું પતન થયું એવું જ્ઞાન ભાજપના નેતા છાસવારે પિરસે છે ત્યારે પોતે શું કરી રહ્યા છે ? આપણી કમનસીબી પાછી એ છે કે, આપણા નેતા ચોરી પર સિનાજોરી કરે ને પ્રજા તમાશો જોયા કરે છે.

આ પણ વાંચો…દિલ્હીમાં ‘ફૂલેરા’ જેવું સાશન? મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાના પતિ સરકાર ચાલવતા હોવાનો આપનો આરોપ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button