એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારત બેસી રહે ને સિંધ ખોળામાં આવીને ના પડે…

ભરત ભારદ્વાજ

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિંધ અંગે કરેલા નિવેદનથી પાકિસ્તાન ઉકળ્યું છે. રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં કહેલું કે, આજે સિંધ ભારતનો ભાગ ભલે ના હોય પણ સિંધ અને ભારતની સભ્યતા એક જ છે તેથી સભ્યતાની રીતે સિંધ હંમેશાં ભારતનો ભાગ રહેશે. રાજનાથે એવું પણ કહ્યું કે, સરહદો ક્યારે બદલાઈ જાય એ કોઈને ખબર નથી હોતી એ જોતાં ભવિષ્યમાં સિંધ ભારત પાસે આવી જાય એવું પણ બને.

રાજનાથના નિવેદનથી પાકિસ્તાનને મરચાં લાગી ગયાં છે. પાકિસ્તાને રાજનાથના નિવેદનને ખોટું, ઉશ્કેરણીજનક અને ખતરનાક ગણાવ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે, આવાં નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને તેના કારણે ઉશ્કેરાટ વ્યાપે છે તેથી ભારતીય નેતાઓ આવાં નિવેદનો આપવાથી દૂર રહે.

પાકિસ્તાનની વાત બેવડાં ધોરણોનો નાદાર નમૂનો છે. પાકિસ્તાન પોતે જમ્મુ અને કાશ્મીર વિશે છાસવારે આવાં નિવેદનો કરે છે, ભારતના પ્રદેશ એવા જમ્મુ અને કાશ્મીરનો પ્રદેશ બથાવીને બેસી ગયું છે અને તેને આઝાદ કાશ્મીર ગણાવે છે. પાકિસ્તાન એવો બકવાસ પણ કરે છે કે, જમ્મુ અને કાશ્મીરને ભારત લશ્કરના જોરે પોતાની સાથે રાખે છે, બાકી કાશ્મીરનાં લોકો તો ભારત સાથે રહેવા ધોળે ધરમેય તૈયાર નથી.

માત્ર એટલું જ નહીં પણ પાકિસ્તાન તો જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરાવવાના ઉધમાતમાં કોઈ કસર છોડતું નથી. કાશ્મીરમાં આતંકવાદ દ્વારા નિર્દોષોની હત્યા કરવાથી માંડીને અરાજકતા ફેલાવવા સુધીનું બધું પાકિસ્તાન કરે છે. પાકિસ્તાન આ બધું કરે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય કાયદા પણ યાદ નથી આવતા કે તેના કારણે ઉશ્કેરાટ વ્યાપે છે એ પણ યાદ નથી હોતું ને રાજનાથે સિંધની વાત છેડી તેમાં તો મરચાં લાગી ગયાં.

ભારતને તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારતના નેતા પાકિસ્તાનના આંગળિયાત નથી તેથી તેમણે શું બોલવું એ પાકિસ્તાન નક્કી ના કરી શકે. રાજનાથે માત્ર નિવેદન આપ્યું છે ને નિવેદનના કારણે કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ પણ થતો નથી તેથી પાકિસ્તાનના વાંધાની પરવા કરવા જેવી નથી પણ મુખ્ય મુદ્દો સિંધમાં લોકો પાકિસ્તાનથી ખુશ નથી તેનો છે. માત્ર સિંધ જ નહીં પણ આખું પાકિસ્તાન અને છેક અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ ભારતીય સભ્યતાનો ભાગ છે તેથી રાજનાથની એ વાત તો સો ટકા સાચી જ છે પણ ભવિષ્યમાં સિંધ ભારતમાં ભળી શકે એ વાત પણ સાચી છે.

સિંધમાં લાંબા સમયથી પાકિસ્તાનના શાસન સામે ઉકળાટ છે અને એક મોટો વર્ગ માને છે કે, સિંધી સંસ્કૃતિને બચાવવા સિંધીઓએ પાકિસ્તાનથી અલગ થવું જોઈએ નહિંતર ખતમ થઈ જઈશું. આ લાગણી બહુ વરસોથી છે ને સિંધીઓ રહેતા ભલે હોય પણ પાકિસ્તાનમાં તેમને ગોઠતું નથી એ પણ વાસ્તવિકતા છે. વરસોથી પાકિસ્તાનથી અલગ થવા એ લોકો ઊંચાનીચા થયા જ કરે છે. સિંધને પાકિસ્તાનથી અલગ કરીને જ્યાં ઈસ્લામ નહીં પણ સિંધુ સંસ્કૃતિ સર્વોપરી હોય તેવું અલગ રાષ્ટ્ર રચવાની માગણી સાથેની ઝુંબેશ પાકિસ્તાનમાં વરસોથી ચાલે છે.

આઝાદી પછી તરત જી.એમ. સઈદે આ વિચાર મૂકેલો. સિંધની પ્રજા પંજાબીઓ અને મોહાજીરોથી ત્રાસેલી હતી તેથી તેમને આ વિચાર ગમી ગયો. પંજાબીઓ પાકિસ્તાનના રાજકારણ પર ચડી બેઠા છે ને કોઈને ગાંઠતા નથી. ભારતમાં ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી ગયેલા મુસલમાનો પાકિસ્તાનમાં મોહાજીરો કહેવાય છે. સિંધનાં કરાચી સહિતનાં શહેરોમાં આ મોહાજીરોનાં ધાડેધાડાં ઊતરીને બધે ઘૂસી ગયાં છે તેથી સિંધીઓનું રહેવું હરામ થઈ ગયું છે. આ કારણે મોહાજીરોથી પણ સિંધીઓ ત્રસ્ત છે.

સઈદે સિંધુ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પંજાબીઓને મોહાજીરોથી અલગ દેશ જરૂરી છે તેવી વાત રમતી મૂકી. આ વિચારથી સિંધીઓ ઝૂમી ઉઠ્યા ને તેને વધાવી લીધો ત્યારથી સિંધીઓના મનમાં પકિસ્તાનથી અલગ થવાનો વિચાર છે. સિંધમાં રહેનારા મુસ્લિમો પણ મૂળ વેપારી પ્રજા છે તેના કારણે ખાધેપીધે સુખી છે. સિંધથી ભારત ભાગીને આવેલા હિન્દુઓ પણ સુખી પ્રજા છે. એ લોકો વખાના માર્યા ભારત તો ભાગીને આવી ગયા પણ તેમનાં ઘણાં સગાં ત્યાં રહી ગયેલાં.

તેના કારણે સિંધ સાથે તેમને પણ લગાવ હતો જ. સઈદના વિચારે તેમના મનમાં પણ એક આશા પેદા કરી કે સિંધુ દેશ બને તો આપણે પણ પાછા વતનમાં જઈ શકીશું ને સુખે રહી શકીશું. તેમણે પણ આ વિચારને વધાવ્યો ને સઈદને મદદ કરવા માંડી. પરિણામે જીયે સિંધ ચળવળ જામી ગઈ. ઈન્દિરાએ તેને પછી તો ખુલ્લેઆમ મદદ કરી તેથી આ ચળવળ ઉગ્ર બની.

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સિંધી હતા તેથી ભુટ્ટો સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનના રાજકારણમાં સિંધીઓનું વર્ચસ્વ વધ્યું એટલે ચળવળ ધીમી પડી હતી પણ જનરલ ઝિયાએ ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા પછી પાછા પંજાબી ચડી બેઠા તેથી સિંધીઓમાં અસંતોષ વધ્યો હતો. ઝિયાનું શાસન લાંબું ચાલ્યું ને પછી નવાઝ શરીફ આવી ગયા તેથી જીયે સિંધ ચળવળ મજબૂત થઈ કેમ કે શરીફ પણ પંજાબી હતા. બેનઝિર ભુટ્ટોએ પણ રાજકીય ફાયદા માટે સિંધુ દેશનું કાર્ડ ખેલેલું ને તેના કારણે સિંધીઓમાં પોતાની સંસ્કૃતિનું ગૌરવ વધ્યું.

બેનઝિર સત્તામાં આવ્યાં પછી તેમણે આ ચળવળને થોડી ધીમી પાડી પણ બેનઝિરની હત્યા પછી સિંધી નોંધારા થઈ ગયા. સઈદ ગુજરી ગયા પછી નાના નાના રાજકીય પક્ષો રચાયેલા ને પોતાની રીતે લડતા હતા પણ બેનઝિરે તેમને દબાવી દીધેલા. બેનઝિર ગયાં પછી તેમને મોકળું મેદાન મળ્યું તેથી તેમણે આ ઝુંબેશને વેગવંતી બનાવી દીધી. 2017માં ઝૂલેલાલની દરગાહ પર હુમલો થયો પછી આ ચળવળમાં જીવ આવ્યો તેથી પાકિસ્તાન સરકાર પણ સિંધીઓ અલગ થવા ઉગ્ર બને એ વિચારે ફફડે જ છે. રાજનાથના સામાન્ય નિવેદન સામે આપેલું આકરું રીએક્શન આ ફફડાટનું જ પરિણામ છે.

રાજનાથની વાત ખોટી નથી પણ સાથે સાથે એ પણ હકીકત છે કે, કશું બેઠાં બેઠાં ના મળે ને તેના માટે મથવું પડે. રાજનાથે તો પહેલાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતમાં લોકોના આંદોલનના કારણે ભળી જશે એવું પણ કહેલું ને હવે સિંધ વિશે પણ તેમણે એ જ વાત કરી છે. સિંધમાં પાકિસ્તાન વિરોધી માહોલ છે ખરો પણ તેને ભારતમાં ભેળવવું હોય તો તેના માટે ભારતે પણ મથવું પડે. સૂતેલા સિંહના મોંમાં પણ કોળિયો આવીને પડતો નથી ને તેણે પણ શિકાર કરવા તો જવું જ પડે. આ વાત પીઓકેને પણ લાગુ પડે છે ને સિંધને પણ લાગુ પડે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button