એકસ્ટ્રા અફેર : અમેરિકા પોતાની ચિંતા કરે, ભારતની નહીં

- ભરત ભારદ્વાજ
અમેરિકા આખી દુનિયાનો ઉતાર છે અને અમેરિકાની એજન્સીઓ ને સરકાર પણ બધાં જ પાપ કરે છે પણ પોતે સુધરવાના બદલે દુનિયાના બીજા દેશોએ શું કરવું જોઈએ તેની સૂફિયાણી સલાહો આપ્યા કરે છે. આ સલાહો આપવા માટે અમેરિકાની સરકારે જાત જાતની સંસ્થાઓ ઊભી કરી છે કે જે ફલાણા દેશમાં આમ ચાલે છે ને ઢીંકણા દેશમાં આમ ચાલે છે એવા રિપોર્ટ પબ્લિશ કર્યા કરે છે ને બીજા દેશોનેં ઘોંચપરોણા કર્યા કરે છે.
યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમ (USCIRF) આવી જ એક સંસ્થા છે કે જે દર વર્ષે દુનિયાના ક્યા દેશમાં ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ શું છે તે અંગે રિપોર્ટ બહાર પાડ્યા કરે છે ને બધાંને સૂફિયાણી સલાહ આપ્યા કરે છે. યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલિજિયસ ફ્રીડમ (USCIRF) એ હમણાં એટલે કે 2025માં દુનિયાભરમાં ધાર્મિક સ્વાતંત્ર્ય મુદ્દે શું સ્થિતિ છે તેનો નવો રિપોર્ટ બહાર પાડ્યો છે.
આ રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમમાં હોવાની વરસો જૂની રેકર્ડ તો ફરી વગાડી જ છે પણ ભારતની ગુપ્તચર સંસ્થા એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર પ્રતિબંધની માગ પણ કરી છે. USCIRF નું કહેવું છે કે, ભારતમાં લઘુમતીઓની સ્થિતિ બગડી રહી છે એટલે ભારતને ખાસ ચિંતાનો દેશ જાહેર કરવો જોઈએ. આ પ્રકારની સંસ્થાઓ લઘુમતીની વાત કરે ત્યારે મુસ્લિમ એમ જ સમજવું એ કહેવાની જરૂર નથી. USCIRF એ તેના 2025ના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે, ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) શીખ અલગાવવાદીઓની હત્યાના કાવતરામાં સામેલ હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સંઘ મણિપુરની ચર્ચા જ કરશે કે કશું નક્કર પણ કરશે?
આ રિપોર્ટમાં બીજી પણ ઘણી મોં-માથા વિનાની વાતો છે અને એ વાતો કરવાનો કોઈ મતલબ નથી કેમ કે તેમાં કોઠી ધોઈને કીચડ જ કાઢવાનો છે. સ્વાભાવિક રીતે જ ભારતે અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચ એટલે કે USCIRF ના અહેવાલને ફગાવી દીધો છે. ભારતે આ રિપોર્ટને પક્ષપાતી અને રાજકીય પ્રેરિત ગણાવ્યો.
વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે કહ્યું છે કે, USCIRF નાની નાની ઘટનાઓને વિકૃત રીતે અને ખોટી રીતે રજૂ કરીને ભારતના વૈવિધ્યસભર સમાજને નબળા પાડવાનું કામ કરે છે અને આ રિપોર્ટ પણ તેનો એક ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, આ રિપોર્ટને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. ભારતમાં 1.4 અબજ લોકો રહે છે અને પોતાના મનપસંદ ધર્મોનું પાલન કરે છે. આ લોકો કોઈ તકલીફ વિના ભારતમાં જીવે છે પણ અમેરિકાની સંસ્થાને આ બધી વાતો સાથે કંઈ લેવાદેવા નથી. તેમને ભારતની બદનામી કરવામાં રસ છે.
મોદી સરકારની વાત સો ટકા સાચી છે. ભારતમાં લઘુમતી એટલે કે મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે એ પ્રકારની વાતો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી થાય છે પણ એ વાતો રાજકીય એજન્ડાથી વધારે કંઈ નથી. ભારતમાં સહિષ્ણુતા નથી એવી વાતો ફેલાવીને ભારતમાં માહોલ બગડી રહ્યો છે એવા દાવા થાય છે પણ તેમાં દમ નથી. ભારતમાં મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ બની છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ ખાલી મુસ્લિમો પર જ હુમલાની ઘટનાઓ બને છે એવું નથી. હુમલા બધાં પર થાય છે અને અપરાધો બધે થાય છે પણ મુસ્લિમો પરના હુમલાની ઘટનાઓને ધાર્મિક સ્વાતંત્ર્ય સાથે જોડીને ચગાવાય છે. બીજું એ કે, હુમલા દુનિયાભરના બધા દેશોમાં થાય છે. અમેરિકામાં હુમલા નથી થતા?
આ પણ વાંચો:એકસ્ટ્રા અફેર : સુનિતાની વાપસીનો તખ્તો તૈયાર, અંત ભલો તો બધું ભલું
ભારતમાં મુસ્લિમ વિરોધી નિવેદનો અપાય છે એ પણ સાચું છે પણ એ રાજકીય પાર્ટીઓ દ્વારા કરાય છે. આ પ્રકારનાં નિવેદનો દુનિયાના બધા દેશોમાં થાય છે. રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા પ્રમાણે નિવેદનો આપતા હોય છે. તેમાં ધર્મવિરોધી નિવેદનો હોય, જ્ઞાતિ વિરોધી નિવેદનો હોય, સંગઠન વિરોધી નિવેદનો પણ હોય પણ તેના કારણે જે તે દેશમાં ધાર્મિક સ્વાતંત્ર્ય જોખમમાં નથી આવી જતું. અમેરિકામાં જ ડોનલ્ડ ટ્રમ્પની નજીકનાં કહેવાય એવા લોકો કેવાં મુસ્લિમ વિરોધી નિવેદનો આપી ચૂક્યાં છે અને આપી રહ્યાં છે તેની વાત કરીશું તો આ લેખ નાનો પડી જશે તેથી તેની વાત નથી કરતા પણ રાજકીય નિવેદનોને ધાર્મિક સ્વાતંત્ર્ય સાથે ના જોડી શકાય. એ રીતે જોવા જઈએ તો ભારતમાં કેટલાક મુસ્લિમ નેતા હિંદુ વિરોધી નિવેદનો પણ આપે છે. તેના કારણે કંઈ ભારત હિંદુ વિરોધી દેશ થોડો થઈ ગયો ?
અમેરિકા જે કંઈ કરે છે એ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કરે છે અને ધાર્મિક સ્વાતંત્ર્યના નામે ઘોંચપરોણા અમેરિકાની આ વ્યૂહરચનાનો ભાગ છે. વાસ્તવમાં દુનિયામાં અમેરિકાથી વધારે દંભી કોઈ દેશ નથી. અમેરિકાની માનસિકતા ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે એવી છે. અમેરિકામાં ગોરા ના હોય એવાં લોકો સાથે કેવા વ્યવહાર થાય છે, કઈ રીતે કનડગત થાય ને કેવા ભેદભાવ થાય છે એ આપણી નજર સામે છે. જ્યોર્જ ફ્લોયડના કિસ્સાએ તો આખી દુનિયાને માથે લીધી હતી. આ ઘટનાના કારણે બ્લેક પ્રજા પર થતા અત્યાચારોનો મુદ્દો ચગેલો. તેની સામે અમેરિકાની બ્લેક પ્રજાએ દર્શાવેલો આક્રોશ પણ આખી દુનિયાએ જોયો હતો. અમેરિકાએ કદી દુનિયા સામે કબૂલ્યું કે, અમે આ ખોટું કર્યું છે ? અમેરિકા તેની ચિંતા કરતું નથી ને દુનિયાના બીજા દેશોને કઈ રીતે વર્તવું ને શું કરવું તેની શિખામણો આપ્યા કરે છે.
અમેરિકાએ આપણી જાસૂસી સંસ્થા રો પર પ્રતિબંધની તરફેણ કરી છે. જેમની એજન્સીઓનો ઈતિહાસ જ બીજા દેશોમાં અરાજકતા અને અશાંતિ ઊભી કરવાનો છે, ગમે તેને ઢાળી દેવાનો છે એ દેશ આપણી એજન્સી પર હત્યાના આરોપ મૂકીને પ્રતિબંધની વાત કરે તેનાથી હાસ્યાસ્પદ વાત બીજી કોઈ હોઈ ના શકે.
આપણે અમેરિકાની વાતોને કાને ધરવાની જરૂર નથી. અમેરિકાના કહેવાથી ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા નથી એવું સાબિત થતું નથી. આ દેશમાં મુસ્લિમો પર હુમલાના બનાવો બન્યા હશે કેમ કે મુસ્લિમો આ દેશના નાગરિકો છે ને આ દેશનો અવિભાજ્ય હિસ્સો છે પણ તેના કારણે ધાર્મિક રીતે વિભાજન કરાતું હોય કે લઘુમતીઓને નિશાન બનાવાતા હોય એવું ના કહેવાય. અમેરિકા પોતાના સ્વાર્થ ખાતર ગમે તે કહે, ભારતમાં લઘુમતીઓ સલામત છે ને હંમેશાં રહેશે.