એકસ્ટ્રા અફેરઃ મોદીએ વચન પાળ્યું, હવે પૂરો લાભ લોકોને મળે એ જરૂરી…

ભરત ભારદ્વાજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે કરેલા ભાષણમાં જીએસટીના દરોમાં ઘટાડો કરીને દિવાળી પહેલાં દેશના મધ્યમ વર્ગને મોટી ભેટ આપવાની જાહેરાત કરેલી. મોદીએ આ વચન પાળ્યું છે અને જીએસટીના ચાર સ્લેબની જગાએ બે જ સ્લેબ કરી નાંખીને લોકોને મોટી રાહત આપી છે.
આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવવાના છે તેથી લોકોની દિવાળી તો સુધરશે જ પણ નવરાત્રિ પણ સુધરશે.
લક્ઝુરીયસ ચીજો અને તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવામાં આવશે એવી જાહેરાત પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે તેથી વાસ્તવિક રીતે જીએસટીના ત્રણ સ્લેબ રહેશે પણ સામાન્ય માણસને અસર કરતી મોટા ભાગની નહીં બલ્કે તમામ ચીજો બે સ્લેબમાં આવરી લેવાઈ છે તેથી સામાન્ય માણસ માટે આ જાહેરાત ફાયદાકારક છે.
નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત પ્રમાણે હવે જીએસટીના પાંચ ટકા અને 18 ટકા એમ બે જ સ્લેબ હશે. પહેલાં જીએસટીનો સૌથી વધારે દર 28 ટકા હતો એ સીધો નાબૂદ કરી દેવાયો છે તેથી જે ચીજો પર 28 ટકા ટેક્સ લાગતો હતો એ બધી ચીજો પરનો ટેક્સ સીધો 10 ટકા ઘટી ગયો છે.
જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા આ નિર્ણયના કારણે સામાન્ય માણસની રોજિંદા વપરાશની ઘણી ચીજોના ભાવ ઘટી જશે એવી આશા રખાય છે.
દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો પરથી જીએસટી હટાવી દેવાયો છે જ્યારે હેર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ, ટેબલવેર અને કિચનવેર જેવી તમામ ઘરવપરાશની વસ્તુઓ હવે 5 ટકાના સ્લેબમાં આવી ગઈ છે. મધ્યમ વર્ગ માટે હવે અનિવાર્ય બની ગયેલાં એસી-ટીવી અને ફ્રિજ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
તેથી પણ લોકોને રાહત થશે. ટે્રકટર, ટે્રક્ટર ટાયર અને પાર્ટસ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને સ્પ્રિકંલર, એગ્રીકલ્ચરલ, હાર્ટિકલ્ચરલ અને ફોરેસ્ટી મશીન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો તેથી ખેડૂતોને ફાયદો થશે.
મધ્યમ વર્ગને સૌથી મોટો ફાયદો હેલ્થ ઈન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેઈમ અને લાઈફ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ નાબૂદ કરવાથી થશે કેમ કે તેનું સીધું ભારણ મધ્યમ વર્ગના ખિસ્સા પર આવતું હતું.
મધ્યમ વર્ગ માટે હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ અનિવાર્ય થઈ ગયા છે કેમ કે માંદગી ક્યારે આવે એ નક્કી નહીં ને મેડિક્લેઈમ ના હોય તો હૉસ્પિટલના ખર્ચમાં લાંબા થઈ જવાય. જીવનનો કંઈ ભરોસો નહીં એટલે લાઈફ ઈન્સ્યોરન્સ પણ લેવો જ પડે કે જેથી અચાનક કંઈ થઈ જાય તો પરિવારને તકલીફ ના પડે.
હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર અત્યારે 18 ટકા જીએસટી લાગે છે. આપણે પ્રીમિયમ ભરીએ ત્યારે બધું આપણા ખાતામાં જાય છે એમ માનીએ છીએ પણ વાસ્તવમાં હેલ્થ કે લાઈફ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પર 18 ટકા ટેક્સ આપવો પડતો.
સીધા શબ્દોમાં કહીએ તો વરસે લાખ રૂપિયા પ્રીમિયમમાં જતા હોય તો તેના પર 18 હજાર તો જીએસટી લાગતો હતો. હવે નવરાત્રિના પહેલા દિવસથી આ ટેક્સ ઝીરો થઈ જશે તેથી સામાન્ય લોકોને બહુ રાહત થશે.
મોદી સરકારની જાહેરાત એ રીતે પણ મહત્ત્વની છે કે, મધ્યમ વર્ગને રાહત આપવા માટે જીએસટીમાં કરાયેલા ફેરફારથી સરકારની આવક ના ઘટે તેનું પણ ધ્યાન રખાયું છે. તેના કારણે વિકાસનાં કામો ખોટકાશે કે તેમના માટે ઓછું ફંડ મળશે એ ડર રાખવા જેવો નથી.
સિગારેટ સહિતનાં તમાકુ ઉત્પાદનો અને કાર સહિતની લક્ઝરીયસ ચીજો પરનો ટેક્સ વધારીને 40 ટકા કરી દેવાયો છે. વધારાની ખાંડ, સ્વીટનર અથવા ફ્લેવર ધરાવતી કોલ્ડ ડ્રિંક્સ સહિતની ચીજો પરનો જીએસટી પણ 28 ટકાથી વધારીને 40 ટકા કરાયો છે.
છેલ્લાં કેટલાંક વરસોમાં આ બધી ચીજોનો વપરાશ પુષ્કળ વધ્યો છે તેથી 12 ટકા ટેક્સ વધારાના કારણે સરકારની આવક વધશે. કોલ્ડ ડ્રિંક્સ, સિગારેટ સહિતની ચીજો તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે તેથી મોદી સરકારે એક કાંકરે બે પક્ષી મારવા પ્રયત્ન કર્યો છે, પણ તેના કારણે લોકોમાં તેનો વપરાશ ઘટશે એવી બહુ આશા રાખવા જેવી નથી.
અલબત્ત એ વ્યક્તિગત પસંદગીની બાબત છે તેથી જેને ધીમા ઝેરથી મરવું હોય તેને કોઈ ના રોકી શકે પણ સમજદાર હશે એ પૈસાનું પાણી કરીને મોત તરફ જવાનું પસંદ નહીં કરે.
મોદી સરકારે લોકોને ફાયદો કરાવતી જાહેરાતો કરીને પ્રસંશનીય કામ કર્યું છે તેમાં શંકા નથી પણ વધારે જરૂરી બાબત તેનો પ્રમાણિકતાથી અમલ થાય અને લોકોને સીધો ફાયદો મળે એ છે. આપણે ત્યાં ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યાં કાઠાં જેવી હાલત છે.
સરકાર લોકોને ફાયદો કરાવવા માટે કોઈ પણ જાહેરાત કરે એટલે તેમાંથી કઈ રીતે વધારે નફો કમાવવો તેનાં તિકડમ શરૂ થઈ જતાં હોય છે. રિઝર્વ બૅંક રેપો રેટમાં ઘટાડો કરે પછી મોટા ભાગની બૅંકો ઘટાડો થયો હોય તેના પ્રમાણમાં લોકોને રાહત નથી આપતી એ આપણો વરસોનો અનુભવ છે.
રેપો રેટ 25 બેઝિસ પોઈન્ટ વધે તો વ્યાજના દરમાં અડધા ટકાનો વધારો કરી નાંખનારી બૅંકો 50 બેઝિસ પોઈન્ટના ઘટાડા વખતે વ્યાજમાં 25 બેઝિસ પોઈન્ટ એટલે કે પા ટકાનો જ ઘટાડો કરીને નફાખોરી કરે છે એ આપણે વરસોથી જોઈએ છીએ.
વીમા કંપનીઓ અને કંપનીઓ પણ આ જ ખેલ કરે એવી પૂરી શક્યતા છે તેથી કેન્દ્ર, રાજ્ય સરકારો અને લોકોએ પણ સતર્ક રહેવું પડે, બાકી મોદી સરકારે સારા ઉદ્દેશથી કરેલી જાહેરાતનો અર્થ નહીં રહે. સરકારી નિયમ પ્રમાણે, વીમા પ્રીમિયમ પર જીએસટી વસૂલાય એ વીમા કંપનીઓને કમિશન એજન્ટ કે ઓફિસ સહિતની સુવિધાઓમાં બાદ મળે છે.
વીમા કંપનીઓ વસૂલેલા જીએસટીની 70 ટકા રકમ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) તરીકે પાછી મેળવી શકે છે તેથી જીએસટીમાંથી વીમા કંપનીઓનો ખર્ચ નિકળતો. હવે જીએસટી જ નિકળી જતાં વીમા કંપનીઓને આઈટીસી નહીં મળે.
તેથી કંપનીઓ પોતાનો ખર્ચ કે ખોટ ગ્રાહકો પર નાખવા પ્રીમિયમ વધારે એવી પૂરી શક્યતા છે. એ જ રીતે કંપનીઓ પણ ચીજોના ભાવ થોડાક વધારીને લોકોને પૂરેપૂરી રાહત ના આપે એવી શક્યતા પ્રબળ છે તેથી સરકારે લોકોને પૂરેપૂરો ફાયદો મળે એ માટે ગાળિયો કસવો પડે.
આ પણ વાંચો…આઝાદી પછીનો આ સૌથી મોટા આર્થિક સુધારો! જીએસટીમાં સુધારો થયા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા