એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : મુસ્લિમ સંગઠનોને ઝુમ્બા ક્લાસ સામે પણ વાંધો…

-ભરત ભારદ્વાજ

ભારતમાં મુસ્લિમોનો એક વર્ગ પોતે તો પછાત રહેવા માગે જ છે પણ પોતાની ભાવિ પેઢીને પણ પછાતપણામાં જ રાખવા માગે છે. આ વર્ગને કંઈ પણ નવું થાય તેની સામે વાંધો પડી જાય છે ને એ વાંધો પણ એવો હોય છે કે, જે સાંભળીને હસવું આવે. આ વિરોધ કરનારની માનસિકતાની પણ દયા આવે. કેરળની સ્કૂલોમાં શરૂ થયેલા ઝુમ્બા ક્લાસ સામેનો વિરોધ તેનો તાજો પુરાવો છે.

કેરળમાં આ વર્ષથી શાળાઓમાં ઝુમ્બાના વર્ગો શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. આ ઝુમ્બા ક્લાસ ડ્રગવિરોધી અભિયાનના ભાગરૂપે શરૂ કરાયા છે ને તેની પાછળળનો ઉદ્દેશ શાળાઓમાં ભણતાં બાળકોની ફિટનેસ વધારવાનો છે. કેરળના શિક્ષણ વિભાગે જ આ ક્લાસ શરૂ કર્યા છે તેથી મોટા ભાગની સ્કૂલોએ ઝુમ્બાની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે પણ તેની સામે મુસ્લિમ સંગઠનોને વાંધો પડી ગયો છે.

મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે, ઝુમ્બા ક્લાસના બહાને છોકરા અને છોકરીઓ એકબીજાને મળે અને નાનાં કપડાં પહેરીને નાચે તેના કારણે અશ્ર્લીલતાને પ્રોત્સાહન મળશે તેથી અમને આ ક્લાસ માન્ય નથી. મુસ્લિમ સંગઠનો વતી વિરોધની આગેવાની વિઝડમ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશને લીધી છે. આ સંગઠનનું કહેવું છે કે, આ બધું ધર્મવિરોધી છે તેથી અમને માન્ય નથી.

મુસ્લિમ સંગઠનોએ ભેગાં થઈને મુસ્લિમ સંગઠન સમસ્તા બનાવ્યું છે. તેના નેતા નાસર ફૈઝી કુદથાઈના કહેવા પ્રમાણે તો ઝુમ્બા ક્લાસ વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન છે. અમારાં નૈતિક મૂલ્યો પણ અમને ઝુમ્બા ક્લાસ કરવાની મંજૂરી આપતા નથી કેમ કે શારીરિક તંદુરસ્તીના નામે અશ્ર્લીલતા લાદવામાં આવી રહી છે. ઝુમ્બામાં લોકો ઓછાં કપડાં પહેરીને સાથે ડાન્સ કરે છે તેથી અમને માન્ય નથી. નાનાં બાળકો ઝુમ્બા કરે તો વાંધો નથી પણ સરકારે મોટાં છોકરાંને પણ ઝુમ્બા ડાન્સ કરવાની સૂચના આપી હોય તો વાંધાજનક છે. નાસર ફૈઝીના કહેવા પ્રમાણે તો સરકાર ફિટનેસ માટેની ટ્રેઈનિંગમાં સુધારો કરવાને બદલે છોકરાંને અશ્ર્લીલતા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

કેરળમાં ડાબેરી મોરચાની સરકાર છે ને આ સરકાર ઝુમ્બા ક્લાસ ચાલુ રાખવા માગે છે એવું કેરળના શિક્ષણમંત્રી વી. શિવનકુટ્ટીએ તડ ને ફડ કરીને કહી દીધું છે. શિવનકુટ્ટીનું કહેવું છે કે, આવી વિચારસરણી સમાજમાં ઝેર ફેલાવશે અને આ વિચારસરણી ડ્રગ્સ કરતાં પણ વધુ ઘાતક છે. શિવનકુટ્ટીએ સરકારના નિર્ણયનો બચાવ કરીને વિરોધ કરી રહેલાંની દલીલોના ધજાગરા કાઢતાં ફેસબુક પર એક વીડિયો પણ શેર કર્યો છે કે જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઝુમ્બા ડાન્સ કરી રહી છે.

કાસરગોડની થાનબીહુલ ઇસ્લામ ઉચ્ચ માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ સલવાર-કમીઝ અને હિજાબ પહેરીને ઝુમ્બા ડાન્સ કરી રહી છે અને એન્જોય પણ કરી રહી છે. શિવનકુટ્ટીએ લખ્યું છે કે, બાળકોને રમવા દો, હસવા દો, મજા કરવા દો. કેમ કે આ પ્રકારના વાંધા સમાજમાં ઝેર ફેલાવશે અને ડ્રગ્સ કરતાં પણ વધુ ઘાતક સાબિત થશે. શિક્ષણમંત્રીએ એ સ્પષ્ટતા પણ કરી છે કે, કોઈ છોકરીને કે છોકરાને ટૂંકાં કપડાં પહેરવાનું કહેવાયું નથી કે છોકરા-છોકરીઓને સાથે ડાન્સ કરવાનું પણ કહેવાયું નથી તેથી વાહિયાત વાંધા કાઢવા બંધ કરવા જોઈએ.

શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી એ પછી પણ વાંધાવચકા તો ચાલુ જ છે ને બીજી તરફ સોશિયલ મીડિયા પર મુસ્લિમ છોકરીઓના ઝુમ્બા ડાન્સ કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પરના આ વીડિયો જોયા પછી કહી શકાય કે, કેરળમાં બહુમતી મુસ્લિમ સમાજની છોકરીઓ આ વાંધાવચકાને અવગણીને ઝુમ્બા ડાન્સની મજા માણી રહી છે. જેને જે કહેવું હોય એ કહે, છોકરીઓ પોતાની મસ્તીમાં મસ્ત છે ને એ સારું પણ છે કેમ કે જે વાંધા ઉભા કરાયા છે એ બકવાસ છે.

આ ઘટના કેરળની છે ને પ્રમાણમાં નાની છે પણ આ દેશમાં મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારો મુસ્લિમ સમાજને હજુય સાતમી સદીમાં જ જીવતો રાખવા માગે છે તેનું તેમાં પ્રતિબિંબ છે. સાતમી સદીમાં મુસ્લિમ સમાજમાં જે નિયમો હતા એ જ નિયમો હજુ એ લોકો લાગુ કરવા માગે છે. મુસ્લિમ છોકરાં-છોકરીઓને ધાર્મિક માન્યતાઓના નામે ગુલામ બનાવીને રાખવા માગે છે. તેના કારણે ડાન્સ જેવી સારી બાબત સામે પણ વાંધા કાઢીને ઊભા રહી જાય છે.

આપણે ત્યાં ઝુમ્બા એક પ્રકારનો ડાન્સ હોવાની માન્યતા છે પણ વાસ્તવમાં ઝુમ્બા એક ફિટનેસ પ્રોગ્રામ છે. કાર્ડિયો અને લેટિન અમેરિકાનાં નૃત્યોનો સંગમ કરીને 2001માં કોલંબિયન નૃત્યાંગના અને કોરિયોગ્રાફર બેટો પેરેઝે ઝુમ્બા ક્લાસની શરૂઆત કરી હતી. અત્યારે ઝુમ્બા આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યાં છે અને યંગ જનરેશનને તેનો ક્રેઝ છે. ઝુમ્બા ભલે ફિટનેસ પ્રોગ્રામ હોય પણ તેની લોકપ્રિયતાનું કારણ એ છે કે, તેમાં ડાન્સ છે.

ડાન્સ શ્રેષ્ઠ એક્સરસાઈઝ છે અને તેના કારણે ફિટનેસ સારી રહે છે તેમાં બેમત નથી. ડાન્સ યંગ જનરેશનને ગમે પણ છે. ગમે તે ધર્મ હોય કે સમાજ હોય, છોકરાં-છોકરીઓને ડાન્સ કરવામાં રસ પડી જ જાય છે તેથી કેરળની સરકારે છોકરાંની ફિટનેસ માટે ડાન્સનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું એ સારું છે. સ્કૂલમાં બીજી કોઈ ડ્રીલ કરાવો કે ફરજિયાત સ્પોર્ટ્સ ક્લાસ રાખો તો બધાંને રસ ના પડે પણ ડાન્સમાં ભાગ્યે જ કોઈ યંગસ્ટરને રસ ના પડે એ જોતાં કેરળની સરકારનું પગલું એવું છે કે જેનું અનુકરણ બીજાં રાજ્યોએ પણ કરવું જોઈએ.

મુસ્લિમ સંગઠનોને ઝુમ્બા સામે વાંધો છે અને તેમને ઝુમ્બા અનૈતિક લાગે છે. તેનો વિરોધ કરવા સંગઠનો કૂદી પડે છે પણ ઈસ્લામમાં જેનો નિષેધ છે એવી ઘણી પ્રવૃત્તિઓ સામે આ જ સંગઠનો ચૂપ રહે છે. ઈસ્લામમાં આતંકવાદને ધર્મવિરોધી ગણાવાયું છે પણ કોઈ મુસ્લિમ સંગઠન આતંકવાદનો ઉગ્રતાથી વિરોધ કરતું નથી કે તેની સામે આ રીતે કૂદી પડતું નથી. ઈસ્લામમાં વ્યાજ ખાવાનો ને શરાબનો પણ નિષેધ છે. સંખ્યાબંધ મુસ્લિમ બુટલેગરો ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છે પણ કોઈ મુસ્લિમ સંગઠન તેની સામે બોલતું નથી કે વિરોધ પણ કરતું નથી.

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવું તો ઘણું બધું ગેરઈસ્લામી ચાલ્યા કરે છે પણ મુસ્લિમ સંગઠનો તેની સામે ચૂપ જ રહે છે. ખાલી છોકરાં થોડીક મોજમસ્તી કરી લે તેની સામે જ તેમને વાંધો છે.

આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, કૉંગ્રેસ નહીં સુધરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button